મઝહર ઇમામ (જ. 1930, દરભંગા, બિહાર) : ઉર્દૂના વિખ્યાત આધુનિક કવિ અને લેખક. ‘પિછલે મૌસમ કા ફૂલ’ નામના તેમના કાવ્યસંગ્રહ બદલ તેમને 1994ના વર્ષનો કેન્દ્રની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે મગધ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં અને બિહાર યુનિવર્સિટીમાંથી ફારસીમાં અનુસ્નાતક પદવી મેળવી છે.
માત્ર 13 વર્ષની વયે તેમણે ટૂંકી વાર્તાઓ અને કાવ્યો લખવાનો પ્રારંભ કર્યો. 1950–51માં પહેલી વાર તેમણે ‘નુકૂશ’ અને ‘સહરા’ નામની ઉર્દૂ પત્રિકાઓમાં તેમનાં કાવ્યો પ્રકાશિત કર્યાં. 1951માં તેમણે ઉર્દૂ પત્રકારત્વમાં ઝંપલાવ્યું. 7 વર્ષ અધ્યાપનકાર્ય કર્યું અને 1958થી 30 વર્ષ સુધી આકાશવાણી – દૂરદર્શન પર સેવા આપી. 1988માં શ્રીનગરના દૂરદર્શન કેન્દ્રના નિયામકપદેથી તેઓ નિવૃત્ત થયા. ઉર્દૂનાં વિવિધ સામયિકો તથા સમાચારપત્રોના સંપાદક તરીકેની કામગીરી પણ તેમણે સંભાળી. તેમના 4 કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે : ‘ઝખ્મ તમન્ના’ (1962); ‘રિશ્તા ર્ગૂં સફર કા’ (1974); ‘પિછલે મૌસમ કા ફૂલ’ (1988) અને ‘બંદ હોતા હુઆ બાઝાર’ (1992). આ ઉપરાંત તેમણે રેખાચિત્રોનો 1 સંગ્રહ, 1 નિબંધસંગ્રહ અને સાહિત્ય-વિવેચન તથા સંશોધનની 2 કૃતિઓ પ્રગટ કરી છે.
તેમને ઉત્તર પ્રદેશ ઉર્દૂ અકાદમી પુરસ્કાર, જમ્મુ અને કાશ્મીર સાંસ્કૃતિક અકાદમી પુરસ્કાર (બે વાર); ક્રિટિક સર્કલ ઑવ્ ઇન્ડિયા ઍવૉર્ડ, બિહાર ઉર્દૂ અકાદમી પુરસ્કાર (બે વાર), પશ્ચિમ બંગાળ ઉર્દૂ અકાદમી પુરસ્કાર, નજમી પુરસ્કાર તથા મીર અકાદમી પુરસ્કાર વગેરે અનેક સન્માન મળ્યાં છે. તેમનાં કાવ્યોના અનુવાદ ઉત્તર ભારતીય ભાષાઓમાં તેમજ અંગ્રેજી, ઉર્દૂ અને રશિયન ભાષાઓમાં થયા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘પિછલે મૌસમ કા ફૂલ’ના 58 ગઝલોના સંગ્રહને બીજા ત્રણેક પુરસ્કારો મળી ચૂક્યા છે. તેમાંના ‘આઝાદ ગઝલ’ના પ્રયોગ માટે આ સંગ્રહની ઉર્દૂ સાહિત્ય-જગતમાં ચર્ચા ચાલી રહી છે. આધુનિકતાના પડકારને ઝીલવાના અભિગમનું નજાકતપણું, નવી સાંસ્કૃતિક આબોહવાના સંદર્ભમાં પ્રગટ થતી ભારતીય માનસની ગ્રહણશીલતા તથા આસપાસના વિશ્વની વાસ્તવિકતા વચ્ચે એક નવતર કાવ્યાત્મક માહોલ રચવાનો પુરુષાર્થ – આ બધી બાબતો સાથે ભાષાભિવ્યક્તિમાંની નવીનતા અને પરંપરાગત સ્વરૂપોમાં પ્રયોગ કરવાની નિપુણતા વગેરેને લઈને આ ગઝલસંગ્રહ ઉર્દૂ સાહિત્યમાં ગણનાપાત્ર બન્યો છે.
બળદેવભાઈ કનીજિયા