જુનેજો, મોહંમદખાન (જ. 18 ઑગસ્ટ 1932, સિન્ધરી, સન્ધાર જિલ્લો; અ. 17 માર્ચ 1993, બાલ્ટિમોર, અમેરિકા) : પાકિસ્તાનના વડાપ્રધાન અને રાજકારણી. દીનમોહમ્મદ જુનેજોના પુત્ર. પ્રાથમિક શિક્ષણ વતનમાં મેળવ્યું. માધ્યમિક શિક્ષણ સેંટ પેટ્રિક સ્કૂલ, કરાંચી ખાતે લીધું અને સ્નાતકની પદવી હૅસ્ટિંગ્ઝ ઍગ્રિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ, સસેક્સ, ઇંગ્લૅન્ડ ખાતેથી મેળવી. રાજકીય કારકિર્દીની શરૂઆત ધારાસભાના સભ્ય તરીકે થઈ. તે 1962માં પશ્ચિમ પાકિસ્તાનની પ્રાદેશિક ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 1965–69 દરમિયાન રેલવેમંત્રી બન્યા. 1978–79માં સમવાયી કારોબારીના સભ્ય બન્યા. 1985–88 દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા. 1989માં બહેરીનમાં પાકિસ્તાનના એલચી નિમાયા. 1986માં પાકિસ્તાન મુસ્લિમ લીગના પ્રમુખ બન્યા. પાકિસ્તાનમાં મધ્યમમાર્ગી (moderate) રાજકીય નેતા તરીકે તેમની ગણના થાય છે. તેમના રસના વિષયોમાં ખેતી, વાચન, સહકારી પ્રવૃત્તિ વગેરે ગણી શકાય. છેલ્લાં વર્ષોમાં લોહીના કૅન્સરથી પીડાતા હોવાને કારણે સારવાર માટે અમેરિકા ગયા હતા. ત્યાં હૃદયરોગના હુમલાનો ભોગ બનતા બાલ્ટિમોર, અમેરિકા ખાતે તેમનું અવસાન થયું હતું.
સરમણ ઝાલા