મદન, ત્રિલોકીનાથ (ટી. એન. મદન) (જ. 12 ઑગસ્ટ 1931) : ભારતીય સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. સમાજ-નૃવંશશાસ્ત્ર વિષયમાં ડૉ. ડબ્લ્યૂ. ઈ. એચ. સ્ટેનરના માર્ગદર્શન હેઠળ ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી, કૅનબરામાંથી 1960માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે કાશ્મીરના બ્રાહ્મણો વિશે ક્ષેત્રકાર્ય કર્યું અને સગાઈ-સંબંધોનો અભ્યાસ કર્યો.

કેટલાંક વર્ષો સુધી લખનૌ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે તથા કર્ણાટક યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. 1962માં સ્કૂલ ઑવ્ આફ્રિકન ઍન્ડ ઓરીએન્ટલ સ્ટડિઝ, લંડન ખાતે મુલાકાતી વ્યાખ્યાતા તરીકે નિયુક્તિ થઈ. આ ઉપરાંત તેમણે વૉશિંગ્ટન, ઇલીનૉઈ તથા પૅરિસ યુનિવર્સિટીમાં પણ મુલાકાતી વ્યાખ્યાતા તરીકે અધ્યાપનકાર્ય કર્યું છે. અત્યારે તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઈકોનૉમિક ગ્રોથ, દિલ્હી ખાતે અધ્યાપક-સંશોધક તરીકે સેવાઓ આપી રહ્યા છે.

લેખક, સહલેખક, સંપાદક અને સહસંપાદક તરીકે તેમણે ઘણું પ્રદાન કર્યું છે. તેમણે અનેક પુસ્તકો અને સંશોધનપત્રો લખ્યાં છે. તેમાં ‘મુસ્લિમ કોમ્યૂનિટી ઑવ્ સાઉથ એશિયા’ (સંપાદન), ‘સોસાયટી ઍન્ડ કલ્ચર’ (સહસંપાદન, 1976), ‘પર્સનલ એકાઉન્ટ્સ ઑવ્ ફીલ્ડવર્ક’ (1975), ‘ઇન્ડિયન ઍન્થ્રોપૉલોજી : એસેઝ’ (1962), ‘ઍન ઇન્ટ્રોડક્શન ટૂ સોશ્યલ ઍન્થ્રોપૉલોજી’ (1961), ‘નૉનરિનન્સિયેશન થીમ ઍન્ડ ઇન્ટરપ્રિટેશન ઑવ્ કલ્ચર’ (1987), ‘રિલિજિયન ઇન ઇન્ડિયા’ (1991) વગેરેનો સમાવેશ થાય છે. ‘કૉન્ટ્રિબ્યૂશન ટુ ઇન્ડિયન સોશ્યૉલોજી’ નામના જર્નલના સંપાદક તરીકે અનેક વર્ષો સુધી તેમણે સેવાઓ આપી હતી.

1989થી તેમને ગ્રેટ બ્રિટનની ફેલો ઑવ્ ધ રૉયલ ઍન્થ્રોપોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટની માનાર્હ ફેલોશિપ મળી છે. સગાઈ, સંબંધો અને વ્યવસાય એ તેમના અભ્યાસ માટેના રસના વિષયો છે.

હર્ષિદા દવે