મધિયો (Honey Buzzard) : મધ પર નભતું ગુજરાતનું અતિ સામાન્ય પંખી. તેનું શાસ્ત્રીય નામ Pernis Apivorus છે. તેનો સમાવેશ Falconformes વર્ગ અને Accipitvidae કુળમાં થાય છે. તેનું કદ સમડી કરતાં થોડું મોટું એટલે લગભગ 67 સેમી. જેટલું હોય છે. નર અને માદાનો રંગ સરખો હોય છે.

તેનો રંગ કથ્થાઈ ભૂખરો હોય છે. તેની પાંખોમાં નીચે સફેદ પીછાં હોય છે. તેની પાંખો લાંબી અને છેડા પાસે થોડી ગોળાકાર હોય છે. તે લાક્ષણિક પટ્ટાવાળી લાંબી પૂંછડી ધરાવે છે. તેની ડોક પાતળી અને લાંબી હોય છે. તે ઊડે ત્યારે નીચેના ભાગ પર કાળા રંગના 3 પટ્ટાઓ હોય છે, જેનાથી તે તુરત ઓળખી શકાય છે.

મધ અને મધમાખીનાં નાનાં બચ્ચાં તેનો મુખ્ય ખોરાક છે. મધ શોધવા તે વૃક્ષોમાં ફરે છે અને મધમાખીઓની અવરજવર પર ધ્યાન રાખીને મધપૂડો સરળતાથી શોધી કાઢે છે. ઘણી ઊંચાઈએથી તે નીચે સરકે છે અને મધપૂડા પર ત્રાટકે છે તથા પૂડો લઈને ઊડી જાય છે. મધમાખીઓ તેનો પીછો કરે ત્યારે ઊંચી-નીચી ઉડાન ભરીને મધમાખીઓને થકવી નાખે છે. પછી તે નિરાંતે મધ આરોગે છે.

ફેબ્રુઆરીથી મે સુધીનો તેનો પ્રજનનકાળ ગણાય છે. ઝાડ પર માળા બનાવી મધ્યમ કદનાં 2 સફેદ ઈંડાં મૂકે છે. તે ઈંડાં ઉપર કથ્થાઈ ઝાંય જોવા મળે છે. નર અને માદા 30–35 દિવસ સુધી તેને સેવે છે. તેનાં બચ્ચાં સફેદ રુવાંટીવાળાં હોય છે. તેમની ચાંચ સખત, થોડી શ્યામ અને આગળથી વાંકી હોય છે. બચ્ચાં મોટાં થતાં કથ્થાઈ રંગનાં બની જાય છે.

બળદેવભાઈ કનીજિયા