આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (International Labour Organization, 1919) : વિશ્વના શ્રમજીવી વર્ગની સ્થિતિ, કામની શરતો તથા જીવનધોરણમાં સુધારો લાવવાની દિશામાં પ્રયત્નશીલ આંતરરાષ્ટ્રીય સંસ્થા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછી વર્સેલ્સની સંધિ હેઠળ લીગ ઑવ્ નૅશન્સ સાથે સંલગ્ન છતાં સ્વાયત્ત એવી આ સંસ્થાની સ્થાપના એપ્રિલ, 1919માં કરવામાં આવી હતી. 1946માં એક ખાસ કરાર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે જોડાણ પ્રાપ્ત કરનાર આ પ્રથમ વિશિષ્ટ (specialised) સંસ્થા છે. તેના સભ્યદેશોની સંખ્યા 15૦ છે. તેનું મુખ્ય કાર્યાલય સ્વિટ્ઝર્લૅન્ડમાં જિનીવા ખાતે છે જ્યાં તેનું કાયમી સચિવાલય તેના ડિરેક્ટર જનરલની દેખરેખ હેઠળ કાર્ય કરે છે. ડિરેક્ટર જનરલને મદદ કરવા આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રશાસનિક અધિકારીઓ ઉપરાંત તકનીકી તજજ્ઞોની નિમણૂક કરવામાં આવે છે, જે વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સંસ્થા વતી કાર્ય કરતા હોય છે. તેના નેજા હેઠળ દર વર્ષે યોજાતી આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદ સંસ્થાના નીતિવિષયક નિર્ણયો લેનાર સર્વોચ્ચ ઘટક ગણાય છે. વાર્ષિક પરિષદમાં આશરે 1,5૦૦ જેટલા પ્રતિનિધિઓ, સલાહકારો તથા નિરીક્ષકો ઉપસ્થિત રહે છે, જેમાં દરેક દેશની સરકાર, માલિકો તથા શ્રમિકોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. સંસ્થાની કાર્યવાહક સમિતિ (executive council) પર રોજિંદા વહીવટની તથા સંસ્થાના નિર્ણયોને કાર્યાન્વિત કરવાની જવાબદારી હોય છે. આ સંચાલન સમિતિમાં વાર્ષિક પરિષદે ચૂંટેલા સભ્ય દેશોની સરકારોના પ્રતિનિધિઓ (28), ઉપરાંત માલિકો તથા શ્રમિકોના પ્રતિનિધિઓ (28) હોય છે. આમ તેમાં માલિકો તથા શ્રમિકોને સરખું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
સંસ્થાની સ્થાપના પછીના પ્રથમ દાયકામાં તેણે સંશોધન ઉપરાંત શ્રમિક વર્ગની કામની શરતો સુધારવાની દિશામાં વિશ્વના દેશોમાં જરૂરી કાયદાકાનૂન ઘડાય તે માટેના પ્રયત્નો કર્યા હતા. તેનો મુખ્ય ઉદ્દેશ બધા દેશોમાં શ્રમિકો માટે સમાન લઘુતમ ધોરણોને આધારે જરૂરી પગલાં લેવડાવવાનો તથા સરકાર, માલિકો અને શ્રમિકો વચ્ચે પરસ્પર સુમેળ અને સહકારને પ્રોત્સાહન આપીને ઔદ્યોગિક શાંતિ પ્રસ્થાપિત કરવાનો હતો. સંસ્થાની સ્થાપનાના બીજા દાયકામાં સંસ્થાએ વિશ્વમહામંદી(1929)ને પરિણામે ઉપસ્થિત થયેલી વિશિષ્ટ આર્થિક પરિસ્થિતિ અને ખાસ કરીને વિશ્વવ્યાપી બેકારીનો સામનો કરવા પર ભાર મૂક્યો હતો અને કેટલાંક પગલાંઓનું સૂચન કર્યું હતું.
બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીના ગાળામાં વિશ્વના ઘણા દેશોએ રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી. તેને પરિણામે ત્રીજા વિશ્વના દેશોમાં રાજકીય ઉપરાંત ઉદ્યોગીકરણ જેવાં આર્થિક પરિવર્તનો દ્વારા ઝડપી આર્થિક વિકાસ સાધવાની ઝંખના તીવ્ર બની હતી. આ નવોદિત દેશો મોટી સંખ્યામાં સભ્ય તરીકે સંસ્થામાં દાખલ થતાં તેમાં માત્ર સંખ્યાત્મક જ નહિ, પરંતુ ગુણાત્મક પરિવર્તન આવ્યું હતું. ત્રીજા વિશ્વના આ દેશો રાજકીય ગુલામી ભોગવતા હતા ત્યારે તેમનું આર્થિક શોષણ કરવામાં આવતું, જેની સૌથી વધુ અસર શ્રમજીવી વર્ગ પર પડતી હતી. કારણ કે વિદેશી સરકાર દ્વારા થતા શોષણ ઉપરાંત જે તે દેશના માલિકો દ્વારા પણ શ્રમિકોનું શોષણ થતું હતું. તેને અટકાવવા માટે સરકાર-પક્ષે ભાગ્યે જ કોઈ પ્રયાસ થતો હતો. મોટાભાગના કિસ્સાઓમાં તો સરકાર અને માલિકો વચ્ચે શ્રમજીવી વર્ગના શોષણની બાબતમાં સાંઠગાંઠ રહેતી હતી. આવા દેશો રાજકીય સ્વતંત્રતા મેળવ્યા પછી પોતાની પ્રજાને આર્થિક ગુલામીમાંથી મુક્ત કરવા માગતા હતા. તેના પડઘા આંતરરાષ્ટ્રીય શ્રમસંગઠન પર પડે તે સ્વાભાવિક છે. આમ બીજા વિશ્વયુદ્ધ પછી આ સંસ્થાનાં કાર્યોના સ્વરૂપમાં માળખાગત ફેરફારો થવા લાગ્યા છે અને તેને પરિણામે સંસ્થાને નવા પડકારો ઝીલવા પડ્યા છે.
સંસ્થાના ઉદ્દેશો :
(1) આર્થિક અને સામાજિક શોષણમાંથી શ્રમજીવી વર્ગને મુક્ત કરવો તથા તેને સામાજિક ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવી.
(2) વિશ્વના મહેનતકશ લોકોને સહન કરવાં પડતાં અન્યાય, જુલમ, હાલાકી વગેરેમાં ઘટાડો કરવો.
(3) શ્રમજીવી વર્ગની જીવન તથા કામની પરિસ્થિતિ અને રોજગારીની શરતોમાં સુધારા કરવા અને તે દ્વારા સામાજિક ન્યાય પર આધારિત વિશ્વવ્યાપી અર્થવ્યવસ્થા મારફત કાયમી શાંતિ પ્રસ્થાપિત કરવી.
સંસ્થાએ કેટલાક મૂળભૂત સિદ્ધાંતો સ્વીકાર્યા છે, જેમાંથી કેટલાકને ફિલાડેલ્ફિયા (અમેરિકા) ખાતે જૂન, 1944માં આયોજિત 26મા ખાસ અધિવેશનના ઘોષણાપત્રમાં સમાવિષ્ટ કરીને સંસ્થાના બંધારણમાં આમેજ કરવામાં આવ્યા છે. સંસ્થાએ સ્વીકારેલા મૂળભૂત સિદ્ધાંતો તથા ફિલાડેલ્ફિયા ખાતેના ઘોષણાપત્રમાં ઉમેરવામાં આવેલા ઉદ્દેશો તથા આદર્શો આ મુજબ છે : (1) શ્રમિક એ વિનિમય કે વેચાણની ચીજવસ્તુ નથી. (2) શ્રમિકવર્ગના વિકાસ માટે વિચાર, વાણી તથા સંગઠનનું સ્વાતંત્ર્ય અનિવાર્ય છે. તેનો ઉપયોગ બંધારણીય માર્ગો દ્વારા કાયદેસરની સ્વહિતલક્ષી પ્રવૃત્તિઓ કરવાની છૂટ. (3) દેશકાળની પરિસ્થિતિ મુજબ વાજબી જીવનધોરણ બક્ષી શકે તેવાં વેતનધોરણોનો અમલ. (4) શ્રમિકો માટે દિવસના 8 કલાક અને અઠવાડિયાના 48 કલાકનો શ્રમ તથા અઠવાડિયામાં ઓછામાં ઓછો 24 કલાકનો આરામ અને તે માટે શક્ય હોય ત્યાં રવિવારની પસંદગી. (5) બાળમજૂરી પર પ્રતિબંધ. (6) સતત શિક્ષણ તથા શારીરિક વિકાસ માટે શ્રમિક વર્ગને સગવડો પૂરી પાડી શકે તેવું શ્રમકાર્યનું આયોજન. (7) પુરુષ તથા સ્ત્રી કામદારોને સરખા કામ માટે સરખું વેતન (8) દેશના તથા પરદેશના શ્રમિકો સાથે ન્યાયોચિત આર્થિક વ્યવહારની કાયદાકીય બાંયધરી. (9) શ્રમ-કાયદાઓ તથા નિયમોના અસરકારક અમલ માટેના તંત્રની ગોઠવણ.
સંસ્થાના 26મા અધિવેશનમાં બે બાબતોનો ભારપૂર્વક નિર્દેશ કરવામાં આવ્યો. એક તો વિશ્વના કોઈ પણ પ્રદેશની ગરીબી અન્ય પ્રદેશોની સમૃદ્ધિ માટે ભયજનક છે. બીજું, ગરીબી અને અછતના નિવારણ માટે નિર્ણાયક ધોરણે, લોકશાહી પદ્ધતિએ અવિરત ઝુંબેશની અનિવાર્યતા અને તેમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સરકાર, માલિકો તથા શ્રમજીવી વર્ગની ભાગીદારી આવશ્યક છે.
1973 સુધી સંસ્થાએ 136 જેટલા વ્યવહારલક્ષી કૉલકરાર (conventions) તથા 144 જેટલી ભલામણો દ્વારા શ્રમકાયદાઓ તથા શ્રમિકોને લગતાં અન્ય પગલાંઓ માટે સમાન લઘુતમ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સૂચવ્યાં હતાં. એશિયાખંડના દેશોના કામદારો માટે સંસ્થાએ વ્યવહારલક્ષી અભ્યાસક્રમો તથા વ્યવસ્થાપન તાલીમવર્ગો શરૂ કર્યા છે અને તેના અનુસંધાનમાં 1949માં બૅંગાલુરુ ખાતે એશિયન મૅનપાવર ફિલ્ડ ઑફિસની સ્થાપના કરી છે. આ કેન્દ્ર તકનીકી સહાય અને તાલીમ દ્વારા એશિયા તથા દૂર પૂર્વના દેશોમાં શ્રમિકોની આવડત તથા વ્યવસ્થાપનક્ષેત્રની કાર્યક્ષમતામાં સતત સુધારો લાવવા માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે તેમજ તકનીકી તાલીમમાં સંશોધન તથા માહિતી પ્રસારણના પ્રાદેશિક સંસ્થાન તરીકે કાર્ય કરે છે. નવેમ્બર, 196૦માં નવી દિલ્હી ખાતે સામાજિક સલામતી અંગે ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યૉરિટી ઍસોસિયેશનના સહકારથી એશિયાના દેશો માટે જે પ્રાદેશિક તકનીકી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તે બૅંગાલુરુ ખાતેના આ પ્રાદેશિક કેન્દ્રના સંચાલન હેઠળ યોજાયું હતું.
1919માં સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જ લીગ ઑવ્ નૅશન્સના સ્થાપક સભ્ય તરીકે તથા વર્સેલ્સ સંધિ પર હસ્તાક્ષર કરનાર દેશ તરીકે ભારતને આ સંસ્થાનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. 1919-21 આ બે વર્ષ દરમિયાન ભારત આ સંસ્થાના સામાન્ય સભ્ય તરીકે રહ્યું હતું. 1922થી ભારતને સંસ્થાની મધ્યસ્થ સંચાલન સમિતિ (governing body) પર ચૂંટાયેલા વર્ગ સિવાયના સભ્યો માટેના સ્થાનમાંથી એક સ્થાન આપવામાં આવ્યું હતું. સંસ્થાએ પસાર કરેલા 136 કૉલકરારોમાંથી ભારતે 31 માન્ય રાખ્યા છે અને તેની જોગવાઈઓનો અમલ કર્યો છે. આઝાદી પછી ભારતમાં જે શ્રમકાયદાઓ પસાર થયા છે તેના પર આ આંતરરાષ્ટ્રીય સંસ્થાનો પ્રભાવ પડ્યો છે; એટલું જ નહિ, પરંતુ તે કાયદાઓની ઘણી જોગવાઈઓ સંસ્થાએ સ્વીકારેલ ધારાધોરણો કરતાં વધુ ઉદાર છે. એ રીતે ભારત સરકારની શ્રમનીતિ પર પણ આ સંસ્થાની વિચારસરણીનો પ્રભાવ પડતો રહ્યો છે. શ્રમિકોને લગતી ઘણી બાબતો અંગે ભારતે સંસ્થા પાસેથી તક્નીકી સલાહ તથા સહાય મેળવી છે, નિષ્ણાતોની સેવાઓ પ્રાપ્ત કરી છે તેમજ વિશ્વના જરૂરિયાતવાળા દેશોમાં ભારતના શ્રમ-નિષ્ણાતોની સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
સંસ્થા વતી ‘ઇન્ટરનેશનલ લેબર રિવ્યૂ’ નામનું માસિક મુખપત્ર પ્રકાશિત કરવામાં આવે છે. ઉપરાંત, દર વર્ષે શ્રમિકોને લગતી આંકડાકીય માહિતી દશર્વિતી ‘યરબુક’ બહાર પાડવામાં આવે છે.
ઇઝરાયલ તથા મધ્યપૂર્વના દેશો અંગેની અમેરિકાની નીતિની સંસ્થાના મંચ પરથી થયેલ ટીકાના વિરોધમાં નવેમ્બર, 1977માં અમેરિકાએ આ સંસ્થાનો બહિષ્કાર કર્યો હતો; પરંતુ 198૦માં અમેરિકા ફરી સંસ્થામાં દાખલ થયું છે.
શ્રમિક વર્ગનાં સ્થાન અને સ્થિતિમાં સુધારો કરવાની, તેના કાયદાઓને પ્રગતિશીલ ધોરણે સુધારવાની, તેના હિતનું રક્ષણ કરવાની, તેનું જીવનધોરણ તથા સામાજિક મોભો ઊંચાં લાવવાની, સામૂહિક સોદાશક્તિના સિદ્ધાંતને વ્યવહારમાં અમલી બનાવવાની, આર્થિક તથા સામાજિક બાબતો અંગે નિર્ણય લેવાની પ્રક્રિયામાં શ્રમિક વર્ગને સ્થાન આપવાની, ઔદ્યોગિક વિવાદો પરસ્પર વાટાઘાટો દ્વારા અથવા ત્રિપક્ષી મંત્રણાઓ મારફત ઉકેલવાની અને તે દ્વારા ઔદ્યોગિક શાંતિ પ્રસ્થાપિત કરવાની, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર કરનારા શ્રમિકોનાં હિતોનું રક્ષણ કરવાની તથા વ્યાપક અર્થમાં માનવઅધિકારોનું જતન અને રક્ષણ કરવાની સંસ્થાની નીતિ અને તે અંગેના રચનાત્મક અભિગમ માટે તેને 1969નું નોબેલ શાંતિપારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે