અગર : વનસ્પતિના એક્વિલેરિએસી કુળની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aquilaria agallocha Roxb. (સં. अगुरु, अगारु; હિં. अगर; અં. Aloe wood/Eagle wood) છે. તેને અગાઉ થાયમેલીએસી કુળની ગણવામાં આવતી હતી પરંતુ તેનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોને આધારે તેને હવે એક્વિલેરિએસી કુળમાં મૂકવામાં આવેલ છે.
વૃક્ષરૂપ. પર્ણો એકાંતરિત, સાદાં. પાર્શ્ર્વ શિરાઓ ઘણી અને તે કિનારીને અડે. પુષ્પો દ્વિલિંગી, છત્રકમાં ગોઠવાયેલાં. પુંકેસર ઘણાં, તંતુઓ ઘણાં જ નાનાં કે નહિવત્. તેના લાકડામાં વૃદ્ધિવલયો હોતાં નથી, તેથી તેનું કાષ્ઠ સમરૂપ હોય છે. તેમાંના છૂટાછવાયા રાળના પ્રદેશોમાંથી નીકળતું સુગંધી દ્રવ્ય તે અગર. અપૂર્ણ ફૂગ(Fungi Imperfecti)માંથી તે પદાર્થ સ્રવે છે. સુગંધી દ્રવ્યોમાં તેનો કોઈ ગુરુ નથી માટે તે અગુરુ કે અગર કહેવાયું છે. આયુર્વેદ પ્રમાણે સાચું અગર કાળું, ભારે લોહ જેવું, માંગલ્યકારક, સૌંદર્યપ્રસાધક, શીતપ્રશમન અને શ્વાસહર ગુણો ધરાવે છે.
શોભન વસાણી
સરોજા કોલાપ્પન