મધુ રાય (જ. 19 જુલાઈ 1942, જામખંભાળિયા, સૌરાષ્ટ્ર) : ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ અને વિશિષ્ટ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર. સુરેશ જોષી પછીના ગુજરાતી કથા-સાહિત્ય અને નાટ્યસાહિત્યમાં સર્જકતાની ઊંચી માત્રા, પ્રયોગોની સફળતા અને ગદ્યની બહુપાર્શ્વિકતા દાખવનાર કોઈ એક સર્જકનું નામ બોલો તો એમ કોઈ કહે તો કોઈ પણ સહૃદય ગુજરાતીને હોઠે પહેલું નામ મધુ રાયનું આવે. તેમનું મૂળ નામ મધુસૂદન વલ્લભદાસ ઠાકર. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દ્વારિકામાં લીધું. ત્યારબાદ કોલકાતા યુનિવર્સિટીની રેસિડન્ટ કૉલેજમાંથી 1967માં એમણે જનરલ વિષયો સાથે બી.એ.ની પદવી મેળવી. શરૂઆતમાં કોલકાતાથી આવી અમદાવાદની નવનીતલાલ ઍન્ડ કંપનીમાં જાહેરખબર-લેખનના કાર્યમાં જોડાયા. એમણે અન્ય મિત્રોની મદદથી કરેલી ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની સ્થાપનાએ ગુજરાતી નાટકને નવો વળાંક આપ્યો. એ જ નાટ્યપ્રેમને કારણે 1970માં તેઓ રંગમંચ અને દિગ્દર્શનની તાલીમ માટે ઈસ્ટ વેસ્ટ સેન્ટર તરફથી જે સાંસ્કૃતિક યોજના હતી એના અન્વયે અમેરિકા ગયા. 1972માં અમેરિકાથી પાછા ફર્યા બાદ, ફરીને એમણે 1975માં અમેરિકા જઈ સર્જનાત્મક સાહિત્યલેખનમાં અનુસ્નાતક પદવી મેળવી. 1978માં એમણે અમેરિકામાં ‘ગુજરાતી’ નામક સાપ્તાહિકનો પ્રારંભ કરેલો. વચ્ચે કેટલોક સમય ઇંગ્લૅન્ડમાં રહ્યા પછી તેઓએ અમેરિકામાં ‘ગુજરાત ટાઇમ્સ’ના તંત્રી તરીકે કામગીરી બજાવી છે.
આધુનિક કથાસાહિત્ય અને નાટ્યસાહિત્યમાં કપોલકલ્પનાના વિનિયોગ સાથે તેમજ નાટ્યાત્મક પરિસ્થિતિઓ અને ઉઠાવદાર પાત્રરેખાઓ સાથે પ્રયોગશીલતાની વિવિધ સંવેદનાઓ ઊભી કરતી અને ભાષાની સંપૂર્ણ અનુનેયતા સિદ્ધ કરી બતાવતી આ લેખકની કૃતિઓ અત્યંત નોંધપાત્ર છે. આથી જ એમને 1976નો નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ‘બાંશી નામની એક છોકરી’ અને ‘કાલસર્પ’ જેવા વાર્તાસંગ્રહો પુરસ્કૃત થયા છે. તેમની ઉત્તમ અને વિશિષ્ટ સર્જકતાને અનુલક્ષીને 1999નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો છે.
એમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી’(1964)માં આધુનિક વાર્તાના બળૂકા નમૂનાઓ જોવા મળે છે. રજૂઆત અને ભાષાની તદ્દન જુદી શક્તિનો પરિચય આપતી આ વાર્તાઓમાં એક યા બીજી રીતે વિષાદ કેન્દ્રસ્થાને છે. ‘રૂપકથા’(1972)માં કેટલીક વાર્તાઓ પ્રણાલીની નજીક છે, પણ એની સાથે એમણે આઠેક જેટલી હાર્મૉનિકાઓને ગ્રંથસ્થ કરી છે. ટૂંકી વાર્તાને હાર્મૉનિકા દ્વારા એમણે આપેલું નવું રૂપ વર્ણનાદ પર અવલંબતા શબ્દોને આધારે અર્થને રચવા કરતાં અર્થને ભૂંસવાનું કાર્ય વધુ કરે છે. હાર્મૉનિકા એક રીતે જોઈએ તો કથાનક વિનાનો પ્રતિવાર્તાનો ઉદ્યમ છે. ‘કાલસર્પ’(1972)માં સૌથી વધુ ધ્યાન ખેંચે છે તે એમની હરિયા-જૂથની વાર્તાઓ છે. એમાં કપોલકલ્પનાને હળવા ટીખળ સાથે સંયોજીને કેટલાંક ગંભીર પરિણામો તેઓ લાવી શક્યા છે. ‘કઉતુક’ (2005) એમનો વાર્તાસંગ્રહ છે.
‘ચહેરા’ (1966) એમની પ્રયોગશીલ નવલકથા છે. કથાનાયકના વિષાદની ત્રૂટક સ્મૃતિકથારૂપે કથા કહેવાયેલી છે. સમયમાં ખૂલતી નવલકથાને સ્થાને અહીં એને લગભગ સ્થલમાં ખૂલતી કરવાનો નવલકથાકારનો પુરુષાર્થ કથાનકની જગ્યાએ અહીં ઘટનાના છૂટાછવાયા તંતુઓની સંકુલ સૂત્રતાનો આશ્રય લે છે. ચહેરાઓ પાછળનો ચહેરો અને વિવિધ હાસ્ય પાછળની કરુણતા આ નવલકથાની આગવી મુદ્રા છે. ભાષા નવલકથાના વાતાવરણને અનુરૂપ ભભક વગરની છતાં અત્યંત પ્રાણવાન છે. ‘કિમ્બલ રેવન્સવુડ’(1981)માં જ્યોતિષવિદ્યાનો આધાર લેવાયો છે અને અમેરિકાની ધરતી પર હળવી રીતિએ કપોલકલ્પનાના તંતુઓથી કામ પાડ્યું છે. ‘કલ્પતરુ’ (1987) કમ્પ્યૂટર-નવલકથા છે ને તે સાથે રહસ્યકથા, વિજ્ઞાનકથા અને જાસૂસકથા પણ છે. એમાં કથા જાણે કમ્પ્યૂટર રચતું હોય એટલે કે કથાકાર કમ્પ્યૂટર પોતે હોય એ રીતે કલ્પના કરવાની છે. આ કથામાં કમ્પ્યૂટરને આધારે જગત આખામાં ડૉ. કામદાર વિજ્ઞાનની ક્રાંતિકારી શોધને માનવજાતના સુખ માટે કામે લગાડવા ઝૂઝે છે. પ્રયોગ અને પરિવેશના સંદર્ભમાં આ નવલકથાએ ઝાઝું ધ્યાન ખેંચવું જોઈતું હતું. એમણે પોતાનાં જ નાટકો પરથી નવલકથા-રૂપાંતરો કરેલાં છે. ‘કામિની’ (1970), ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો ?’(1968), ‘સભા’ (1972) ‘કુમારની અગાશી’(1972) અને ‘સાપબાજી’ (1973) એ ‘આપણે ક્લબમાં મળ્યાં હતાં’(1969)નું રૂપાંતર છે. ખૂન અને રહસ્ય જેવા વિષયવસ્તુની આસપાસ ગૂંથાયેલી આ કૃતિઓમાં સંવાદો આકર્ષક છે. બોલચાલની નજીક પહોંચી જતી પાત્રોની ભાષાનું પોત જીવંત છે. આ બધામાં ‘કામિની’ એની રજૂઆતની વિલક્ષણતા અને સંકુલતાને કારણે નોંધપાત્ર છે. વાર્તાના કેન્દ્રમાં શેખર ખોસલાની એક કલ્પિત કથા છે અને એનું ખૂન વાર્તાની પરાકાષ્ઠા છે. નાટક અને જીવન, પાત્રો અને માણસો, વાસ્તવ અને કલ્પના, ચિત્તના વ્યવહાર અને શરીરના બાહ્ય વ્યવહાર – આ બધાંને ગૂંચવી નાખતી આ રહસ્યકથા લેખકની અત્યંત પોતીકી રચનારીતિથી આકર્ષક છે. ‘મુખસુખ’ (2003) રહસ્ય નવલકથા છે. ‘સુરાસુરાસુરા’ (2009) ‘સુરા અને શત્રુજિત’ નાટક પરથી લખાયેલી નવલકથા છે. વિદેશસ્થિત ભારતીયોની સામ્પ્રત સ્થિતિનું એમાં આલેખન છે.
‘અશ્વત્થામા’ (1973) એમનાં ‘ઝેરવું’, ‘કાગડી ? કાગડા ? માણસો ?’, ‘અશ્વત્થામા’, ‘ઝૂમરી તલૈયા’ અને ‘તું એવું માને છે’ – એમ કુલ 5 એકાંકીઓનો સંગ્રહ છે. એમાં ઍબ્સર્ડ રંગભૂમિની સભાનતા છે, છતાં નાટ્યાત્મક પરિસ્થિતિ અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થાધ્યાસો જન્માવવામાં નાટકકાર સફળ રહ્યા છે. ‘ઝેરવું’ સંગ્રહનું પ્રયોગશીલ અને પ્રચલિત એકાંકી છે. ‘આકંઠ’(1974)માં ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની પ્રવૃત્તિના ફાલરૂપ ઊતરેલાં વિવિધ લેખકોનાં પચાસેક નાટકોમાંથી અભિનવ અખતરા હોય એવાં 23 નાટકોનું ચયન-સંપાદન છે.
બર્નાર્ડ શૉના ‘પિગ્મેલિયન’નું ‘સંતુ રંગીલી’ અને ફ્રેડરિક ડુરેન માત્તના ‘ધ વિઝિટ’નું ‘શરત’ તેમજ સ્લુથની કૃતિનું ‘ખેલંદો’ એ એમનાં અત્યંત સફળ નીવડેલાં નાટ્યરૂપાંતરો છે. આ ઉપરાંત યુસિસ સંસ્થા માટે એમણે ત્રણેક સાહિત્યકૃતિઓના અનુવાદ પણ કર્યા છે. ‘સેપિયા’ (2001), ‘નીલે ગગન કે તલે’ (2001), ‘જિગરના જામ’ (2009) નિબંધસંગ્રહો અને ‘યાર અને દિલદાર’ (2009) રેખાચિત્રો છે.
આમ, આધુનિક ગદ્યના ઘડનારાઓમાં મધુ રાયનું નામ પ્રથમ પંક્તિમાં બિરાજે છે. ‘બાંશી નામની એક છોકરી’ના જેટલી જ દિલોદિમાગ પર છવાઈ જતી એમની ટૂંકી વાર્તાઓ, સંવાદકુશળતાથી બંધાતાં એમનાં નાટકો અને ઠેઠ સુધી ગદ્યનું કામણ ટકાવી રાખતી એમની નવલકથાઓ ગુજરાતી સાહિત્યની વિશિષ્ટ મૂડી છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા