મધિયો (રોગ) : જુવારમાં તેમજ આંબાપાકમાં ફૂગથી થતો એક રોગ. આંબાપાકમાં જીવાતના આક્રમણને લીધે ચેપ લાગતાં તે ક્યારેક નુકસાન કરે છે.

જુવારનો મધિયો ‘અરગટ’ અથવા ‘ડૂંડાના મધિયા’ના નામે ઓળખાય છે. જુવારની વધુ ઉત્પાદન આપતી સંકર જાતોમાં આ રોગનું પ્રમાણ સ્થાનિક દાણાની જાતો કરતાં વધુ જોવા મળે છે. ભારતમાં આ રોગ ફૂગની અલિંગી અવસ્થા – મધ્ય અવસ્થામાં ઘણા સમયથી નોંધાયો છે. પરંતુ સંકર જાતોની પુષ્પ-અવસ્થા છેલ્લા વરસાદ અથવા ભેજમય વાતાવરણ સાથે આવતી હોવાથી તેમાં આ ફૂગ વિશેષ નુકસાન કરે છે. ખાસ કરીને જુવારની સંકર જાતના બીજ-ઉત્પાદનના પાકમાં નરવંધ્ય જાતોમાં આ રોગ ઘણું નુકસાન કરે છે.

વાતાવરણ ભેજમય હોય ત્યારે આ ફૂગ જુવારના ડૂંડાના ફૂલ પર આક્રમણ કરે છે. તેને લીધે પુષ્પોના બીજાશયમાંથી મધ જેવા પ્રવાહી રસનું નિર્માણ થાય છે. ફૂગનું આક્રમણ જો તીવ્ર બને તો મધિયું પ્રવાહી પાન તથા જમીન ઉપર ફેલાય છે. પરિણામે પાન તથા જમીન મધિયા પ્રવાહીથી આચ્છાદિત થઈ જાય છે અને તેના પર સફેદ અને કાળી ફૂગ પેદા થાય છે. આ ફૂગની અલિંગી અવસ્થામાં પુષ્કળ સંખ્યામાં બીજાણુઓ મધિયા પ્રવાહીમાં ફેલાય છે. આ મધિયા પ્રવાહીને ચૂસવા માખી અને અન્ય કીટકો આકર્ષાય છે અને ફૂગના બીજાણુઓનો ફેલાવો કરે છે. પાછલી અવસ્થામાં આક્રમણનો ભોગ બનેલાં ફૂલોમાં દાણા ન બંધાતાં ફૂગની ભૂખરી પેશીઓ ઉત્પન્ન થાય છે, જે ફૂગના જલાશ્મ કહેવાય છે.

આ ફૂગના નિયંત્રણ માટે થાયરમ કે પારાયુક્ત ફૂગનાશક દવા કિલોગ્રામદીઠ 4 ગ્રામ બીજ પર છાંટી વાવણી કરવી જરૂરી છે.

વળી પુષ્પવિન્યાસના ખીલવાથી અથવા તો ડૂંડાં નીકળ્યાં હોય ત્યારે રોગ જણાતાં તેના પર 0.2 % ઝાયરમ ફૂગનાશકનો છંટકાવ કરવો જરૂરી છે. વળી બીજા છંટકાવ સાથે 0.2 % કાર્બારિલનો છંટકાવ કીટકનિયંત્રણ માટે કરવો આવશ્યક છે.

પ્રાથમિક આક્રમણવાળાં ડૂંડાં એકત્રિત કરી તેમનો નાશ કરવો હિતાવહ છે. તે જ રીતે પાકની કાપણી વખતે પણ ફૂગના આક્રમણનો ભોગ બનેલાં ડૂંડાં ભેગાં કરી તેમનો બાળીને નાશ કરવો જરૂરી છે.

આંબામાં જીવાતને લીધે મધિયાનો રોગ પ્રસરે છે; જ્યારે કેટલાક પરોપજીવી જીવાણુઓ પાકોમાં રોગ પેદા કરી, જખમોમાંથી મધિયું પ્રવાહી બહાર કાઢે છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ