મધર ઇન્ડિયા (1957) : ભારતીય નારીની સહનશીલતા, કુટુંબવત્સલતા, ગમે તેવી મુસીબતોમાં અડગ ઊભાં રહેવાનું તેનું સામર્થ્ય અને ગામ તથા સમાજ પ્રત્યેની તેની ફરજ-અદાયગીને ખૂબ જ સુંદર રીતે રજૂ કરતું સીમાચિહ્નરૂપ ચલચિત્ર. રંગીન. ભાષા : હિંદી. નિર્માણ-સંસ્થા : મેહબૂબ પ્રોડક્શન્સ. નિર્માણ-દિગ્દર્શન-પટકથા : મેહબૂબખાન. સંવાદ : વજાહત મિરઝા, એસ. અલી રઝા. છબિકલા : ફરદૂન ઈરાની. સંગીત : નૌશાદ. ગીતકાર : શકીલ બદાયૂની. મુખ્ય કલાકારો : નરગિસ, રાજકુમાર, સુનીલ દત્ત, રાજેન્દ્રકુમાર, કન્હૈયાલાલ, મા. સાજિદ, સિતારાદેવી, કુમકુમ.
ભારતના ગ્રામજીવનના જીવંત દસ્તાવેજ સમું આ ચિત્ર કચકડા પરના મહાકાવ્યનો દરજ્જો પામી ચૂક્યું છે. એક આદર્શ ભારતીય નારી ગમે તેવી આફતો વચ્ચે જરૂર પડ્યે એકલે હાથે પોતાના કુટુંબનું ગુજરાન પણ કરી શકે છે અને ગામની આબરૂ બચાવવા પોતાના વહાલસોયા દીકરાને ગોળી મારતાં પણ અચકાતી નથી.
રાધા આદર્શ પત્નીની સાથે આદર્શ મા પણ છે. વ્યાજખોર શાહુકાર લાલાની જાળમાં ફસાઈને આ સુખી પરિવાર બરબાદ થઈ જાય છે. ખરાબાની જમીનને ખેતીલાયક બનાવવાના પ્રયાસમાં તેનો પતિ પોતાના બંને હાથ ગુમાવી બેસે છે. અપંગ થયેલો પતિ હતાશ થઈને એકાએક ઘર છોડીને ચાલી જતાં રાધા ખૂબ જ સંઘર્ષ કરીને પોતાના બે દીકરાને મોટા કરે છે; પણ એ દરમિયાન લાલાની સતામણીનો તે સતત ભોગ બનતી રહે છે. જોકે ભૂખમરા જેવી સ્થિતિમાં પણ તે લાલાની ઇચ્છાને તાબે થતી નથી. નાનપણથી શોષણખોર લાલાનાં કરતૂતો જોતો આવેલો નાનો દીકરો બિરજુ મોટો થઈને બળવાખોર બને છે. અંતે તે ડાકુ બની જાય છે. લાલાના જુલમનો અંત આણવાના ધ્યેય સાથે તે પોતાની ટોળકી સાથે ગામ પર ત્રાટકે છે. તે જ દિવસે લાલાની દીકરીનાં લગ્ન હોય છે. બિરજુ તેનું અપહરણ કરે છે. દીકરાને વારવા રાધા ઘણા પ્રયાસો કરે છે, પણ ખુન્નસથી ભરાયેલો બિરજુ જ્યારે તેની વાત માનતો નથી ત્યારે ગામની આબરૂ જાળવવા રાધા ડાકુ દીકરાને ગોળી મારી દે છે.
મુખ્ય ભૂમિકા નરગિસે એવી તો જાનદાર રીતે ભજવી કે હિંદી તારિકાઓમાં તે બેમિસાલ બની ગયાં. નરગિસના અભિનય ઉપરાંત ગીતો, સંગીત, ઉત્કૃષ્ટ છબિકલા અને દિગ્દર્શને આ ચિત્રને ઉત્કૃષ્ટ ચિત્રોની હરોળમાં મૂકી દીધું. ‘નગરી નગરી દ્વારે દ્વારે’, ‘દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા’, ‘ઓ ગાડીવાલે ગાડી ધીરે હાંક રે’, ‘ઓ જાનેવાલે જાઓ ના ઘર અપના છોડ કર’, ‘ના મૈં ભગવાન હૂં ના મેં શૈતાન હૂં’ જેવાં ગીતો તો સદાબહાર બની રહ્યાં છે. દિગ્દર્શક મેહબૂબખાને 1940માં ‘ઔરત’ ચિત્રનું નિર્માણ કર્યું હતું. એ કહાણી પરથી જ બનાવેલા આ ચિત્રને 1958માં ઑસ્કર ઍવૉર્ડ માટે શ્રેષ્ઠ વિદેશી ચિત્ર તરીકે નામાંકન મળ્યું હતું. 1958માં નરગિસને શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર પુરસ્કાર ઉપરાંત કાર્લોવિવારી ફિલ્મોત્સવમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ મળ્યો હતો. આ ઉપરાંત 1958માં શ્રેષ્ઠ ચિત્ર, દિગ્દર્શન, છબિકલા અને ધ્વનિમુદ્રણ માટેના ‘ફિલ્મફેર’ પુરસ્કારો પણ ‘મધર ઇન્ડિયા’ને મળ્યા હતા.
હરસુખ થાનકી