અશ્મિલ દ્વિઅંગી (fossils of bryophytes) : દ્વિઅંગીઓનાં અશ્મિલો. તે જૂજ સંખ્યામાં ઉપલબ્ધ હોય છે. કારણ કે તેમનું સુકાય (thallus) ઘણું નાજુક, બટકણું અને કુમાશવાળું હોય છે. દ્વિઅંગી બે પ્રકારની છે : પ્રહરિતા (liverworts) અને શેવાળ (moss). હાલ સુધીમાં આશરે 21 પ્રહરિતા અને 14 શેવાળ પ્રકારનાં અશ્મિલો જડ્યાં છે.
શેવાળમાં કાર્બોનિફેરસ કાળમાંથી મળેલાં મુસાઇટિસ અને ઇન્ટિયાની છ જાતિઓનાં અશ્મિલો મળ્યાં છે. અશ્મિલભૂતોનાં પર્ણો જીવંતજાતિ સ્ફૅગ્નમની માફક જન્યુજનક પર્ણોમાં બે પ્રકારના કોષો ધરાવે છે : હરિતકણમય કોષો અને સફેદ કોષો. ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રદેશમાંથી ઓલીગોસીન કાળના મુસા યાર્લોનેન્સિસના ફાટે તેવા પ્રાવર(capsule)નું અસ્તિત્વ ક્લિફર્ડે 1955માં નોંધ્યું છે.
પ્રહરિતાનાં અશ્મિલો હેપેટાઇસિટિસ નામે પ્રખ્યાત છે, બધી જ જાતિઓ પૃષ્ઠ-વક્ષી (dorso-ventral) છે, પણ સાથે જનનાંગો મળી આવેલ નથી. ઇંગ્લૅન્ડના ટ્રાયેસિક સમયના ઉત્તરાર્ધમાં મળેલ અશ્મિલ નાયડીટાના જીવનક્રમની સંપૂર્ણ જાણકારી મળેલ છે. તેની અંડધાનીઓ સદંડી અને પાર્શ્ર્વીય હોય છે.
ઉપર મુજબનો ભૂસ્તરીય ઇતિહાસ દર્શાવે છે કે દ્વિઅંગીઓ અતિપ્રાચીન સમુદાય છે.
મુકુંદ દેવશંકર ભટ્ટ
સરોજા કોલાપ્પન