મજુમદાર, ધીરેન્દ્રનાથ (જ. 3 જૂન 1903, પટણા; અ. 31 મે 1960) : તાલીમ પામેલા પ્રથમ ભારતીય માનવશાસ્ત્રી. ભારતીય માનવશાસ્ત્રમાં શારીરિક માનવશાસ્ત્ર તથા સાંસ્કૃતિક માનવશાસ્ત્રના ક્ષેત્રે વિશાળ ક્ષેત્રકાર્ય કરીને સૈદ્ધાંતિક પાયો નાખવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. તેઓ 1922માં બી.એ. અને 1924માં એમ.એ. થયા. 1926માં ‘હો જાતિ’ પરના સંશોધનકાર્ય દરમિયાન શરત્ચંદ્ર રૉયનો સંપર્ક થયો. 1928માં રાધાકમલ મુકરજીની મદદથી લખનૌ યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યા. 1935માં ઇંગ્લૅન્ડમાં એ. સી. હેડનના હાથ નીચે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. તેઓ 1946માં રીડર અને 1950માં પ્રાધ્યાપક બન્યા. 1960માં લખનૌ યુનિવર્સિટીમાં ડીન બન્યા. ત્યાં જીવનના અંત સુધી કાર્ય કરી ત્યાંના માનવશાસ્ત્ર વિભાગને દેશ-વિદેશમાં સારી ખ્યાતિ અપાવી. વિશ્વની અને દેશની ખ્યાતનામ સંશોધન-સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ તરફથી તેમને અનેક સુવર્ણચંદ્રકો તથા માનપત્રો પ્રાપ્ત થયાં છે. 1945માં એથ્નૉગ્રાફી ઍન્ડ ફોક કલ્ચર સોસાયટી અને તેની સાથે ‘ઈસ્ટર્ન જર્નલ ઑવ્ ઍન્થ્રપૉલોજી’ શરૂ કર્યાં હતાં. 1960માં બ્રેઇન-હૅમરેજથી તેમનું અવસાન થયું.
તેમનાં મોટાભાગનાં લખાણો એથ્નૉગ્રાફી પ્રકારનાં રહ્યાં છે. તેમાં માનવવ્યવહારને બદલે માનવ વિશે–તેની ભાષા, તેનાં શારીરિક લક્ષણો, જૂથરચના, કલા, જાદુ, ઓજારો, વસ્તુઓ, તેની પ્રાગ્ઐતિહાસિક સ્થિતિ વગેરે પ્રતિ ધ્યાન કેન્દ્રિત થયેલું દેખાય છે. મેલિનૉવ્સ્કીની અસરને કારણે, તેમની રજૂઆત કાર્યાત્મક અભિગમવાળી દેખાય છે. રૂથ બેનેડિક્ટના ‘સાંસ્કૃતિક ભાત’ના વિચારથી તેઓ પ્રભાવિત થયા હતા અને પરિવર્તનના અભ્યાસો વિકસાવ્યા હતા.
તેમના સંશોધન માટેનું ક્ષેત્રકાર્ય બિહારમાં હો જાતિમાં (1937), (1950); મધ્યપ્રદેશમાં બસ્તર અને ગોન્ડ જાતિમાં; ગુજરાતમાં વિવિધ જ્ઞાતિઓ અને આદિમ જૂથોમાં તથા ઉત્તરપ્રદેશના ગ્રામવિસ્તારોમાં (1950) તથા જૉન્સર બાવરના ખાસા રજપૂતોમાં (1962) હોવાનું જોવા મળે છે. એ રીતે એ ક્ષેત્રકાર્ય વિશાળ ભૌગોલિક વિસ્તારને આવરે છે. શારીરિક માનવશાસ્ત્રમાં શરીરમાપન તથા રક્ત-વર્ગીકરણ; સાંસ્કૃતિક માનવશાસ્ત્રમાં આદિજાતિઓમાં આવતાં પરિવર્તનો, તેમનામાં જોવા મળતા વિવિધ પ્રભાવો, તેમના પ્રશ્નો, ભારતીય જ્ઞાતિ અને ગ્રામજીવનની તરેહો અને તેમાં આવતાં પરિવર્તનો વગેરેને લગતી બાબતો તેમના સંશોધનમાં જોવા મળે છે. આમ માનવશાસ્ત્રનાં વિવિધ પાસાંને આવરી લેતું અને વ્યાપક વિવિધતાવાળું તેમનું સંશોધનકાર્ય સમયર્દષ્ટિએ પહેલું છે.
તેમણે એક સાચા શિક્ષક તરીકે પોતાના અધ્યયન-માર્ગદર્શન દ્વારા એક સમૃદ્ધ વિદ્યાર્થી-પેઢી પણ તૈયાર કરી છે. આમ ભારતીય માનવશાસ્ત્રના પાયાને મજબૂત બનાવવામાં તેમનું કીમતી પ્રદાન રહ્યું છે.
અરવિંદ ભટ્ટ