મદીરા (1967) : ગ્રીક નાટ્યકાર યુરિપિડીઝના ‘મિડિયા’ નાટક (ઈ.પૂ. 431)નું ચન્દ્રવદન મહેતાએ કરેલું ગુજરાતી રૂપાંતર. ‘મિડિયા’ નાટક નાયિકાપ્રધાન કરુણાન્ત કૃતિ છે. તેમાં પ્રેમમાં સાંપડેલી હતાશા-નિષ્ફળતા વેરવૃત્તિનું કેવું ભયંકર રૂપ ધારણ કરે છે તેનું કલાત્મક આલેખન છે. રાજકુમાર જેસન પોતે જ્યાં આશ્રિત તરીકે રહે છે તે કૉરિન્થના રાજા ક્રેયૉનની પુત્રી ગ્લૉસીને પરણવા માટે પોતાની પ્રથમ પરણેતર મિડિયાને તરછોડે છે. મેલી વિદ્યામાં પારંગત અને મૂળે જંગલી આદિવાસી એવી મિડિયા પોતાને થયેલા દગાથી ઉશ્કેરાય છે અને ઉત્કટ વૈરભાવના જાગ્રત થતાં તે ક્રેયૉનની તથા ગ્લૉસીની તેમજ પોતાનાં 2 બાળકોની ક્રૂર હત્યા કરી નાંખે છે અને પતિ જેસન સદાય વલોપાત કરતો રહે તે માટે 2 બાળકોનાં શબને લઈને રથમાં ચાલી જાય છે. મૂળ કૃતિનો શબ્દશ: અનુવાદ કરવાની જગ્યાએ રૂપાંતરકારે નાટકના આ કથાનકને વફાદાર રહી, વિવિધ દેશોમાં ને વિવિધ શૈલીમાં પોતે નિહાળેલા ‘મિડિયા’ નાટકના વિવિધ પ્રયોગોના આધારે તેનું મુક્ત રૂપાંતર કર્યું છે. ગ્રીક પૌરાણિક કથાને તેમણે આર્ય-અનાર્ય સંસ્કૃતિના ઢાંચામાં ઢાળી છે. કથાના પરિવેશમાં તથા પાત્રોનાં નામોમાં યોગ્ય ફેરફાર કર્યા છે. ગ્રીક નાટકના કોરસના સ્થાને લોકવૃન્દ દ્વારા લોકોને ચિરપરિચિત એવાં સંસ્કૃત સૂત્રો शान्तम् पापम्, मन: सत्येन शुच्यति, लोका: समस्ता: सुखिनो भवन्तु ઉચ્ચારાવ્યાં છે, જેનાથી નાટકમાં ભારતીયતા આવી શકી છે. આ ઉપરાંત મૂળ પાત્રોની દીર્ઘ ઉક્તિઓ ટૂંકાવી છે અથવા વિવિધ પાત્રોમાં વહેંચી છે; જેમ કે મૂળ ગ્રીક નાટકના પ્રારંભે પરિચારિકાના મુખે મિડિયાના પૂર્વજીવનનું વૃત્તાંત નિરૂપતી ઉક્તિ અહીં 2 અનુચરો – ભૂમિરજ અને ગિરિરજ – વચ્ચે વહેંચાયેલી છે. મિડિયાની કેટલીક એકોક્તિઓને સંવાદનું રૂપ આપવામાં આવ્યું છે, તો મૂળ નાટકમાં કોરસના મુખે બોલાતી ઉક્તિઓ પણ કાંપિલ્ય અને શાંડિલ્ય નામનાં 2 કલ્પિત પાત્રો વચ્ચે સંભાષણરૂપે નિરૂપવામાં આવી છે. વળી, નાટકનું ગદ્ય પણ લય અને પ્રાસયુક્ત રાખવામાં આવ્યું છે.
પ્રેમ-ધિક્કારના દુનિયાભરના સર્વશ્રેષ્ઠ નાટક તરીકે પંકાયેલ મૂળ ગ્રીક નાટકનું ભારતીય પરિવેશમાં થયેલું આ સુંદર રૂપાંતર વડોદરા ખાતે યશવંત કેળકરના નિર્દેશનમાં અને અમદાવાદ ખાતે ભરત દવેના નિર્દેશનમાં અનેક વાર સફળતાપૂર્વક ભજવાયું છે.
મહેશ ચંપકલાલ શાહ