મણિલાલ ‘પાગલ’ (જ. 1889, ત્રાપજ, ભાવનગર; અ. 11 ફેબ્રુઆરી 1966) : વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર. આખું નામ મણિલાલ ત્રિભોવનદાસ ત્રિવેદી. ત્રાપજના વતની. તેમણે ગુજરાતી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. એ સમય દરમિયાન પિતાને વ્યવસાયમાં ખોટ આવતાં તેમને જીવનનિર્વાહ માટે મુંબઈમાં એક વીશીમાં પિરસણિયાનું કામ સ્વીકારવું પડ્યું. જાણીતા નટ-નાટ્યકાર મૂળજી આશારામે તેમને આઠ રૂપિયાના પગારથી પોતાની મંડળીમાં રસોઇયા તરીકે રાખ્યા. એથી નાટક-મંડળીને નજીકથી જોવાની તેમને તક મળી.
યુવાન મણિલાલની સ્મરણશક્તિ, અવલોકનશક્તિ અને જિજ્ઞાસાવૃત્તિ તીવ્ર હતી. નવા વાતાવરણની સાથે અનુકૂલન સાધી માર્ગ શોધવાની આવડત પણ સહજ હતી. મોરબી નાટક મંડળીનાં નાટકો જોતાં જોતાં એમને નાટકનો રંગ લાગ્યો. આગળ વધવા પોતાને અનુકૂળ જે મળ્યું તે વાંચવાનું પણ શરૂ કર્યું. મુંબઈમાં એ સમયે રિપન થિયેટરમાં પાટણકર સરસ્વતી નાટક સમાજનાં નાટકો ભજવાતાં હતાં. પાટણકરની મુલાકાતમાં મણિલાલે પોતે નાટકમાં સંવાદ-પ્રેરક (prompter) હોવાનું અને પોતાનામાં નાટકો લખી શકવાની આવડત હોવાનું જણાવ્યું. પાટણકરે થોડીઘણી ચકાસણી કરી તેમને માસિક 65 રૂપિયાના પગારે નાટક લખવાનું કામ સોંપ્યું. પ્રારંભમાં અન્ય કલાકારોના પાઠ ઉતારતાં ઉતારતાં પ્રસંગરચના, સંવાદ, ભાષા વગેરે સાથે સંપર્ક થતો ગયો અને પરિણામે એમણે ‘ભક્ત બોડાણો’ નામે નાટક લખ્યું (1916). આ નાટકમાં એમણે બોડાણાની કૃષ્ણભક્તિની સાથે કેટલાક અતિરંજક પ્રસંગોનું આલેખન પણ કર્યું. ચમત્કારનો આશ્રય પણ લીધો. નાટક સફળતાથી ભજવાયું.
45 વર્ષના ગાળામાં એમને નામે લગભગ 125 જેટલાં નાટકો બોલે છે. કેટલાંક સળંગ રીતે પોતે લખેલાં તો કેટલાંકમાં પોતે કેટલાંક ર્દશ્યો અને ખંડો લખેલાં. વ્યવસાયી રંગભૂમિ પર આવું બનતું હતું. મુખ્ય નાટકની સાથે સાથે એમણે હાસ્યરસથી ભરપૂર પ્રહસનો પણ લખ્યાં છે.
એમનાં નાટકો શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ, શ્રી આર્યનૈતિક નાટક સમાજ તેમજ અન્ય નાટક મંડળીઓએ સફળતાથી ભજવ્યાં છે. એમના ‘‘રા’માંડલિક’’ નાટકે સૌપ્રથમ વાર વિજયધ્વજ ફરકાવ્યો હતો. મોહનલાલા આ નાટકથી વિશેષ લોકપ્રિય બન્યા. નવીન ઝલક પાથરનાર અન્ય નાટકોની શ્રેણીમાં ‘છત્રસાલ’, ‘રાજા શંભાજી’, ‘બાજીરાવ’, ‘સળગતો સંસાર’, ‘હંસાકુમારી’, ‘સોરઠી સિંહ’, ‘સમુદ્રગુપ્ત’, ‘અહલ્યાબાઈ’, ‘સંસારલીલા’, ‘વીરગર્જના’, ‘અમર આશા’, ‘રૂઢિબંધન’, ‘વારસદાર’, ‘દિલનાં દાન’, ‘વિલાસ-પંથે’, ‘સર્જનહાર’, ‘એક જ આશા’ અને ‘અધિકારી’ મૂકી શકાય.
એમણે પોતાનાં નાટકોમાં સૌપ્રથમ વાર મરાઠા કાળનાં પ્રભાવશાળી પાત્રોને કેન્દ્રમાં રાખી ગુજરાતી તેમજ મરાઠી તખ્તાને ગાજતો કર્યો. એમનાં નાટકો મરાઠી ભાષામાં પણ ભજવાયાં છે. નાટ્યલેખનના કસબી ગણાતા આ નાટ્યકાર પાસે પ્રાણવાન કથાનક, પ્રબળ પાત્રાલેખન તેમજ સચોટ સંવાદ યોજવાની સહજશક્તિ હતી. સંસારજીવનની વાસ્તવિકતા તેમણે નાયિકાપ્રધાન નાટકો રચી રજૂ કરી. કલંકિત પાત્રોને ઉત્તેજનાપૂર્વક રજૂ કરવાની એમની શક્તિને કારણે તેઓ એમના સમકાલીન નાટ્યકારોથી જુદા પડે છે. એમનાં નાટકોમાં એક પછી એક ધસારાબંધ આવતા પ્રસંગો પ્રેક્ષકોને જકડી રાખે છે. એમના ‘અધિકારી’ નાટકમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચારની સામે મૂલ્યરક્ષાની વાત છે. એમણે સામાજિક નાટકોમાં વિધવાની સ્ત્રી-સહજ જાતીય વૃત્તિના પ્રશ્નને નીડરતાથી રજૂ કર્યો છે. સ્વદેશપ્રેમ, આઝાદીની ચળવળ, ગાંધીભક્તિ પણ એમણે વિષય-વસ્તુ તરીકે પસંદ કર્યાં છે. એમનાં ઐતિહાસિક નાટકો ઇતિહાસની સાથે સુસંગત નથી એવી છાપ પણ ઊભી કરે છે. અતિરંજક પ્રસંગો અને તાલમેલિયા બનાવો પણ એમનાં નાટકોમાં છે. વસ્તુ-વિકાસ અને સમગ્ર નાટ્ય-શિલ્પ પરત્વે તેઓ ઉર્દૂ-મરાઠી રંગભૂમિની પરંપરાનો પ્રભાવ દાખવે છે.
ઉર્દૂ નાટ્યકાર મુનશી ‘મહેશર’ના ઉર્દૂ નાટક ‘ઝેરી છુરી’માં પાગલ રાજાની ભૂમિકામાં જીવંત અભિનય આપ્યો ત્યારથી તે પ્રેક્ષકજગતમાં ‘પાગલ’ તરીકે ઓળખાવા લાગ્યા. હકીકતમાં તો તેઓ ગુણાનુરાગી પણ હતા. એમનામાં લખવાની અને બોલવાની ખુમારી હતી. શ્રી પ્રભાત ચિત્રપટ સંસ્થાએ એમના નાટક ‘સિદ્ધ સંસાર’ને આધારે ‘માયા મચ્છીન્દ્ર’ નામે બોલપટ તૈયાર કર્યું હતું.
1956માં એમને 75 વર્ષ પૂરાં થતાં રાજકોટના નાગરિકોએ એમનો અમૃત મહોસવ ઊજવ્યો હતો. સૌરાષ્ટ્ર કલાકેન્દ્રે એમનું ‘મંગલ મંદિર’ નાટક ભજવી એમના ઉત્તરાવસ્થાના રાજકોટનિવાસની સ્મૃતિને તાજી રાખી હતી.
દિનકર ભોજક