આંજનેયુલુ, કુંદુતિ (જ. 16 ડિસેમ્બર 1922, ગંતુર; અ. 25 ઑક્ટોબર 1982) : તેલુગુ કવિ અને ગદ્યકાર. આંધ્રમાંથી જ બી.એ.ની ઉપાધિ મેળવી. 1946થી 1956 સુધી તે ગંતુર માર્કેટિંગ સમિતિના સુપરિન્ટેન્ડન્ટ હતા. તે પછી આંધ્રપ્રદેશના સૂચના અને જનસંપર્ક વિભાગમાં મુખ્ય અનુવાદક રહ્યા હતા. પ્રશિષ્ટ કવિતાથી પ્રગતિવાદ પ્રતિ જઈ તેમણે ‘વચન કવિતા’ (મુક્ત છંદમાં) આંદોલનનું નેતૃત્વ સંભાળીને એ કવિતાપ્રકારને પ્રતિષ્ઠિત કર્યો. તેમના કાવ્યસંગ્રહો ‘નયાગરા’, ‘તેલંગાના’, ‘યુગે યુગે’, ‘નગર મલુવાના’, ‘માતૃગીતમ્’ વગેરે પ્રકાશિત થયા છે. ‘તેલંગાના’-વચનમાં અઢાર પર્વોમાં તેમણે નિઝામ વિરુદ્ધ મજદૂર-કિસાનોના સંઘર્ષનું જીવંત આલેખન કર્યું છે. ‘વચન-કવિતા’ સંબંધી તેમના લેખોનુ સંકલન ‘વચન-વિનય’માં થયું છે, તેમને સોવિયેત લૅન્ડ નહેરુ-પારિતોષિક અને આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

કૃષ્ણવદન જેટલી