જયરામદાસ દોલતરામ (જ. 1891; અ. 1979) : રાષ્ટ્રીય નેતા તથા સંશોધક. મૅટ્રિકમાં સમગ્ર સિંધમાં પ્રથમ તથા એલએલ.બી.માં મુંબઈ યુનિવર્સિટીમાં દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થયા હતા
1911થી તેમણે સ્વાતંત્ર્યઆંદોલનમાં ઝંપલાવ્યું. સિંધમાં રચનાત્મક પ્રવૃત્તિઓ માટે ‘સ્વરાજ આશ્રમ’ની સ્થાપના કરી. ‘ભારતવાસી’ના તંત્રીસ્થાનેથી અંગ્રેજ સરકારની નીતિની ટીકા કરતાં બે વરસની કેદ ભોગવી. 1925માં દિલ્હીના ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના સ્થાપક સંપાદક તરીકે જોડાયા. 1926માં મુંબઈ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા. 1928ના બારડોલી સંમેલનના તેઓ અધ્યક્ષ હતા. 1930માં મીઠાના સત્યાગ્રહ વખતે તેમને ગોળી વાગેલી. 1932, 1933, તથા 1942માં જેલ ભોગવી.
યરવડા જેલમાં ગાંધીજીની સાથે હતા ત્યારે તેમના સૂચન અને આગ્રહથી ગાંધીજીએ ‘આત્મકથા’ લખી હતી. ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’માં તેમને ‘શુદ્ધ સોનું’ તરીકે મૂલવ્યા હતા.
1947માં તે બિહારના રાજ્યપાલપદે નિયુક્ત થયા હતા. ભારતની બંધારણસભાના તેઓ સભ્ય હતા, 1948માં સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તે પુરવઠા પ્રધાનના પદે નિયુક્ત થયા હતા. ‘વધુ અનાજ ઉગાડો’ની ઝુંબેશ તેમણે શરૂ કરેલી અને પાકું રૅશનિંગ ઉઠાવી લેવા તખ્તો તૈયાર કર્યો. 1950થી 1956 સુધી અસમના રાજ્યપાલ પદે રહ્યા. 1959થી 1976 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. વિસ્થાપિતોના પુનર્વસવાટ માટે તેમણે પ્રયાસો કર્યા હતા.
1967માં તેમણે સિંધી ભાષાને બંધારણના આઠમા પરિશિષ્ટમાં સ્વીકૃત ભાષા તરીકે માન્યતા પ્રદાન કરાવેલી. ‘કલેક્ટેડ વર્કસ ઑવ્ મહાત્મા ગાંધી’ પ્રકાશનશ્રેણીના તેઓ મુખ્ય સંપાદક હતા. સિંધી સાહિત્યમાં તેમણે સંશોધનાત્મક લેખો લખ્યા છે જે સંશોધનક્ષેત્રે અમૂલ્ય ગણાય છે.
જયંત રેલવાણી