આંતરફલક કોણ, આંતરફલક કોણની નિત્યતાનો નિયમ (Interfacial Angle, Law of Constancy of Interfacial Angles) : સ્ફટિક(crystal)ના કોઈ પણ બે ફલકો વચ્ચેનો કોણ તથા તેની નિત્યતાનો નિયમ. સ્ફટિકના ફલકો પૈકી પાસપાસેના બે કે કોઈ પણ બે ફલક પર અંદર તરફ દોરેલા લંબ વચ્ચેનો ખૂણો આંતરફલક કોણ કહેવાય છે. આંતરફલક કોણ ઘનકોણમાપક (goniometer) નામના સાધનની મદદથી માપવામાં આવે છે. ઘનકોણમાપકના બે પ્રકાર છે : (1) સંપર્ક ઘનકોણમાપક (contact goniometer), (2) પરાવર્તિત ઘનકોણમાપક (reflecting goniometer).
ઘનકોણમાપક દ્વારા બે આંતરફલક કોણ મળી શકે, જેનો સરવાળો 18૦o થાય, જે પૈકીનો એક આંતરિક ઘનકોણ હોય અને બીજો બાહ્યકોણ મળે. આ બીજા ખૂણાને ધ્રુવીય (polar) કોણ કહેવાય છે.
આંતરફલક કોણની નિત્યતાનો નિયમ દર્શાવે છે કે ‘કોઈ પણ એક જ ખનિજના તમામ સ્ફટિકોના એક જ પ્રકારના બે ફલક વચ્ચેના આંતરફલક કોણ હંમેશાં અચલ હોય છે.’ શરત એટલી જ કે ઉપયોગમાં લીધેલા સ્ફટિકોનું રાસાયણિક બંધારણ એકસરખું હોવું જોઈએ અને કોણમાપન એક જ તાપમાને કરેલું હોવું જોઈએ, પછી તે સ્ફટિકો નાના-મોટા ગમે તે સ્થળ-કાળના કેમ ન હોય ! તેથી જ તો, ખનિજ સ્ફટિકની પરખ માટે આંતરફલક કોણ એ અગત્યનું લક્ષણ થઈ પડે છે.
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ
ગિરીશભાઈ પંડ્યા