મધ્ય મહાસાગરીય ડુંગરધારો
(Mid-oceanic Ridges)
દુનિયાનાં બધાં જ મહાસાગરતળના મધ્યભાગને આવરી લેતી, આજુબાજુના ખંડોના કિનારાઓને લગભગ સમાંતર અને સળંગ ચાલુ રહેતી પર્વતમાળાઓ. અન્યોન્ય જોડાયેલી આ પર્વતમાળાઓ વળાંકો લઈને શાખાઓમાં વિભાજિત પણ થયેલી છે. તેમની કુલ લંબાઈ 65,000 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 500થી 5,000 કિમી. જેટલી છે. તે મહાસાગરીય મધ્યતળના લગભગ એક–તૃતીયાંશ ભાગને અને પૃથ્વીની સમગ્ર સપાટીના આશરે 20 % ભાગને આવરી લે છે. તે ઉત્તર ધ્રુવ પાસે આર્ક્ટિક મહાસાગરમાંથી શરૂ થઈને આટલાંટિક મહાસાગરની સળંગ લંબાઈને વીંધે છે. ત્યાંથી આફ્રિકા ખંડને ફરતો વળાંક લઈ હિન્દી મહાસાગરમાં થઈ, અરબી સમુદ્રમાં ફંટાઈ અરેબિયા તરફ જાય છે. હિન્દી મહાસાગરનો બીજો ફાંટો ઑસ્ટ્રેલિયાને ફરતો વળાંક લઈ દક્ષિણ પેસિફિક અને પૂર્વ પેસિફિકમાં થઈને ઉત્તર અમેરિકાના કૅલિફૉર્નિયાના અખાતમાં પ્રવેશે છે અને અલાસ્કાના અખાતમાં પૂરો થાય છે. મુખ્ય ડુંગરધારોનાં નામ આ પ્રમાણે છે : આટલાંટિકમાં તે મધ્ય આટલાંટિક ડુંગરધાર તરીકે, દક્ષિણ હિન્દી મહાસાગરમાં મધ્ય હિન્દ મહાસાગરીય ડુંગરધાર તરીકે (તે નૈર્ઋત્યતરફી અને અગ્નિતરફી બે ફાંટાઓમાં વિભાજિત છે), અરબી સમુદ્રતરફી ફાંટો કાર્લ્સબર્ગ અને મરે ડુંગરધાર તરીકે, પૅસિફિકમાં પૅસિફિક-ઍન્ટાર્ક્ટિક ડુંગરધાર અને પૂર્વ પેસિફિક ઉપસાવ (rise) તરીકે ઓળખાય છે. મોટાભાગની ડુંગરધારો મહાસાગર-થાળાની બંને બાજુએ આવેલી ખંડીય કિનારીઓથી લગભગ મધ્ય અંતરે રહેલી છે અને ભૂમિ પરની પર્વતરચના જેવું જ વિશિષ્ટ અધોદરિયાઈ લક્ષણ રજૂ કરે છે. આ ડુંગરધારો દરિયાઈ પેટાળમાંથી નીકળી આવેલા લાવાના પ્રસ્ફુટન અથવા સ્રાવમાંથી તૈયાર થયેલી છે, તેથી જ્વાળામુખીજન્ય છે અને અવારનવાર અધોદરિયાઈ જ્વાળામુખી-પ્રસ્ફુટનોથી ક્રિયાશીલ પણ રહે છે. આ ઉપરાંત તે ભૂકંપીય અને ચુંબકીય લક્ષણો પણ ધરાવે છે. તે બૅસાલ્ટ જેવા કાળા જ્વાળામુખી-ખડકોથી બનેલી છે. તેમની ઉપર કોઈ ખાસ જળકૃત નિક્ષેપજન્ય આવરણો જોવા મળતાં નથી. લગભગ બધી જ ડુંગરધારો તેમની લંબાઈમાં બે સમાંતર, સમાકૃત જોડકાંરૂપે વહેંચાયેલી છે. તેમની વચ્ચેનો રેખીય ભાગ ખીણ-લક્ષણવાળો છે. ખીણતળના મધ્યભાગમાંથી વારંવાર પ્રસ્ફુટન થતાં રહે છે. લગભગ બધી જ ડુંગરધારો તેમની લંબાઈને અનુપ્રસ્થ ફાટવિભાગો(fracture zones)વાળી પણ છે. આ ફાટવિભાગો દરિયાઈ તળની ઊંડાઈ સુધી રેખીય ગર્તરૂપે વિસ્તરેલા છે. સમુદ્રીય પોપડાના સંચલનની તેમજ ભૂકંપની ક્રિયા આ ડુંગરધારોના અક્ષવિભાગમાં થતી રહે છે. આ ડુંગરધારોનાં મૂળ તેમની આજુબાજુના મહાસાગર-તળભાગથી પણ વધુ ઊંડાઈ સુધી વિસ્તરેલાં છે, કારણ કે મહાસાગર-થાળાં પર નિક્ષેપજન્ય આવરણોની જમાવટ થયેલી હોય છે. આઇસલૅન્ડનો ટાપુ, જે ઉષ્માસ્થાનક (hot spot) તરીકે જાણીતો છે, ત્યાં ભૂમધ્યાવરણમાંથી ક્યારેક વિપુલ પ્રમાણમાં લાવા બહાર નીકળે છે. એ જ રીતે દક્ષિણ આટલાંટિક મહાસાગરના મધ્ય ભાગમાં સેન્ટ પૉલના અલ્ટ્રાબેઝિક ખડકો ત્યાંના પોપડાની વધુ ઊંડાઈએથી ફાટવિભાગ મારફતે મૅગ્માના ઉપર તરફ ધકેલાવાથી તૈયાર થયેલા છે. ઍઝોર્સ અને સેન્ટ હેલેના જેવા મધ્ય મહાસાગર-સ્થિત ટાપુઓ ડુંગરધારોની ઉપર જ્વાળામુખીરૂપે આચ્છાદિત થયેલા છે.
આ ડુંગરધારોની સાથે સાથે મહાસાગરીય ખાઈઓ, અધોદરિયાઈ ઉચ્ચસપાટ પ્રદેશો, અધોદરિયાઈ થાળાં, જ્વાળામુખીજન્ય ખડક-આવરણો, ફાટવિભાગો તેમજ સ્તરભંગો જેવાં વિવિધ લક્ષણો પણ સંકળાયેલાં મળે છે.
મધ્ય મહાસાગરીય ડુંગરધારો એ સમુદ્રતળ-વિસ્તરણનાં કેન્દ્રો બની રહી છે. સમુદ્રતળ-વિસ્તરણ એ એક એવી ક્રિયા છે, જેમાં નવો સમુદ્રીય પોપડો રચાતો રહે છે. આ ડુંગરધારો પર એટલે કે ભૂતકતીઓની સીમાઓ પર ગરમ લાવા નીકળતો રહે છે, પ્રસરે છે, ઠરે છે અને નવા સમુદ્રીય પોપડાની રચના થતી રહે છે. લગભગ સતત ચાલતી આ ક્રિયામાં સીમા પરની બંને બાજુઓ એકમેકથી દૂર ધકેલાય છે. લાખો વર્ષોના ગાળા દરમિયાન આ રીતે લાવાનાં આવરણો તૈયાર થતાં ગયાં છે અને તેમાંથી જ આ ડુંગરધારો બનેલી છે. આ ઉપરથી એમ લાગે કે પૃથ્વી વર્ષોવર્ષ વિસ્તરતી જતી હશે, પરંતુ એવું નથી; કારણ કે પૃથ્વીની સમતુલા જળવાઈ રહે એ માટે અન્ય ભૂતકતીઓની સીમા પર પોપડાનો ભાગ દબાતો જવાથી આત્મસાતીકરણ થતું જાય છે, જોકે મહાસાગર – થાળાંનાં કદ અને આકાર બદલાતાં રહે છે અને ડુંગરધારો પર પિલો લાવાના સંખ્યાબંધ ગઠ્ઠાઓના ઢગ રચાતા જાય છે.
મધ્ય મહાસાગરીય ડુંગરધારો જેમ જેમ વિસ્તરતી જાય છે તેમ તેમ અન્ય ભૂતકતીઓ વચ્ચે અથડામણ પણ થતી રહે છે. એક તકતી બીજી પર ચઢી જાય છે, તો દબતી તકતી ઊંડાણમાં જઈને ઓગળી જાય છે, ક્યાંક ભૂતકતીઓ અન્યોન્ય સામસામે ઘસાય છે. ક્યાંક ઊંડી ફાટો અને સ્તરભંગ ઉદભવે છે; દા.ત., પશ્ચિમ યુ.એસ.ની ધારને સમાંતર પૅસિફિક તકતી ઉત્તર તરફ અને ઉત્તર અમેરિકી તકતી દક્ષિણ તરફ ખસે છે ત્યાં કૅલિફૉર્નિયાનો 435 કિમી. લંબાઈવાળો સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ ઉદભવેલો છે. જ્યારે જ્યારે ઘસાવાની અને ખસવાની ક્રિયા થાય છે ત્યારે ત્યાં ભૂકંપ થાય છે. 1906માં અને 1989માં ત્યાં થયેલા ભૂકંપથી ભયંકર તારાજી થયેલી. ભવિષ્યમાં અહીં ગમે ત્યારે ભૂકંપ થવાની શક્યતાને નકારી શકાય એમ નથી.
કોઈ પણ સમુદ્રતળ 20 કરોડ વર્ષથી વધુ જૂનું નથી. તેમ છતાં મધ્ય મહાસાગરીય ડુંગરધારો પરના નજીકના ખડકો તદ્દન નવી વયના છે; પરંતુ પ્રત્યેક ડુંગરધારની મધ્યથી બંને બાજુ તરફ જેમ જેમ અંતર વધતું જાય છે તેમ તેમ તે ભાગ વયમાં વધુ ને વધુ જૂનો થતો જાય છે.
ઉત્પત્તિ : મધ્ય મહાસાગરીય ડુંગરધારોને સમુદ્રતળવિસ્તરણના સંદર્ભમાં સમજાવી શકાય. પ્રત્યેક ડુંગરધારની વચ્ચેની ખીણમાંથી નીકળતો મૅગ્મા પોતાને ગોઠવાવા માટે બે બાજુની ભૂતકતીઓને ખેસવીને મોકળાશ ઊભી કરે છે. સ્થાનભેદે ભૂતકતીઓ પ્રતિવર્ષ એક-બીજીથી 1થી 10 સેમી. દૂર ખસતી જાય છે. અગાઉ નીકળેલો મૅગ્મા પછીથી નીકળેલા મૅગ્માથી વિભાજિત થતો જાય છે. સમુદ્રતળ-વિસ્તરણથી આ રીતે પ્રત્યેક વર્ષે 2 ચોકિમી. જેટલું દ્રવ્ય દુનિયાભરના સમુદ્રતળ પર ઉમેરાતું જાય છે. પ્રત્યેક 15 કરોડ વર્ષને કાળગાળે સમગ્ર મહાસાગરતળ પૂરતા પ્રમાણમાં તદ્દન નવી ફરસબંધીથી આચ્છાદિત થઈ જાય છે.
રચના અને લક્ષણો : મહાસાગર-થાળાંની તળસપાટીથી આ ડુંગરધારો ઊંચાઈએ રહેલી હોવાથી ખંડોની ભૂમિ પરથી ઘસારા-ખવાણ-ધોવાણ દ્વારા સ્થાનાંતરિત થતો રહેતો નિક્ષેપજથ્થો માત્ર સમુદ્રથાળાં પર જ જમા થાય છે, ડુંગરધારો પર તેનાં પડ જામી શકતાં નથી. મહાસાગરીય પોપડાનું ખડકબંધારણ મુખ્યત્વે થોલિયાઇટિક બૅસાલ્ટથી બનેલું છે, જે ત્રણ કણરચનાત્મક પ્રકારોમાં વહેંચાયેલું છે : તળ પર પિલો બૅસાલ્ટ, તેની નીચે તરફ પડવાળાં ડાઇકજૂથ (ડાઇકમાં ડાઇકનાં પડ) અને થોડાક કિમી.ની ઊંડાઈ પર બૅસાલ્ટ સમકક્ષ ગૅબ્રો મળે છે. ડુંગરધારોનો ઊર્ધ્વ છેદ જોતાં જણાય છે કે તેનાં આવરણો ઉષ્મા-અસર હેઠળ તૈયાર થયેલાં છે. નવીનતમ પોપડો (ઉપલું પડ) ગરમ મૅગ્માથી રચાય છે, અગાઉનો મૅગ્મા વહેલો ઠરેલો હોવાથી પ્રમાણમાં ભારે હોય છે, જે નીચેનું આવરણ બનાવે છે. આ ક્રિયા ધીમી હોવા છતાં સતત ચાલુ હોય છે. આટલાંટિક ડુંગરધારનાં સપાટી-લક્ષણો ખરબચડાં અને વિસ્તરણ-દર ઓછો હોય છે, જ્યારે પૅસિફિક ડુંગરધારનાં સપાટીલક્ષણો સુંવાળાં અને વિસ્તરણ-દર વધુ છે. દક્ષિણ આટલાંટિક મહાસાગર અને મધ્ય હિન્દી મહાસાગર વચ્ચેનો વિભાગ આડા સ્તરભંગોથી ખંડિત બની રહેલો છે. ત્યાં ભૂતકતીઓ પરસ્પર આડી ખસે છે. આ પ્રકારના વિભાગોને બાદ કરીએ તોપણ બધી ડુંગરધારોની બાકીની કુલ લંબાઈ ઓછામાં ઓછી 45,000 કિમી. જેટલી તો જરૂર મૂકી શકાય. સમગ્ર રીતે જોતાં, સમુદ્રતળ-વિસ્તરણ, અનુપ્રસ્થ સ્તરભંગો અને મહાસાગરીય ખાઈઓ જેવાં લક્ષણો ભૂતકતીઓની સીમાઓ બની રહ્યાં છે.
ઉપર્યુક્ત લક્ષણોના સંદર્ભમાં કહી શકાય કે મધ્ય આટલાંટિક ડુંગરધાર વાસ્તવિક અર્થમાં ડુંગરધાર ગણાય, હિન્દી મહાસાગરની ડુંગરધારો બીજા ક્રમે આવે, જ્યારે પૅસિફિકની ડુંગરધારો પૈકી કેટલીકને ઉપસાવ (rise) કહેવાનું વધુ ઉચિત ગણાય, તેથી તેમને ત્રીજા ક્રમે મૂકી શકાય. સમુદ્રતળ-વિસ્તરણના ઇતિહાસને જોતાં, આટલાંટિક મહાસાગરનો ઉદભવ પેન્ગિયા મહાખંડના ભંગાણના પરિણામ રૂપે આજથી 19 કરોડ વર્ષ અગાઉ થયેલો છે. સમુદ્રતળ-વિસ્તરણને કારણે રચાતો ગયેલો તેનો પોપડો સમાકૃત (symmetrical) છે. વિસ્તરણ ચાલુ રહે અને આટલાંટિક હજી વધુ પહોળો બને તોપણ તે સમાકૃત જ રહેશે. આથી ઊલટું, પૅસિફિક મહાસાગર ખંડવિભાજનથી તૈયાર થયેલો નથી, તે પેન્ગિયાના અસ્તિત્વ વખતે સમગ્ર પૃથ્વીને વીંટળાયેલા મૂળ પાન્થાલસા મહાસાગરનું જ ફેરફારવાળું સ્વરૂપ છે, તેથી તેમાં રહેલી ડુંગરધારો પૂરેપૂરી મધ્યસ્થિતિ ધરાવતી નથી અને ભવિષ્યમાં તેમ થશે પણ નહિ.
મધ્ય ઍટલાંટિક ડુંગરધાર : ઍટલાંટિક મહાસાગરના તળ પર બંને બાજુના ખંડોથી મધ્ય અંતરે આવેલી પર્વતમાળા. તે ઉત્તરમાં આર્ક્ટિક મહાસાગરમાંથી શરૂ થઈ, આઇસલૅન્ડ થઈ આટલાન્ટિક મહાસાગરને વીંધીને છેક દક્ષિણે ઍન્ટાર્ક્ટિકાના ઉત્તર ભાગમાં 55° દક્ષિણ અક્ષાંશ પાસેના બૂવ ટાપુ સુધી વિસ્તરેલી છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 11,300 કિમી. જેટલી છે. મહાસાગર-થાળાના તળથી તેની ઊંચાઈ 4,000 મીટર અને સમુદ્રસપાટીથી તેના શિખરભાગોની ઊંડાઈ 2,000થી 3,000 મીટર વચ્ચેની છે. બધી ડુંગરધારો પૈકી આ ડુંગરધાર વધુમાં વધુ લંબાઈ ધરાવે છે. તેનો મોટો ભાગ સમુદ્રસપાટીથી નીચે છે, માત્ર આઇસલૅન્ડ અને તેની નજીક 1963માં તૈયાર થયેલો સર્ટસે (surtsey) ટાપુ તેમજ એસ્કેન્શન ટાપુઓ જળસપાટીથી ઉપર તરફ દેખાય છે. આ ડુંગરધાર બંને બાજુ પરનાં સમાન લક્ષણવાળાં મહાસાગર-થાળાંને અલગ પાડે છે, જોકે વિષુવવૃત્ત પર તે બંને સાંકડા ગર્તથી જોડાયેલાં છે. ત્યાં તેની ઊંડાઈ 7,728 મીટર જેટલી છે. આ ઉપરાંત ઉત્તર આટલાંટિકમાં ગ્રીનલૅન્ડ-સ્કૉટલૅન્ડને જોડતી તેમજ દક્ષિણ ઍટલાન્ટિકમાં વાલ્વિસ અને રીઓગ્રાન્ડ ડુંગરધારો પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી છે. બીજાં કેટલાંક સ્થાનોમાં પણ ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ઉપસાવરૂપી નાની ડુંગરધારો તૈયાર થયેલી છે.
મધ્ય ઍટલાંટિક ડુંગરધારની મધ્ય અક્ષ પરના શીર્ષભાગમાં 40 કિમી. પહોળાઈવાળી અને બંને બાજુ ઉગ્ર ઢોળાવ ધરાવતી દીવાલોવાળી 2 કિમી. ઊંડી મધ્ય ઍટલાંટિક ફાટખીણ આવેલી છે. આ ફાટખીણના ઊંડાણમાંથી ઉષ્માવહન અને ભૂકંપ થતાં રહે છે. અહીંથી અવારનવાર થતાં રહેતાં લાવા-પ્રસ્ફુટનોથી આ ડુંગરધારનાં સપાટીલક્ષણો અવ્યવસ્થિત ખાડાટેકરાવાળાં અને ખરબચડાં બની ગયેલાં છે. આ ફાટખીણ બંને બાજુએ ક્રમશ: દૂર ખસતી જતી ર્દઢ ભૂતકતીઓને અલગ પાડે છે; ઉપરાંત તે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા ફાટવિભાગો અને આડા સ્તરભંગોથી ખંડિત પણ થયેલી છે. ભૂમધ્યાવરણમાંથી નીકળતા મૅગ્માથી નવું તળ રચાતું જાય છે અને સમુદ્રવિસ્તરણ થતું જાય છે. આ ઘટનાથી ઍટલાંટિક મહાસાગર પ્રતિવર્ષ આશરે 2.5 સેમી. જેટલો પહોળો બનતો જાય છે. ડુંગરધારની બંને બાજુઓ એકસરખી રીતે વિસ્તરણ પામતી રહે છે. વર્ષો જતાં આ વિસ્તરણ દરથી ઉદભવતો પહોળાઈનો તફાવત ઘણો મોટો થઈ જશે; દા.ત., 1492માં જ્યારે ક્રિસ્ટોફર કોલંબસે આટલાંટિકની સફર કરેલી ત્યારે તે આજે છે તે કરતાં 20 મીટર સાંકડો હતો.
આ ડુંગરધાર લોહ, તાંબા અને જસતના નિક્ષેપો ધરાવે છે, પરંતુ સામુદ્રિક ખનનકાર્ય માટે હજી ક્ષમતાપૂર્વકની પદ્ધતિઓ વિકસાવી શકાઈ નથી.
હિન્દ મહાસાગરીય ડુંગરધાર : હિન્દી મહાસાગરમાં ઊલટા અંગ્રેજી મૂળાક્ષર Yના આકારમાં ત્રણ ફાંટાઓરૂપે ડુંગરધારો વિસ્તરેલી છે. આટલાંટિક ડુંગરધાર સાથે જોડાયેલો તેનો નૈર્ઋત્ય ફાંટો દક્ષિણ આફ્રિકા ફરતે વીંટળાયેલો છે, પૅસિફિક ડુંગરધાર સાથે જોડાયેલો તેનો અગ્નિ ફાંટો દક્ષિણ ઑસ્ટ્રેલિયા ફરતે વીંટળાયેલો છે. આ બંને ફાંટા ભેગા થઈને ઉત્તર તરફ જાય છે, જે કાર્લ્સબર્ગ ડુંગરધાર તરીકે ઓળખાય છે. આ ડુંગરધાર અરબી સમુદ્રમાં વિસ્તરીને રાતા સમુદ્ર તરફ વળી જાય છે. અહીં ઈશાન-નૈર્ઋત્ય ‘ઓવેન ફાટ વિભાગ’ તૈયાર થયેલો છે. આ ડુંગરધારોને કારણે હિન્દી મહાસાગર જુદાં જુદાં થાળાંઓમાં વહેંચાઈ જાય છે. કોઈ કોઈ સ્થાનોમાં તેમાંથી શંકુ આકારનાં શિખરો (દા.ત., ઇન્ડોનેશિયાની દક્ષિણે આવેલા કોકોસ ટાપુઓ, માડાગાસ્કરની પૂર્વે આવેલો ટ્રોમેલીન ટાપુ) સમુદ્ર-સપાટીથી બહાર દેખાય છે. જ્યાં જ્યાં આ મહાસાગર ઓછી ઊંડાઈવાળો છે ત્યાં સમુદ્રતળ છીછરા થાળારૂપે આકાર પામેલું છે, જેમ કે અરેબિયાના કિનારાથી થોડે દૂર ગેનિસ્ટા વિભાગ, માડાગાસ્કર અને મોઝામ્બિકની વચ્ચે હૉલબૅન્ક વિભાગ. આ ડુંગરધારની સાથે ઘણી ઊંડી ખાઈઓ પણ છે. તે પૈકીની ઊંડામાં ઊંડી ખાઈ ‘જાવા ખાઈ’ (7.7 કિમી. ઊંડાઈ) તરીકે ઓળખાય છે. આ ડુંગરધાર પર અરબી સમુદ્રમાં તેમજ મ્યાનમારથી ન્યૂ ગિનીના પશ્ચિમ ભાગ સુધીના વિસ્તારમાં ક્યારેક ભૂકંપ થતા રહે છે. ડુંગરધારની રચનાની સાથે સાથે જ નવો પોપડો બંધાતો જાય છે. અહીં સમુદ્રતળ-વિસ્તરણનો દર પ્રતિવર્ષ 2 સેમી. જેટલો રહે છે. આ ડુંગરધારો ઉપરાંત 90° પૂર્વ રેખાંશ પર પણ 4,000 કિમી. લંબાઈની ‘નેવું પૂર્વ ડુંગરધાર’ (Ninety East Ridge) નામે ઓળખાતી એક સુરેખીય ડુંગરધાર વિસ્તરેલી છે. એમ કહેવાય છે કે ભારતીય ઉપખંડના તેના ઉત્તરતરફી ખંડીય પ્રવહન વખતે તેનો પૂર્વ ભાગ તૂટીને સમુદ્રતળ પર અવશેષ રૂપે રહી ગયો છે.
પૅસિફિક ડુંગરધાર : પૅસિફિક મહાસાગરના પૂર્વ ભાગમાં અમેરિકા ખંડના પશ્ચિમ કિનારા નજીક આવેલી ડુંગરધાર ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી છે. ઑસ્ટ્રેલિયાની દક્ષિણે તે હિન્દ મહાસાગરીય ડુંગરધાર સાથે જોડાયેલી છે. પૅસિફિક ડુંગરધાર બીજી બધી ડુંગરધારોના પ્રમાણમાં ઓછી ઊંચાઈવાળી હોવાથી તેના કેટલાક ભાગને મહાસાગર-તળ પરના ઉપસાવ (rise) તરીકે ઓળખવાનું ઉચિત ગણેલું છે. નજીકના સમુદ્રતળ પરથી તે 3 કિમી.ની ઊંચાઈવાળી, 4 કિમી.ની પહોળાઈવાળી અને 3,000 કિમી.ની લંબાઈવાળી છે. સમુદ્રસપાટીથી તે 3,300 મીટરની ઊંડાઈએ રહેલી છે. ઉત્તર તરફ તે કૅલિફૉર્નિયાના અખાતમાં પ્રવેશે છે અને અલાસ્કાના અખાતમાં ફરીથી દેખાય છે. અલગ પડેલા આ બે વિભાગો સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગથી જોડાયેલા છે. અહીં તે પૅસિફિક ભૂતકતી અને નાઝકા ભૂતકતી વચ્ચેની સીમા બનાવે છે. આ ડુંગરધાર વચ્ચેની ફાટખીણમાંથી અવારનવાર લાવા-પ્રસ્ફુટનો થતાં રહેતાં હોવા છતાં લાવાનાં આવરણો પ્રમાણમાં પાતળાં છે. મધ્ય આટલાંટિક ડુંગરધાર પરનાં જાડાં આવરણો પર જોવા મળતાં ખરબચડાં સપાટી-લક્ષણો અહીં જોવા મળતાં નથી. જેમ જેમ નવો પોપડો રચાતો જાય છે તેમ તેમ બંને બાજુ પર સમુદ્ર-વિસ્તરણ થતું જાય છે. અહીં પ્રતિવર્ષ મહાસાગર-તળ 12થી 16 સેમી.ના દરથી પહોળું થતું જાય છે એટલે કે તે મધ્ય આટલાંટિક ડુંગરધાર અને કાર્લ્સબર્ગ કરતાં ઘણા વધુ દરથી વિસ્તરે છે. આ દર મહાસાગરો પરની અન્ય ડુંગરધારો કરતાં વધુ ઝડપી ગણાય છે, તેમ છતાં પૅસિફિક મહાસાગર પહોળો બનવાને બદલે સાંકડો બનતો જાય છે. કારણ કે અહીંની ભૂતકતીનું ઘણી ઝડપથી ઊંડાઈ તરફ દબાવાથી આત્મસાતીકરણ(assimilation) થઈ જાય છે.
ગિરીશભાઈ પંડ્યા