જયદ્રથ : મહાભારતનું એક પાત્ર. સિન્ધુ સૌવીર નરેશ વૃદ્ધક્ષત્રનો પુત્ર, ધૃતરાષ્ટ્રપુત્રી દુ:શલાનો પતિ. તેના જન્મસમયે અન્તર્હિત વાણીએ જણાવેલું કે સંગ્રામમાં શત્રુ તેનું માથું છેદી ભૂમિ ઉપર પાડશે ત્યારે વૃદ્ધક્ષત્રે જાહેર કરેલું કે તેનું મસ્તક જમીન ઉપર પાડનારના મસ્તકના પણ ટુકડા થઈ જશે.
શાલ્વદેશમાં સ્વયંવરમાં જતા જયદ્રથે માર્ગમાં કામ્યકવનમાં રહેતા પાંડવોની પત્ની દ્રૌપદીનું હરણ કરતાં પાંડવોએ પકડીને અર્ધચન્દ્ર બાણથી તેના માથા ઉપર 5 પટા પાડ્યા, સંસદો-સભાઓમાં ‘હું પાંડવોનો દાસ છું’ એમ બોલવાનું કબૂલ કરાવ્યું અને બનેવી સમજી છોડી મૂક્યો.
અપમાનિત જયદ્રથે શિવની આરાધના કરી સંગ્રામમાં અર્જુન સિવાયના પાંડવોને ખાળી શકવાનું વરદાન મેળવ્યું. મહાભારત યુદ્ધના તેરમા દિવસે શ્રીકૃષ્ણ અને અર્જુનને બીજે રોકી દ્રોણાચાર્યે રચેલા ચક્રવ્યૂહને અભિમન્યુએ ભેદ્યો, ત્યારે તેના સહાયક ભીમસેન વગેરેને તેણે વરદાનને પ્રતાપે ખાળી રાખ્યા. નિ:શસ્ત્ર થયેલા અટૂલા અભિમન્યુ ઉપર મહારથીઓએ સામટો હુમલો કર્યો અને દુ:શાસનપુત્રે તેને હણ્યો. બીજે દિવસે સૂર્યાસ્ત પહેલાં જયદ્રથને મારવાની કે બળી મરવાની અર્જુનની પ્રતિજ્ઞાથી ગભરાઈને ઘેર જતા રહેવા ઇચ્છતા સિન્ધુરાજને સંરક્ષણની ખાતરી આપી દ્રોણ-દુર્યોધને રોક્યો. દ્રોણાચાર્યે 17 ગવ્યૂતિનો ચક્રશકટવ્યૂહ રચી તેના ઉત્તરાર્ધમાં યોજેલા પદ્મવ્યૂહની મધ્યમાં ગોઠવેલા ગૂઢ સૂચિવ્યૂહના સોયના નાકામાં, પહેલી હરોળથી આશરે 24 કિમી. દૂર તેને સંરક્ષકો સાથે સંતાડ્યો; પરંતુ વીરોને સંહારતા કૃષ્ણાર્જુન તેની નજીક પહોંચી ગયા. ઢળતા સૂર્ય અને સામેના જયદ્રથ તરફ શ્રીકૃષ્ણે ઇશારો કરતાં અર્જુને શરવર્ષાથી સંરક્ષકોને આકુળવ્યાકુળ કરી મૂક્યા અને દિવ્ય પાશુપતાસ્ત્ર ફેંકી તેનું મસ્તક છેદી રણમેદાનની બહાર નિષાદપ્રદેશમાં બેઠેલા તેના જપમગ્ન પિતાના ખોળામાં નાખ્યું. પછી વૃદ્ધક્ષત્ર અચાનક ઊભો થતાં માથું પૃથ્વી પર પડતાં તેનું મસ્તક પણ વિશીર્ણ થઈ ગયું.
સૂર્યાસ્ત નજીક જોઈ શ્રીકૃષ્ણે યોગમાયાથી સૂર્યાસ્તનું ર્દશ્ય સર્જતાં તે જોવા ડોક ઊંચી કરતા, અથવા તો રણભૂમિમાં ચિતા પર ચડવા તત્પર અર્જુનને નિહાળવા બહાર આવેલા, જયદ્રથનું મસ્તક અર્જુને છેદ્યું એવી રોચક કલ્પિત કથા પણ પ્રચલિત છે.
જયન્ત પ્રે. ઠાકર