મતકરી, રત્નાકર (જ. 17 નવેમ્બર 1938, મુંબઈ) : મરાઠીના અગ્રણી સાહિત્યકાર, નાટ્યદિગ્દર્શક તથા રંગમંચ-કલાકાર. પિતાનું નામ રામકૃષ્ણ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ 2૦ વર્ષ સુધી બૅંક ઑવ્ ઇન્ડિયામાં સેવા આપી. તે જ અરસામાં બાલનાટ્યના ક્ષેત્રે લેખનકાર્યની શરૂઆત કરી અને ત્યારબાદ નાટકો, વાર્તા, નવલકથા અને લલિત-નિબંધ જેવાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનું ખેડાણ કર્યું. સાથોસાથ નાટ્યદિગ્દર્શન, અભિનય અને રંગમંચનાં લગભગ બધાં જ ક્ષેત્રોમાં કાર્યરત રહ્યા. તેમણે અત્યાર સુધી 12 બાલનાટકો, 3 બાલનાટિકાસંગ્રહો, 23 નાટકો, 13 એકાંકી-સંગ્રહો, 2 નવલકથાઓ અને લલિત-નિબંધના 2 સંગ્રહો – આટલું વિપુલ સાહિત્યસર્જન કર્યું છે.
અત્યાર સુધી તેમની 18 કૃતિઓને મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કારો પ્રાપ્ત થયા છે; જેમાં 6 બાલનાટકો (‘અચાટ ગાવચી અફાટ માવશી’, ‘અલબત્યા ગલબત્યા’, ‘કળલાવ્યા કાંદ્યાચી કહાણી’, ‘નિમ્મા શિમ્મા રાક્ષસ’, ‘મધુ મંજિરી’ અને ‘રાક્ષસરાજ ઝિંદાબાદ’), એક બાલનાટિકા-સંગ્રહ (‘રાજકન્યેચી સાવલી હરવલી’), 5 નાટકો (‘અશ્વમેધ’, ‘ખોલ….ખોલ પાણી’, ‘પ્રેમકહાણી’, ‘વાર્યાવરચા મુશાફીર’ અને ‘સ્પર્શ અમૃતાચા’), 4 એકાંકી-સંગ્રહ (‘એકાચ માતીચી ખેળણી’, ‘લાલ ગુલાબાચી ભેટ’, ‘શય્યા’ અને ‘સાત એકાંકી’) અને 2 વાર્તાસંગ્રહ(‘ખેકડા’ અને ‘રંગાંધળા’)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમને બાલરંગભૂમિની સેવા માટે અખિલ ભારતીય નાટ્ય પરિષદ તરફથી ‘જ્યોત્સ્ના ભોળે પારિતોષિક’ (1978), તે જ સંસ્થા તરફથી ઉત્કૃષ્ટ નાટ્યલેખન માટેનો ‘દેવલ પુરસ્કાર’ (1985), ‘અત્રે ફાઉન્ડેશન પારિતોષિક’ (1985) અને ‘જૌળ’ નવલકથા પર આધારિત ‘માઝં ઘર, માઝા સંસાર’ નામના મરાઠી ચિત્રપટનાં પટકથા-સંવાદ માટે મહારાષ્ટ્ર શાસન દ્વારા પારિતોષિક મળ્યાં છે. સાથોસાથ તેમના ‘અશ્વમેધ’ નાટક માટે તેમને 198૦ના વર્ષનું ઉત્કૃષ્ટ નાટકકાર તરીકેનું પારિતોષિક, તેમની ‘ખોલ…… ખોલ પાણી’ નાટ્યકૃતિને 1981–84ના ગાળાની સર્વોત્કૃષ્ટ નાટ્યકૃતિ તરીકે ‘અનંત કાણે પુરસ્કાર’ (1984), તેમના ‘સ્પર્શ અમૃતાચા’ નાટકને 1984ના વર્ષની સામાજિક આશયની સર્વોત્કૃષ્ટ નાટ્યકૃતિ તરીકે ‘મામા વરેરકર પારિતોષિક’ – આ 3 બહુપ્રતિષ્ઠ પુરસ્કારો મળ્યા છે. ભારત સરકારની જ્યેષ્ઠ કલાકારો માટેની બે વર્ષની ‘પરફૉર્મિંગ આર્ટિસ્ટ સિનિયર ફેલોશિપ’ (1983 અને 1984) તેમને એનાયત કરવામાં આવી હતી.
વ્યાવસાયિક તથા પ્રાયોગિક નાટકો અને બાલનાટ્ય – આ ત્રણેય ક્ષેત્રોમાં તેમણે લેખન, દિગ્દર્શન, નેપથ્ય-સંકલ્પના, સંગીત-સંકલ્પના, વેશભૂષા-આયોજન, રંગમંચ-અભિનય વગેરેની વૈવિધ્યપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક બજાવી છે. તેમણે મુંબઈ ખાતે 1962માં બાલરંગ-ભૂમિને વરેલી ‘બાલનાટ્ય’ નામની સંસ્થા તથા 197૦માં પ્રાયોગિક રંગભૂમિને વરેલી ‘સૂત્રધાર’ નામની નાટ્યસંસ્થાની સ્થાપના કરી છે; જેના નેજા હેઠળ તેમણે ઘણાં બાલનાટ્યો અને પ્રાસંગિક નાટકો ભજવ્યાં છે.
બૅંક ઑવ્ ઇન્ડિયાની નોકરી સ્વેચ્છાથી છોડી ત્યારથી તેઓ પોતાનો સમય સાહિત્યસર્જન અને રંગભૂમિની સેવા માટે વ્યતીત કરે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે