મધ્યપાષાણયુગ (Mesolithic Age) : પ્રાગ્-ઐતિહાસિક માનવસંસ્કૃતિના વિકાસની કક્ષા અને કાળગાળો. પાષાણયુગ અંતર્ગત પુરાપાષાણયુગની પછીનો અને નવપાષાણયુગ પહેલાંનો કાળ. પ્રાગ્-ઐતિહાસિક માનવજીવન અને તેના વિકાસના સંદર્ભમાં તેને પ્લાયસ્ટોસીન કાલખંડ પછીનો સમય ગણવામાં આવે છે. આ સમય દરમિયાન પાષાણ-ટુકડાઓમાંથી ઝીણવટભરી રીતે તત્કાલીન માનવોએ તૈયાર કરેલાં અને ઉપયોગમાં લીધેલાં સાધનો-ઓજારોનો સમાવેશ થાય છે. શિકાર કરવા માટે ઉપયોગી સાધનો અને રોજબરોજની જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેગી કરવાની પુરાપાષાણયુગની પદ્ધતિ આ ગાળા સુધીમાં ઝાઝા પ્રમાણમાં બદલાઈ નહોતી, પરંતુ તેમના ઉપયોગની વિવિધતા વધતી ગઈ. પ્લાયસ્ટોસીન કાલખંડ પૂરો થવાની સાથે હિમજન્ય સંજોગોની તીવ્રતા ઘટી ગઈ અને અર્વાચીન કાલખંડના પ્રારંભ સાથે હૂંફાળી આબોહવા શરૂ થઈ. આ દરમિયાન સમુદ્રજળસપાટી ઊંચી આવી. આબોહવાત્મક પર્યાવરણીય સંજોગોના પરિવર્તનની સાથે સાથે યુરોપીય મધ્યપાષાણયુગનો વિકાસ આશરે ઈ. પૂ. 8,300થી શરૂ થયો. મધ્ય એશિયા અને યુરોપનાં સ્ટેપનાં ઘાસનાં મેદાનો અને ટુન્ડ્રપ્રદેશોના દક્ષિણ વિસ્તારો જંગલોમાં ફેરવાતા ગયા. આ સંજોગો માનવપ્રવૃત્તિના વિકાસમાં ઉપયોગી બની રહ્યા છે. અંતિમ પ્લાયસ્ટોસીન કાલખંડના શિકારીઓના અનુગામીઓ હવે બદલાતા જતા નવા પર્યાવરણીય સંજોગો હેઠળ અનુકૂળતા કરતા જઈને ગોઠવાતા જાય છે; પરંતુ પરંપરાગત ચાલી આવતી આદતો અને પ્રવૃત્તિઓમાં કોઈ ખાસ સુધારા કે નવીનીકરણ થયેલાં જણાતાં નથી. નૈર્ઋત્ય, મધ્ય અને અગ્નિ યુરોપીય પ્રદેશોમાં તત્કાલીન માનવપ્રવૃત્તિઓમાં ફેરફાર થયો નથી. ફ્રાન્સનાં ટાર્ડેનૉઇસિયન સંસ્કૃતિ(Tardenoisian culture)વાળાં સ્થળોમાંથી મેળવાયેલા પુરાવા દર્શાવે છે કે ત્યારે વસ્તીઘટાડો થયેલો છે. પરંતુ અંતિમ પ્લાયસ્ટોસીન કાલખંડ વખતે એ પ્રદેશમાં સંસ્કૃતિનો કોઈ વિકાસ થયો નથી. આથી ઊલટું, ઉત્તર યુરોપીય મેદાનોમાં – ખાસ કરીને હિમજન્ય અસરથી મુક્ત વિસ્તારોમાં – મૅગ્લેમોસિયન (Maglemosian) વસાહતોએ તેમની તક્નીકી પ્રવૃત્તિનાં ચિહ્નો છોડેલાં છે, જે મોટેભાગે સ્કૅન્ડિનેવિયાના કિનારાઓમાં વધુ જોવા મળે છે.

યુરોપીય મધ્યપાષાણયુગના માનવોએ અપનાવેલા મુખ્ય ફેરફારોમાં એક ફેરફાર તે તત્કાલીન માનવો રેન્ડિયરનાં ટોળાંનો શિકાર કરવાનું છોડીને જંગલમાં વસતા એલ્ક (elk) અને હરણના શિકાર તરફ વળ્યા તે છે. દરિયાકિનારા પરના માનવોમાં માછલી તેમજ અન્ય દરિયાઈ પ્રાણીઓ પકડવાની પ્રવૃત્તિ વિકસેલી જણાય છે. દરિયાથી અંદર તરફના ભૂમિભાગોમાં માનવો તેમના ખોરાકમાં જળમાંથી મળતી ખોરાકી ચીજો વાપરતા થયા. જંગલોનું પ્રમાણ વધ્યું હોવાથી વનસ્પતિજન્ય ખોરાકનો ઉપયોગ પણ થતો હોવાની વકી છે. જોકે તે અંગેની માહિતી ઉપલબ્ધ થતી નથી.

યુરોપીય મધ્યપાષાણયુગનું મુખ્ય તકનીકી લક્ષણ તે ભૌમિતિક આકારોવાળાં સાધનો અને ચકમકમાંથી બનાવેલાં ધારદાર ચપ્પાં કે પાનાંનો ઉપયોગ છે. તેમનો લાકડાના કે હાડકાના હાથામાં જડીને પ્રાણીઓ કે વનસ્પતિને કાપવામાં ઉપયોગ થતો. ચકમકનાં આ પ્રકારનાં સાધનો 2થી 3 સેમી. કે 3થી 5 સેમી. લંબાઈવાળાં મળે  છે. હાથાના આકારો જરૂરિયાત મુજબ ત્રિકોણ, ચતુષ્કોણીય (trapezium) કે અર્ધચંદ્રાકાર તૈયાર કરેલા છે. આ બાબત સિદ્ધ કરે છે કે મધ્યપાષાણયુગી માનવો ચકમક(flint)ની ઉપયોગિતા સમજ્યા હતા. અર્થાત્ ચકમક સખત છે અને તેમાંથી તીક્ષ્ણ ધારવાળાં સાધન બની શકે છે – એ પ્રકારની બનાવટની તકનીકી કુશળતા તેમણે પ્રાપ્ત કરી હતી. વળી ઉત્તર યુરોપીય વસાહતોમાં હાડકાં અને શિંગડાંમાંથી પણ ઓજારો બનાવવાની શરૂઆત થઈ હતી. આ ઓજારોમાં બરછી (spears) વ્હેલના શિકાર માટેના ભાલા (harpoons), ભાલાનાં ફણાં (leister heads), માછલી પકડવાના આંકડા (fish-hooks), સોયો (needles) અને ત્રિકમ (mattock heads) જેવાં સાધનોનો સમાવેશ થાય છે. પથ્થરમાંથી ઘસીને ધારદાર બનાવેલી કુહાડીઓ, ધનુષ્ય, બાણ, હલેસાં અને લાકડાના હાથા પણ આ ગાળા દરમિયાન વપરાવાં શરૂ થયાં.

મધ્યપાષાણયુગનાં ઘણાં સ્થળો નદીનાં પૂરથી ધોવાઈ ગયાં અથવા કાંપથી દટાઈ ગયાં અથવા અર્વાચીન કાલખંડમાં વધેલી સમુદ્રજળસપાટીને કારણે ડૂબી ગયાં. આમ છતાં કેટલાંક સ્થળોએ ખનનકાર્ય થયેલું છે અને પુરાવાઓ મળી શક્યા છે. ગમે તેમ, ઉત્તર યુરોપનાં ઘણાં સ્થળોમાં ઈ. પૂ. 6,000 પછીથી ત્રણ હજાર વર્ષ સુધી આ યુગ ચાલુ રહેલો અને તે દરમિયાન ધાન્ય પાકોની ખેતી તેમજ ઘેટાંબકરાં પાળવાની પ્રવૃત્તિ નજીકના પૂર્વના પ્રદેશોથી માંડીને યુરોપ સુધીમાં વિકસેલી.

ગિરીશભાઈ પંડ્યા