આંગળાં-અંગૂઠાનો રોગ : Plasmodiophora brassici Woronin નામની ફૂગથી થતો કોબીજના છોડનો રોગ. તે કોબીજના ક્લબ રૂટ તરીકે પણ ઓળખાય છે. આ રોગથી છોડ નબળો, નિસ્તેજ અને કદમાં નાનો રહે છે અને જલદીથી ઊખડી જાય છે. આ રોગને કારણે અકુદરતી વિચિત્ર જાડા થયેલ મૂળમાં આંગળાં જેવી વિકૃતિ જોવા મળે છે, જે પાછળથી કોહવાઈ જાય છે. દર વર્ષે કોબીજનો જ પાક, જમીનની વધુ અમ્લતા તથા રોગગ્રાહ્ય જાતનું વાવેતર આ રોગનાં કારણો છે. ચૂનાથી અમ્લતા ઘટાડીને, રોગપ્રતિકારક જાતની પસંદગીથી અને પાકની ફેરબદલી કરીને આ રોગનો પ્રતિકાર કરી શકાય છે.
ભીષ્મદેવ કીશાભાઈ પટેલ