મનામા : ઈરાની અખાતના પશ્ચિમ ભાગમાં ટાપુરૂપે આવેલા બહેરિન રાજ્યનું તેમજ અમીરાતનું મોટામાં મોટું શહેર તથા પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 26° 05´ ઉ. અ. અને 50° 25´ પૂ. રે. પર બહેરિન ટાપુના ઈશાન છેડા પર આવેલું છે. સમગ્ર અમીરાતની આશરે 40 % જેટલી વસ્તી આ શહેરમાં વસે છે. તેનો સર્વપ્રથમ ઉલ્લેખ ઇસ્લામી તવારીખનોંધમાં 1345ના વર્ષનો મળે છે. તે પછીથી પૉર્ટુગીઝોએ 1521માં અને ઈરાનીઓએ 1602માં તેનો કબજો મેળવેલો. 1783 પછીથી વચ્ચે વચ્ચેના કેટલાક સમયગાળાઓને બાદ કરતાં તે અલ ખલીફા વંશના રાજવીઓને હસ્તક રહેલું. 1861થી 1914 દરમિયાન બહેરિન માટે જુદી જુદી સંધિઓ થયેલી અને તેને બ્રિટિશ રક્ષણ હેઠળ મૂકવામાં આવેલું. 1900માં મનામા ખાતે બ્રિટિશ પોલિટિકલ એજન્ટ મુકાયેલો. 1946માં પોલિટિકલ રેસિડન્સી જે બુશહર ખાતે હતી તે મનામા ખાતે ખસેડાઈ અને 1971માં તે સ્વતંત્ર થયું ત્યાં સુધી ત્યાં જ રહી.

અગાઉના વખતમાં તે ઉત્તર ઈરાની અખાતના મહત્વના વાણિજ્ય-મથક તરીકે રહેલું. પરંપરાગત રીતે તેનું અર્થતંત્ર મોતી એકઠાં કરવાના, માછલાં પકડવાના તેમજ હોડીઓ બનાવવાના વ્યવસાય પર નિર્ભર હતું. બંદરી સુવિધા ઓછી હતી. મોટાં વહાણો 3થી 6 કિમી. દૂર ઊભાં રહેતાં; પરંતુ 1932માં બહેરિન ખાતે તેલની ખોજ થવાથી અર્થતંત્ર સુધરતું ગયું, નવી ઇમારતો બંધાતી ગઈ અને મનામા વેપાર, વાણિજ્ય અને નાણાકીય ક્ષેત્રે વિકસતું ગયું. બૅંકોની સુવિધા ઊભી થઈ. બહેરિન ટાપુના મધ્યમાં અવાલી ખાતે બહેરિન પેટ્રોલિયમ કંપની (Bapco) સ્થાપવામાં આવી. આ કારણે 1958માં મનામાને મુક્ત બંદર તરીકે જાહેર કરવામાં આવ્યું. 1962માં શહેરના અગ્નિકોણમાં આવેલા ખાવર અલ કુલેયાહના રક્ષિત અખાત ખાતે ઊંડા જળની બંદરી સુવિધાઓ ઉપલબ્ધ થઈ; ગોદામો અને શીતાગારોની સગવડો મળતી ગઈ; વહાણોના સમારકામની વ્યવસ્થા પણ થઈ. આમ મનામા ઈરાની અખાતનું મહત્વ ધરાવતું બંદર બની રહ્યું. મનામા બહેરિનના આખા ટાપુ સાથે તેમજ અગ્નિકોણમાં આવેલા અલ-મુહર્રક નગર (બહેરિનના બીજા ક્રમે આવતા શહેર) સાથે પુલથી સંકળાયેલું રહે છે.

ગિરીશભાઈ પંડ્યા