જમીનદારી પદ્ધતિ : ભારતમાં જમીનમહેસૂલની આકારણી તથા વસૂલાત કરવા સારુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1793માં બંગાળામાં દાખલ કરેલી યોજના. 1765માં બંગાળામાં પ્રાદેશિક સાર્વભૌમતા પ્રાપ્ત કર્યા પછી કંપનીનો તાત્કાલિક હેતુ તે સમયે ભારતમાં જમીનમહેસૂલની જે પદ્ધતિ હતી, તે ચાલુ રાખવાની સાથોસાથ તેમાં સુરક્ષા અને શક્ય તેટલી એકસૂત્રતા દાખલ કરવાનો હતો. રાજ્યવહીવટ હાથમાં લીધો તે સમયે કંપનીના રાહબરો ભારતની ગૂંચવણભરી જમીનમહેસૂલપદ્ધતિથી સદંતર અજાણ હતા. બંગાળામાં કંપનીના હાથમાં વહીવટનાં સૂત્રો આવ્યાં તે પૂર્વે મુઘલ શાસનકાળ દરમિયાન જમીનમહેસૂલની જે પદ્ધતિ ત્યાં અસ્તિત્વમાં હતી તેમાં જમીનદારોનાં જૂથો ખેડૂતો પાસેથી સરકાર વતી કરાર પ્રમાણેની નિર્ધારિત રકમ જમીનમહેસૂલના રૂપમાં ઉઘરાવતા હતા. શરૂઆતના તબક્કામાં જમીનદારો જમીનની માલિકી ધરાવતા ન હતા; પરંતુ માત્ર જમીનમહેસૂલ ઉઘરાવવાની જ ફરજ બજાવતા હતા. જમીનમહેસૂલ તરીકે ખેડૂતો પાસેથી ઉઘરાવવામાં આવતી રકમ અને કરાર મુજબ સરકારની તિજોરીમાં જમા કરવી પડતી રકમ વચ્ચેના તફાવતની રકમ જમીનદારોની દલાલી ગણાતી. સમય જતાં આ વ્યવસ્થાએ વંશપરંપરાગત સ્વરૂપ ધારણ કર્યું અને કંપનીને દીવાની મળી ત્યાં સુધી તો, એક જમાનાના આ જમીનમહેસૂલની માત્ર વસૂલાત કરનારાઓ વંશપરંપરાગત રીતે જમીનના માલિકો બની બેઠા. તેમના હાથમાં સામંતશાહી હેઠળના દીવાની અને ફોજદારી અધિકારો કેન્દ્રિત થઈ ચૂક્યા હતા અને ખેડૂતો પાસેથી ભાડું મેળવવાના પણ તે હકદાર બન્યા હતા. 1772માં કંપનીએ પાંચ વર્ષ(1772–77)ના ગાળા માટે જમીનદારો સાથે જમાબંધીના કરાર કર્યા. ત્યાર પછી બંગાળાના પ્રથમ ગવર્નર-જનરલ વૉરન હેસ્ટિંગ્ઝે વાર્ષિક કરારની વ્યવસ્થા દાખલ કરી અને તે મુજબ 1778–79 અને 1780માં કંપની અને જમીનદારો વચ્ચે જમીનમહેસૂલની વસૂલાત અને ભરણાં અંગે કરારો થયા; પરંતુ કામચલાઉ જમાબંધીના આ પ્રયોગોને લીધે કૃષિક્ષેત્ર પર તથા કંપનીની આવક પર વિપરીત અસરો થવા લાગી. જમીનદારો વચ્ચે પરસ્પર બિનતંદુરસ્ત હરીફાઈ અને સોદાબાજી શરૂ થઈ. જમીનદારો દ્વારા ખેડૂતોનું અસીમ શોષણ શરૂ થયું અને છતાં કંપની સાથેના કરાર મુજબ સરકારી તિજોરીમાં જમીનમહેસૂલ જમા કરવામાં મોટા ભાગના જમીનદારો નિષ્ફળ જવા લાગ્યા. ખેડૂતવર્ગ પાયમાલ થવા લાગ્યો. તેના ઉપાય તરીકે કાયમી જમાબંધી દાખલ કરવાનું કંપનીએ વિચાર્યું. દરમિયાન 1786માં દસ વર્ષના ગાળા માટે ફરી કામચલાઉ જમાબંધી દાખલ કરવામાં આવી. છેવટે બંગાળના નવા ગવર્નર-જનરલ લૉર્ડ કૉર્નવૉલિસે 1793માં બંગાળમાં કાયમી જમાબંધી હેઠળ જમીનદારી પદ્ધતિ દ્વારા માલિકીપણાનું કાયદેસર સ્વરૂપ આપ્યું. આ વ્યવસ્થા દાખલ કરવા પાછળ કંપનીનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં જમીનમાલિકીની બાબતમાં સ્થાપિત હિતો ધરાવતો વર્ગ દાખલ કરવાનો હતો. આ પદ્ધતિ હેઠળ કોઈ એક જમીનમાલિક અથવા સંયુક્ત માલિકોનું કોઈ કૌટુંબિક જૂથ સરકારમાં જમીનમહેસૂલ ચૂકવવાની જવાબદારી વહન કરે છે. આ રીતે એક જમાનામાં જે વર્ગ ખેડૂત પાસેથી માત્ર જમીનમહેસૂલ ઉઘરાવી તે સરકારમાં જમા કરવા પૂરતી જ જવાબદારી ધરાવતો હતો તે વર્ગને જમીનના માલિકીહકો બક્ષવામાં આવ્યા અને તે દ્વારા ભારતની કૃષિ-વ્યવસ્થામાં ખેડૂતોનું શોષણ કરી માત્ર ભાડા પર જીવતો મધ્યસ્થીઓનો એક વર્ગ (rentier class) દાખલ કરવામાં આવ્યો.
જમીનદારી હેઠળ જમીનમહેસૂલ અંગે બે પ્રકારના કરાર કરવામાં આવતા : (1) કાયમી જમાબંધી, (2) કામચલાઉ જમાબંધી. કાયમી જમાબંધી હેઠળ જમીનમહેસૂલની રકમ સ્થાયી કે કાયમી ધોરણે નિર્ધારિત કરવામાં આવતી. આ વ્યવસ્થા બંગાળા પ્રાંતમાં, મદ્રાસ(ચેન્નાઈ) પ્રાંતના ઉત્તર ભાગમાં તથા બનારસમાં દાખલ કરવામાં આવી. કામચલાઉ જમાબંધીની વ્યવસ્થા હેઠળ જમીનમહેસૂલની રકમ જુદાં જુદાં રાજ્યોમાં 20થી 40 વર્ષના ગાળા માટે નિર્ધારિત કરવામાં આવતી અને આ રીતે તેના પુનર્નિર્ધારણની શક્યતા રહેતી. આ વ્યવસ્થા બંગાળના અમુક વિસ્તારોમાં તથા અવધ (Oudh) રાજ્યના વિસ્તારમાં દાખલ કરવામાં આવી હતી. આ બંને પદ્ધતિઓનો મૂળ ઉદ્દેશ તો સરકારી તિજોરીમાં જમીનમહેસૂલની નિશ્ચિત રકમની સમયસર ભરપાઈ કરવાની જવાબદારી નિયત કરવાનો હતો.
જમીનમાલિકીના કાયમી હકો જમીનમહેસૂલ ઉઘરાવનાર વર્ગને બક્ષવાથી જમીનદારો તેમની જમીનો પર કાયમી સ્વરૂપના સુધારાવધારા કરશે અને તેને લીધે દેશની ખેતીની પ્રગતિ થશે, કૃષિ-ઉત્પાદનમાં વધારો થશે, વધારાની જમીન ખેડાણ હેઠળ આવરી લેવામાં આવશે અને એકંદરે દેશનો ખેડૂત વર્ગ સમૃદ્ધિ હાંસલ કરશે એવી અપેક્ષા કંપનીએ રાખી હતી. જોકે કંપની પાસે અન્ય કોઈ વિકલ્પ હતો નહિ.
આ વ્યવસ્થા દાખલ થવાને લીધે કંપનીને નિશ્ચિત આવક મળતી થઈ, જમીનમહેસૂલની ઉઘરાણી પર કંપનીને જે જંગી ખર્ચ કરવો પડતો તેમાંથી કંપની મુક્ત થઈ; એટલું જ નહિ, પરંતુ કંપનીને રાજકીય રીતે વફાદાર રહે તેવો એક નવો, આર્થિક અને સામાજિક રીતે સધ્ધર વર્ગ પ્રસ્થાપિત થયો. જમીનદારી પ્રથાને લીધે બંગાળની સમૃદ્ધિમાં વધારો થયો એવી પણ એક માન્યતા છે. હકીકતમાં જમીનદારી પદ્ધતિ દાખલ થવાથી કૃષિને ગેરલાભ જ વધુ થયા છે; દા.ત., દેશની કૃષિ-વ્યવસ્થામાં માત્ર ભાડાની, અનુપાર્જિત (unearned) આવક પર જીવતો એક આળસુ, પરોપજીવી, શોષણખોર, ખેડૂતોના ભોગે મોજમજા કરતો મધ્યસ્થીઓનો વર્ગ ઊભો થયો. ખેડૂતોના ખેડહકો છીનવી લેવાયા, જમીનદારો ખેડૂતો પાસેથી મનસ્વી રીતે ઊંચાં ભાડાં ઉઘરાવવા લાગ્યા, ખેડૂતો પાસેથી ધાકધમકી દ્વારા ભાડાની ઉઘરાણી કરી શકે તેવા પેટાભાડવાતો ઊભા થયા, કૃષિસુધારણા પ્રત્યે જમીનદારો સદા-સર્વદા ઉદાસીન રહ્યા અને એકંદરે ભારતની ખેતી-વ્યવસ્થા કથળી અને વાસ્તવિક મહેનત કરનાર ખેડૂત વર્ગ પાયમાલ થયો. 1793થી 1900ના ગાળામાં જમીનના ભાડામાં ચારગણો વધારો થયો અને ત્યારપછી પણ તેમાં વધારો થતો રહ્યો. આ વ્યવસ્થાને કારણે સરકારને પણ વાર્ષિક સરેરાશ ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડતું, એવું અંદાજવામાં આવ્યું છે. કાયમી જમાબંધીને લીધે જમીનમહેસૂલના પુનરવલોકનની શક્યતા નાબૂદ થવાથી સરકારની મહેસૂલી આવકમાં સ્થગિતતા દાખલ થઈ.
આઝાદીની લડત દરમિયાન રાષ્ટ્રીય કૉંગ્રેસે દેશની કૃષિ-વ્યવસ્થામાંથી મધ્યસ્થીઓનો વર્ગ નાબૂદ કરવાનું તથા ‘ખેડે તેની જમીન’નું સૂત્ર અમલમાં મૂકવાનું વચન આપેલું. તે મુજબ 1948માં જમીનદારી પ્રથાની નાબૂદીની પ્રક્રિયા શરૂ કરવા માટે કાયદા ઘડવામાં આવ્યા. આ કાયદા હેઠળ જેમની જમીનો હસ્તાન્તર કરવામાં આવી તેમને યોગ્ય વળતર ચૂકવવાની જોગવાઈ પણ કરાઈ. આમ ભારતની કૃષિવ્યવસ્થા અને ખેડૂતવર્ગને પાયમાલ કરનાર પ્રથા આઝાદી પછી નાબૂદ કરવામાં આવી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે