મધ્ય એશિયાની કળા

January, 2002

મધ્ય એશિયાની કળા

(સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકળા)

આજના તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિઝસ્તાન, તાજિકિસ્તાન, દક્ષિણ કઝાખિસ્તાન, હિંદુકુશ પર્વતમાળાની ઉત્તરનું અફઘાનિસ્તાન તથા ચીની તુર્કમેનિસ્તાન (ચીનનો હાલમાં ઝિન્જ્યાન્ગ ઉઈગુર નામે ઓળખાતો પ્રાંત) વિસ્તારોમાં પથરાયેલ મધ્ય એશિયાની કળાઓ પ્રાચીન કાળથી આ પ્રદેશ વિવિધ કળાશૈલીઓનું મિલનસ્થળ રહ્યો છે. પશ્ચિમની ગ્રીક અને રોમન, નૈર્ઋત્યની અરબી અને ઈરાની (પર્શિયન), દક્ષિણની ભારતીય, પૂર્વની ચીની, તથા વાયવ્યની રશિયન અને ઉત્તરની શક (scythian) સંસ્કૃતિઓ, વિચારસરણીઓ તથા કલાનું ચારેક હજાર વરસોથી મધ્ય એશિયામાં મિલન થતું રહ્યું છે. યુરોપથી ભારત અને ચીન જતા જમીનમાર્ગો, ચીનથી અરબસ્તાન ભારત, ઈરાન તથા યુરોપ જતા જમીનમાર્ગો મધ્ય એશિયામાંથી પસાર થાય છે. પ્રાચીન સમયથી જ રેશમ-માર્ગ (silk route) વેપાર માટેનો અતિ મહત્વનો રાજમાર્ગ હતો. માર્કો પોલો જેવા પ્રવાસીઓ અને સાધુઓ-ધર્મપ્રચારકો તથા વેપારીઓ અહીંથી પસાર થતા. કાળક્રમે વિવિધ સમન્વયને પ્રતાપે અહીં એક સર્વદેશીય સંસ્કૃતિ વિકસી.

સ્થાપત્યકળા

આ વિસ્તારોની  ભટકતી અને ગોપાલક પ્રજા માટે સ્થાપત્યનું કોઈ મૂલ્ય નહોતું. તે પહેલેથી જ જ્યાં ત્યાં તંબૂમાં રહેતી.

કારાકુમ રણની દક્ષિણે આવેલા આશ્ખાબાદ નગર પાસે પ્રાગૈતિહાસિક સમયનું એક ગામ મળી આવ્યું છે. તે ઈસુ પૂર્વે સાતમીથી છઠ્ઠી સહસ્રાબ્દીનું હોવાની માન્યતા છે. અહીં લંબચોરસ આકારના એક ઓરડાવાળાં મકાનોમાં ખૂણામાં સમાંતર પાળ બાંધી અનાજના કોઠારોની રચના કરી છે. બાંધકામ તડકે પકવેલી ઈંટો વડે થયું છે. ઈસુ પૂર્વે પાંચમી સહસ્રાબ્દીમાં આવી રીતે બંધાયેલ અનેક ઓરડાવાળાં મકાનો રચાયાં અને વચમાં નળાકાર મિનાર રચાયા. મધ્ય એશિયામાં ઈસુ પૂર્વે બીજી અને ત્રીજી સહસ્રાબ્દીમાં તો નગરરચનાનાં ભવ્ય સ્થાપત્ય સર્જાવાં શરૂ થયાં. તુર્કમેનિસ્તાનના નાગસ્ત્રા ટેપે, આલ્ટિન ટેપે અને ઉલુગ ટેપેમાંથી 25 હેક્ટર કરતાં વિશાળ વિસ્તારમાં પથરાયેલાં નગરોનાં ખંડેરો મળી આવ્યાં છે. કિલ્લાની 6 મીટર જાડી દીવાલથી આ નગરો રક્ષિત હતાં. કિલ્લાની દીવાલમાં નગર માટે એક પ્રવેશદ્વાર રહેતું. મકાનોની રચનામાં છત પર જતાં ટોચની રચના થતી; જે દેખાવમાં મેસપટેમિયન સ્થાપત્યના ‘ઝિગ્ગુરાત’ને મળતી આવતી. સમગ્ર નગરની રચના જમીનના તળ પર ઊંચું પ્લૅટફૉર્મ બાંધ્યા પછી થતી.

ઈસુ પૂર્વેની છેલ્લી સદીઓમાં (ઈ.પૂ. 300–200થી) ગ્રીક સંસ્કૃતિ તથા તેના છેલ્લા તબક્કાની હૅલેનિસ્ટિક કલા મધ્ય એશિયામાં પ્રસરી ચૂકી હતી. બૅક્ટ્રિયાના અઈ ખાનુમ જેવાં નગરોમાં ગ્રીક હૅલેનિસ્ટિક શૈલીનાં સ્થાપત્યો સર્જાવાં શરૂ થયાં. ગારામાંથી બનાવીને તડકે પકવેલી ઈંટો તથા લાકડાનો તેમાં ઉપયોગ થતો. નગરનાં કાર્યાલયો અને મંદિરો બંને આ રીતે રચાવાં શરૂ થયાં. સખ્સાનોખુર ખાતેનો મહેલ તથા તાજિકિસ્તાન ખાતે આવેલ તખ્તે-સંગીનનું મંદિર આ શૈલીનાં શ્રેષ્ઠ સ્થાપત્યો ગણાય છે. ઈસુ પૂર્વે ત્રીજી સદીમાં બંધાયેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર કુષાણ રાજા કનિષ્કે કરાવેલો તેવી માહિતી એ સમયના ચલણી સિક્કા પરથી મળી આવી છે. ચોથી સદીમાં કુષાણ સામ્રાજ્યના અંત સુધી આ મંદિર વપરાશમાં રહ્યું. પરંતુ સિક્કા પરથી મળતી માહિતીમાંથી એ જાણવા નથી મળતું કે કનિષ્કે કરાવેલ જીર્ણોદ્ધાર પછી મૂળ ગ્રીક દેવતાની મૂર્તિની જ પૂજા થતી કે કનિષ્કે અપનાવેલ બૌદ્ધ ધર્મની પૂજા થતી. કુષાણ રાજ્યકાળ દરમિયાન આમુ દરિયા(નદી)ની ઉત્તરે લાંબા અંતરની નહેરો અને કિલ્લેબંધ નગરોની રચના ઉપરાંત મોટા પાયા પર બૌદ્ધ મંદિરો અને મઠોની રચના થઈ. કારા ટેપે અને ફયાઝ ટેપે ખાતેના વિશાળ મઠોમાં ભૂગર્ભ રહેઠાણો મળી આવ્યાં છે. બૌદ્ધ મંદિરો અને મઠોની રચનામાં ગ્રીક હૅલેનિસ્ટિક શૈલીની અસર પણ સ્પષ્ટ છે.

ચોથીથી આઠમી સદીઓ દરમિયાન ઝરફશાન અને કાશ્કા નદીઓની ખીણોમાં કિલ્લેબંધ નાનાં નગરો રચાવાં ચાલુ રહ્યાં. પરંતુ કિલ્લાની દીવાલની બહારની બાજુઓ તેમજ બુરજોની બહારની બાજુઓ ત્રાંસી ઢળતી રખાતી. આ સમયનાં ફરઘાનાનાં બૌદ્ધ મંદિરોની રચનામાં હિંદુકુશથી સિંધુ નદી સુધી પ્રવર્તમાન ગાંધાર શૈલી છે.

આઠમી સદીમાં આરબોએ પશ્ચિમી મધ્ય એશિયા જીતી લીધું અને ઇસ્લામનો પ્રસાર કર્યો. પશ્ચિમી મધ્ય એશિયામાં બૌદ્ધ ધર્મનો અંત તો આવ્યો જ, સાથે સાથે ગ્રીક અને ગાંધાર શૈલીઓ તથા ગુપ્તકાલીન અસરો પર પણ પૂર્ણવિરામ મુકાયું. હવે સમરકંદ, તાશ્કંદ, બુખારા, મેર્વ, ઉર્ગેન્ચ, તર્મીઝ અને ઉઝ્જેન્દ જેવાં મોટાં નગરો રચાયાં જે ઝડપથી વિકસ્યાં. નગરોમાં મસ્જિદો, મદરેસા અને કબરો તથા બજારોની રચનામાં ઈરાનની ઇસ્લામી સ્થાપત્ય-શૈલીનો વિકાસ થયો. દશમી સદીમાં તુર્ક હુમલાનો ભોગ બનતા મધ્ય એશિયામાં કેટલાંક તુર્ક લક્ષણો પણ સ્થાયી બન્યાં. દશમીથી બારમી સદી સુધીમાં રચાયેલ મધ્ય એશિયાનાં કેટલાંક સ્થાપત્યો માત્ર મધ્ય એશિયાનાં જ નહિ, પણ સમગ્ર વિશ્વનાં સુંદરતમ સ્થાપત્યોમાં ગણના પામે છે. તડકે પકવેલી ઈંટના સ્થાને ભઠ્ઠીમાં પકવેલી ઈંટ તેમજ ઝડપથી સુકાતા ગારા(mortar)નો ઉપયોગ પણ આ સમય દરમિયાન દાખલ થયો. આને કારણે હવે વિશાળ ઘુમ્મટ તથા સંકુલ કમાનોની રચના શક્ય બની. ચોરસ રચના પર સીધેસીધો વર્તુળાકાર ઘુમ્મટ બાંધવાને સ્થાને વચમાં અષ્ટકોણીય બાંધકામ દાખલ થયું. સ્થાપત્યના વિવિધ ઘટકોના કદની સમતુલા હવે સુસંવાદી (harmonious) બની. ઈંટોની દીવાલો પર ચળકતા સિરૅમિક ટાઇલ જડવાની પરંપરા શરૂ થઈ. આ ઉપરાંત માટી અને રંગોથી પણ ભીંત પર ભૌમિતિક અને વાનસ્પતિક આકૃતિઓનું સુશોભન થતું.

આ સમયના સ્થાપત્યના કેટલાક નમૂના આજે સારી હાલતમાં મોજૂદ છે : યાર કુર્ગાન ખાતેનો મિનાર (બારમી સદી), જોકે તેની સાથેની મસ્જિદ આજે હયાત નથી; સમરકંદના શાહી-ઝિન્દા સંકુલનો બોગ્રા ખાન મદરેસા (અગિયારમી સદી); અફ્રાસાઈબનો સામાનિડ મહેલ (અગિયારમી સદી); બુખારાની સામાનિડ મસ્જિદ (અગિયારમી સદી); બુખારાથી સમરકંદના રસ્તે આવેલો રિબાત-એ-મલિકનો દરવાજો (બારમી સદી) – છે, પણ ઇમારત હયાત નથી તથા બુખારાની મગોકી અટારી અને કલાં મિનાર.

1220માં મૉંગોલિયાના આક્રમણને કારણે શરૂઆતમાં સ્થાપત્યની પ્રવૃત્તિ અટકી, પણ પછી તે વેગવંતી બની. હવે ચળકતા સિરૅમિક ટાઇલમાં અનેક રંગોનો વપરાશ વધ્યો. તેરમીથી પંદરમી સદી સુધીનાં મહત્વનાં સ્થાપત્યોમાં શહર-એ-સબ્ઝ ખાતેનો અક્સરાઈ મહેલ, સમરકંદ ખાતેની બીબી ખાતુમની મસ્જિદ તથા ઉલુઘબેગની મદરેસાનો સમાવેશ થાય છે.

સોળમીથી ઓગણીસમી સદી સુધીમાં બુખારામાં ઘણાં મહત્વનાં સ્થાપત્યો રચાયાં તે બધાં હજી આજે પણ અકબંધ ઊભાં છે. સોળમી સદીનો કિલ્લો, બુરજો, ઘુમ્મટથી આચ્છાદિત છૂટક વેપારનાં 3 બજારો, તાકી ઝર્ગારાન (સોની બજાર), તાકી શરાફત (ચલણ બજાર), રેશમ બજાર, મદારી ખાન મદરેસા, ભવ્ય અને વિરાટ મીરી આરબ મદરેસા અને તેથી પણ વધુ ભવ્ય કુલ્બાબા કુકલ્તાશ મદરેસા. આ મદરેસાની સામે સત્તરમી સદીમાં નાદર દીવાન્બેગી આર્લત નામના અમીરે લબી હૌજ નામે તળાવ બંધાવ્યું. સ્થાપત્યો પરનાં સુશોભનોમાં ભૌમિતિક, વાનસ્પતિક અને અરબી લિપિઓની સાથે સાથે સિંહ, ડ્રૅગન, વિવિધ પ્રકારનાં કાલ્પનિક અને વિકરાળ પશુઓ, પંખી અને મત્સ્યની આકૃતિ જોવા મળે છે.

ચીની તુર્કમેનિસ્તાનમાં ઈસુની સાતમી સદીથી સ્થાપત્યના નમૂના મળવા શરૂ થાય છે.

પૂર્વીય મધ્ય એશિયા(ચીની તુર્કમેનિસ્તાન)માં સ્થાપત્ય પશ્ચિમ મધ્ય એશિયા જેવું પ્રાચીન નથી. અહીં ઈસુની સાતમી સદીથી સ્થાપત્યના નમૂના મળે છે. તેમાં કિલ્લેબંધ નગરો, ગ્રામીણ ગૃહો તથા બૌદ્ધ મઠ, મંદિરો, સ્તૂપ અને ખડકોમાંથી કોતરી કાઢેલી (બૌદ્ધ) ગુફાઓનો સમાવેશ થાય છે. ગાંધાર અને ગુપ્ત શૈલીનો તેના પર પ્રભાવ છે.

શિલ્પકળા

ઇસ્લામના આગમન પહેલાં શિલ્પકળાનો વ્યાપક પ્રચાર હતો. ગ્રીક અને બૌદ્ધ પરંપરાના પ્રભાવથી શિલ્પ મનોરંજન અને અધ્યાત્મનું માધ્યમ બન્યું હતું.

તાજિકિસ્તાનના દુશાન્બે ખાતેથી ઈસુ પૂર્વે બીજી સહસ્રાબ્દીનું આસનસ્થ વ્યક્તિનું માટીશિલ્પ મળ્યું છે. ઉઝબેકિસ્તાનના સુર્ખન્દારિસ્કાયા જિલ્લામાંથી ઈસુ પૂર્વેની બીજી સહસ્રાબ્દીનું ઘેરા રેતિયા પથ્થરમાંથી બનેલું માનવશીર્ષ મળી આવેલ છે. આ બંનેની શૈલી કેટલેક અંશે પશ્ચિમ એશિયાની મેસપટેમિયન અને સિંધુ ખીણની મોહેં-જો-દડોની શૈલીને મળતી આવે છે. આ ઉપરાંત આ સમયનું પર્વતવિસ્તારના બકરાનું નાનું સુવર્ણ શિલ્પ મળ્યું છે, જે વાસ્તવિક શૈલીમાં સર્જાયું છે. આ 3 શિલ્પ સિવાય આટલાં પ્રાચીન અન્ય પૂર્ણમૂર્ત (round) શિલ્પ મળ્યાં નથી; પરંતુ અર્ધમૂર્ત (relief) શિલ્પ વિપુલ માત્રામાં મળ્યાં છે. તેમાં વિવિધ ધાતુ, લાકડા અને હાથીદાંત પર કરેલી કોતરણીઓ મળી આવી છે, અને બકરા જેવાં શિંગડાં ધરાવતા ઊડતા પાંખાળા ઘોડા, કૂદતા હિમદીપડા, સિંહમુખ, હરણાં ઇત્યાદિ પશુજગતનું આલેખન છે.

ઈસુ પૂર્વે ચોથી સદીમાં ખ્વારાઝમ ખાતે બીબા-ઢાળણનાં માટી-શિલ્પ ભઠ્ઠીમાં પકવવાની અને કોઈ કિર્ગિલ કાન્યા ખાતે મોટા કદનાં સિરૅમિક વાસણો બનાવવાની પરંપરા શરૂ થઈ. ઈસુ પૂર્વે ત્રીજી સદી સુધીમાં ગ્રીક હૅલેનિસ્ટિક શૈલીએ સમગ્ર પશ્ચિમ મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવી દીધું હતું. ઝ્યૂસ, અથિન, પૉસાઇડન, હેરક્લીઝ જેવાં ગ્રીક દેવદેવીઓનાં અને ખેલકૂદમાં નિષ્ણાત નવયુવાનોનાં પૂર્ણમૂર્ત નગ્ન શિલ્પ ગ્રીક હૅલેનિસ્ટિક શૈલીમાં સર્જાવાં શરૂ થયાં. તે માનવ-કદનાં અને કવચિત્ તેથી પણ વિશાળ કદનાં હતાં. ગ્રીક લશ્કર સાથે અહીં આવેલ ગ્રીક કલાકારોએ આ શૈલીનો અહીં પ્રસાર કરેલો. તખ્ત-એ-સંગીન ખાતેના ઑક્સસ મંદિરમાંથી આ પ્રકારનાં શિલ્પ મળ્યાં છે. આજે નાશ પામેલાં શિલ્પો પૈકી કેટલાંક 5 મીટરથી પણ વધુ ઊંચાં હતાં. પ્રૅક્સિટિલસ જેવા વિખ્યાત ગ્રીક શિલ્પીની કૃતિઓની પ્રતિકૃતિઓ પણ મળી આવી છે. આવી પ્રતિકૃતિઓ કોઈક જુદા હાથે ઘડાયેલી હોવાથી મૂળ કૃતિને પૂરી વફાદાર ન રહેતાં સ્વાભાવિક રીતે જ થોડા ફેરફાર ધરાવતી હોય છે. ધીમે ધીમે પશ્ચિમ મધ્ય એશિયાની નિજી હૅલેનિસ્ટિક શૈલીનો ઉદભવ થયો. આમ, વિદેશી સત્તાની ગ્રીક હૅલેનિસ્ટિક શૈલીને મધ્ય એશિયાની પ્રજાએ પોતીકી બનાવી લીધી તે હકીકત અંગે કલાઇતિહાસકારોમાં કોઈ મતભેદ નથી. યુવાન સૈનિકોનાં પણ અસંખ્ય પૂર્ણમૂર્ત શિલ્પ અને શીર્ષ-શિલ્પો મળી આવ્યાં છે. શિલ્પની ઉપર કેટલેક ઠેકાણે રંગરોગાન કરવામાં આવતું. આ જ સમયે અહીં ગાંધાર શૈલીમાં બનેલ બૌદ્ધ દેવ-દેવીઓનાં શિલ્પ મળેલ છે.ખુદ ગાંધાર શૈલીમાં જ ગ્રીક હૅલેનિસ્ટિક અને મથુરા શૈલીનું મિશ્રણ છે. ગાંધાર શૈલીનાં આ બૌદ્ધ શિલ્પોમાં પુરુષ કરતાં સ્ત્રીની આકૃતિ નાના કદમાં કંડારવામાં આવતી. ગાંધાર શૈલીનાં સૌથી વધુ શિલ્પ ઉઝબેકિસ્તાન અને ફરઘાનામાંથી મળેલ છે. હૅલેનિસ્ટિક તથા ગાંધાર શૈલીનાં શિલ્પ પથ્થર, લાકડું, માટી અને ચૂના જેવી વિવિધ સામગ્રીમાંથી સર્જાતાં. અઝિના ટેપેના બૌદ્ધ મઠમાંથી મળી આવેલાં અસંખ્ય શિલ્પોમાં 12 મીટર લાંબું પરિનિર્વાણ-બુદ્ધનું (શયન-અવસ્થાનું) શિલ્પ પથ્થરમાં બનેલું છે, પણ ઈસુની ચોથી સદી પછી શિલ્પ-સર્જનમાં પથ્થરનો વપરાશ ઓછો થતો ગયો. આ હૅલેનિસ્ટિક અને ગાંધાર પરંપરાઓ ઈસુની સાતમી સદી સુધી ચાલુ રહી.

આઠમી સદીમાં મુસ્લિમ આરબોએ મધ્ય એશિયા કબજે કરતાં અને ઇસ્લામનો પ્રચાર કરતાં બૌદ્ધ ધર્મ પશ્ચિમી મધ્ય એશિયામાંથી લુપ્ત થયો. સાથે સાથે હૅલેનિસ્ટિક અને ગાંધાર શિલ્પ-પરંપરાઓનો પણ અસ્ત થયો. ઇસ્લામને શિલ્પનો ઉપયોગ ન હતો તેટલું જ નહિ, પણ શિલ્પનો વિરોધ પણ હતો. જૂજ અપવાદ તરીકે માત્ર મહેલો અને ધનિકોનાં રહેઠાણોમાં કેટલાંક પ્રાણીઓની આકૃતિઓ પૂર્ણમૂર્ત શિલ્પ તથા ભીંતમાં જડેલ અર્ધમૂર્ત શિલ્પ તરીકે ચાલુ રહી. તેમાં બરફવિસ્તારનાં દીપડા, કૂકડાં, ઘુવડ, મત્સ્ય અને શરીર બે પણ મસ્તક એક ધરાવતી સિંહાકૃતિઓ પ્રચલિત હતી.

પૂર્વીય મધ્ય એશિયા(ચીની તુર્કમેનિસ્તાન)માં શિલ્પના નમૂના ઈસુની સાતમી સદીથી મળે છે, અને અહીં ઇસ્લામી આક્રમણ ન થવાથી શિલ્પની પરંપરા અતૂટ જળવાઈ છે. અહીં ભારતની ગાંધાર, મથુરા અને ચીનની શિલ્પ-પરંપરાઓનું મિશ્રણ જોવા મળે છે. તાકલામકાન રણની આસપાસ આવેલાં સ્તૂપો, મંદિરો અને મઠોમાંથી બૌદ્ધ શિલ્પ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને હિંદુ દેવદેવીનાં શિલ્પ પણ ઓછાવત્તા પ્રમાણમાં મળે છે. બૌદ્ધ ધર્મ અહીં ઈસુની બીજી સદીથી જ  વ્યાપક હતો. બૌદ્ધ શિલ્પોમાં બુદ્ધના વિવિધ અવતારો, બોધિસત્વોનો સમાવેશ થાય છે. અહીં શિલ્પ એક સ્વતંત્ર માધ્યમ ન રહેતાં સ્થાપત્ય અને ભીંતચિત્રોની સાથે એટલું ઓતપ્રોત થઈ ગયું છે કે તે સ્થાપત્યનું જ એક અંગ જણાય છે. શિલ્પના માધ્યમ તરીકે લાકડાનો વહેર, સૂકું ઘાસ, ઊંટના વાળ મિશ્રિત પકવેલી માટી પ્રચલિત હતાં. બીબાંનો ઉપયોગ વ્યાપક હતો. એક જ બીબા પરથી અગણિત શિલ્પ ઉતારી પ્રત્યેક પર રંગરોગાન થતું.

ઈંડાકાર મોં, અડધી બંધ લાંબી આંખો, ભારે પાંપણ અને નાકની ઉપર કપાળમાં ભેગી થતી અર્ધવર્તુળાકાર ભ્રમરો એ પૂર્વીય મધ્ય એશિયાના શિલ્પની લાક્ષણિકતાઓ છે. સાતમી સદી પછી ચીની તાંગ શૈલીની અસરનો પ્રભાવ વધ્યો. તુમ્શુકમાં મથુરા શૈલીના પ્રભાવ હેઠળ સર્જાયેલ અંજલિ-બોધિસત્વ વિખ્યાત છે. બોધિસત્વની બંને બાજુએ બેઠેલ એક-એક મોર તથા ઉપર ઊડતી એક-એક અપ્સરા છે. આ ઉપરાંત ખોતાન, મિરાન, યોત્કાન, કુચા, શોર્ચુક, કોચો અને યાર્ખોટો પૂર્વીય મધ્ય એશિયાની કલાનાં મહત્વનાં કેન્દ્રો છે.

ચિત્રકળા

પશ્ચિમ મધ્ય એશિયામાંથી ઈસુ પૂર્વે 10 સહસ્રાબ્દી જૂનાં પ્રાગૈતિહાસિક ગુફાચિત્રો તાજિકિસ્તાનમાં 4,200 મીટર ઊંચે આવેલી શાખ્ટી ગુફામાંથી મળ્યાં છે. તેમાં પંખીઓ, આખલા અને જંગલી વરાહના શિકારનાં ર્દશ્યો છે.

આ પછી ઈસુ પૂર્વે પાંચમીથી ઈસુ પૂર્વે પહેલી સદીનાં ચિત્રો મળે છે. તે પશ્ચિમ તુર્કમેનિસ્તાનના આમુદરિયા(નદી)ના મુખત્રિકોણ-પ્રદેશમાં ખ્વાસાઝમ ખાતે ભીંતો પર પ્લાસ્ટર કરેલાં ભીંતચિત્રો છે. તેની પર અજંતાનાં ભીંતચિત્રોની અસર સ્પષ્ટ છે, પણ કોઈ ચોક્કસ ધાર્મિક આલેખન મળેલ નથી. રેખાઓ વડે આકૃતિઓ સ્પષ્ટ કરી છે. રેખાઓ ઘેરી અને નજાકતભરી છે. વચ્ચે આછો ગુલાબી, કેસરી રંગ ભરી માનવ-ત્વચા અને ભૂરા રંગો વડે વસ્ત્રો અલગ તારવી બતાવ્યાં છે. પ્રકાશછાયાનો કોઈ અણસાર નથી. આ ચિત્રોમાંથી કોઈ કથા સ્પષ્ટ થતી નથી. પણ ચિત્રો બેશક કથાસૂચક છે. ત્યારબાદ ઈસુ પછીની સદીઓમાં વિરાટ ભીંતચિત્રોની પરંપરા બૅક્ટ્રિયામાંથી મળી આવી છે, તેમાં ગાંધાર અને હૅલેનિસ્ટિક શૈલીઓનો સમન્વય જોઈ શકાય છે. બૌદ્ધ મઠો અને મંદિરોમાં બુદ્ધના જીવનપ્રસંગો અને જાતકકથાઓનું આલેખન મળ્યું છે. ભીંતચિત્રની પદ્ધતિ અજંતાને મળતી આવે છે. સૂકા પ્લાસ્ટર પર ખનિજ અને વનસ્પતિજન્ય રંગો વડે ચિત્રો થતાં. ગારો, છાણ, સૂકા ઘાસનો ભૂકો અને પશુઓના વાળ મેળવીને પ્લાસ્ટર તૈયાર કરાતું. પ્લાસ્ટર સુકાયા પછી જ ચિત્રકામ થતું. ઈસુની ચોથી સદી પછી અજંતાની અસર વધુ ગાઢ બની, તેના નમૂના કારા ટેપે, ફયાઝ ટેપે ઇત્યાદિ સ્થળેથી મળે છે. છઠ્ઠી સદી પછી રંગો વધુ ચમકદાર અને રેખાઓ વધુ નાજુક બની. રંગની આછી-ઘેરી છટાથી શરીરના અવયવોનો તફાવત સ્પષ્ટ કરવાને બદલે, સપાટ રંગ ભરવાનું ચાલુ થયું. જમીન કે તળ-સપાટીનો નિર્દેશ કરાતો નહિ; તેથી માનવ-આકૃતિઓ અવકાશમાં તરતી જણાય છે અને આકૃતિઓ વચ્ચેના સ્થળલક્ષી સંબંધો નક્કી કરવામાં દર્શકને મુશ્કેલી પડે છે. ખાલી અવકાશમાં આલેખાયેલી આકૃતિઓ આકાશમાં હોય તેવું જણાય છે. પીંછીના અભિવ્યક્તિપૂર્ણ લસરકાના સ્થાને પાતળી, નાજુક અને તરલ રેખાઓની શૈલી પ્રચલિત બની. છઠ્ઠી સદી પછી ધાર્મિક અને જાહેર સ્થળોએ મહાભારત, પંચતંત્ર, ઈરાનના વીરપુરુષ રુસ્તમના જીવનપ્રસંગોનું આલેખન શરૂ થયું. રહેઠાણનાં મકાનોમાં મિજબાની, શિકાર, કુસ્તી, નૃત્ય અને સ્નાનનાં ર્દશ્યોનાં ચિત્રો આલેખાવાં શરૂ થયાં.

આઠમી સદીમાં અરબોનાં આક્રમણોને કારણે પશ્ચિમી મધ્ય એશિયામાં ચિત્ર-પ્રવૃત્તિ લગભગ સ્થગિત થઈ ગઈ. જવલ્લે જ પ્રાણીઓનાં આલેખનો થતાં. આ પરિસ્થિતિ સોળમી સદી સુધી ચાલુ રહી. સોળમી સદીના અંતમાં હસ્તપ્રતોમાં ઈરાની શૈલીમાં વાર્તાચિત્રો (illustrations) દોરવાની પ્રથા દાખલ થઈ. શૈબાનિડ રાજવંશના ઉઝબેક રાજાઓએ ઈરાનથી કલાકારો બોલાવી તાશ્કંદ, સમરકંદ અને બુખારામાં વસાવ્યા. હેરાતનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો સાથે ઈરાની શૈલીએ તાશ્કંદ અને સમરકંદમાં મૂળ નાંખ્યાં; અને સ્થાનિક કલાકારોએ તેની તાલીમ લીધી. આ શૈલીમાં ઊભા અને આડા સંકુલ વિભાગોમાં ચિત્રવિષયો વહેંચાઈ જતા અને ચિત્રમાં ભૌમિતિક આકારોનું પ્રભુત્વ રહેતું. બુખારામાં ઈરાનની તિમુરિડ શૈલીએ મૂળ નાખ્યાં. એ શૈલીમાં વળાંકોનું પ્રભુત્વ રહ્યું. તેમાં સર્પિલ લતાઓ, ઝરણાં, નદીઓ, વિચિત્ર આકારના ખડકો તથા ફૂલો અને ઘાસનું નજાકતભર્યું વાસ્તવિક નિરૂપણ જોવા મળે છે. બંને શૈલીમાં નિસર્ગર્દશ્યોનું અને સ્થાપત્યનું આલેખન સપાટ-દ્વિપરિમાણી થતું. ચિત્રોમાં દૂરત્વ બતાવવાના ખાસ કોઈ પ્રયત્નો થયા નથી. 1560 પછી ઉઝબેકિસ્તાનમાં અતિ ઘેરી પશ્ચાદભૂ પર પ્રેમીઓ જેવી એકલદોકલ વ્યક્તિઓના આલેખનની પ્રથા શરૂ થઈ; જેમાં પ્રકૃતિ અને સ્થાપત્યનું આલેખન થવું બંધ થયું. ચિત્રિત પોથીઓમાં ‘હફ્ત મંઝર’, ‘મીર ઍન્ડ મુશ્તરી’ તથા ‘તોહફત અલ અહરર’ નમૂનારૂપ છે.

સોળમી સદી પછી પોથીચિત્રોના આલેખનમાં મોટા ફેરફાર થયા. ભારતની મુઘલ ચિત્રકળાનો ઊંડો પ્રભાવ પડ્યો. ફિરદોસીના શાહનામાની એક પ્રતમાં ભાવસભર વાતાવરણ, વિગતોની પ્રચુરતા, ગતિમયતા અને વધુ વાસ્તવિકતા જોવા મળે છે. સત્તરમી સદી પછી ચિત્રકળાની ઝડપથી અવનતિ થઈ. રેખાંકન અણઘડ અને સુંદરતા-વિહોણું બન્યું, રંગપૂરણી ઝાંખી બની અને સમગ્ર રજૂઆત યંત્રવત્ બની ગઈ.

પૂર્વીય મધ્ય એશિયા(ચીની તુર્કમેનિસ્તાન)માં ઈસુની ત્રીજી સદીથી ચિત્રકળાના નમૂના મળવા શરૂ થાય છે. ઈસુની ત્રીજીથી છઠ્ઠી સદી દરમિયાન હીનયાન સંપ્રદાયનાં ચિત્રો મળે છે. ત્રીજીથી દશમી સદી દરમિયાનની ચિત્રકલા પર ગાંધાર શિલ્પ, અજંતાનાં ભીંતચિત્રો અને મથુરાનાં શિલ્પનો પ્રભાવ છે. અજંતા અને મથુરાની આ અસર હિંદુકુશ પર્વતમાળાની ઉત્તરે આવેલ હડ્ડા અને બામિયાન થઈ અહીં પહોંચી.

છઠ્ઠી સદીથી ભીંતચિત્રોમાં સ્ટેન્સિલનો ઉપયોગ વ્યાપક બન્યો. માટીના ગારાની કે પ્લાસ્ટરની એકસરખી અસંખ્ય શિલ્પાકૃતિ ઢાળવાનું જે કામ બીબાં કરે છે તે કામ ચિત્રકલામાં સ્ટેન્સિલ કરે છે, જેમ કે રંગોળી પાડવાના કાણાંવાળા કાગળ પર ચિત્ર દોરી, રેખાંકનને સ્થાને નજીક નજીક કાણાં પાડવામાં આવે; પછી જે ભીંત પર ચિત્ર દોરવાનું હોય તે ભીંત પર તે કાગળ ચોંટાડી કાણાંમાં રંગ ભરવામાં આવે. પછી કાગળ ખસેડી લઈ ચિત્રકાર ભીંત પરનાં રંગીન બિંદુઓને રેખા વડે જોડી દે એટલે સળંગ રેખાંકન મળે. આથી પૂર્વ-મધ્ય એશિયામાં એક જ ચિત્રની થોડા નાના ફેરફારવાળી અનેક પ્રતિકૃતિઓ વ્યાપક બની. ભીંતચિત્રો વિશાળ કદમાં બનતાં. ઉપદેશ આપી રહેલા બુદ્ધનાં ચિત્રો ખૂબ જ પ્રચલિત બન્યાં. આ ઉપરાંત વિવિધ બૌદ્ધ દેવદેવીઓ, અસુરગણ, જાતકકથાઓ, અને ક્વચિત્ શિવ તથા ગણેશ જેવા હિંદુ દેવતાઓનાં ચિત્રો થયાં. રાણી ચંદ્રપ્રભાને નીરખતા રાજા રુદ્રાયણનું અને વિશ્વાંતર જાતકનું ચિત્ર ઉત્તમ કક્ષાના નમૂના છે. પ્રતીક-ચિત્રરૂપ શરીર ધરાવતા વિરોચન બુદ્ધનાં ચિત્રો પણ મળ્યાં છે. 5 જીન વડે ઘેરાયેલા તથા 1,000 આંખ અને 1,000 હાથવાળા બોધિસત્વ અવલોકિતેશ્વરનું ચિત્ર પણ ઉત્તમ છે. સાતમી સદી પછી અહીં ચીની સામ્રાજ્યે સત્તા જમાવતાં ચીનની તાંગ શૈલીએ મૂળિયાં નાંખ્યાં. હવે તાંત્રિક અને ઘાતકી આકૃતિઓનું આલેખન શરૂ થયું.

અમિતાભ મડિયા