અશ્મિલ (fossils) : ભૂગર્ભમાં પ્રસ્તરરૂપે પરિવર્તન પામેલી સજીવોની સંપત્તિ. ઉત્ક્રાંતિ દરમિયાન અનેક જાતનાં સજીવો કાંપ અથવા ખડકોમાં સપડાયેલાં તે દટાઈને પ્રાચીન કાળથી ખડકોમાં રક્ષિત સ્થિતિમાં રહેલાં. તે અવશેષો કે છીપને અશ્મિ કહે છે. યુરેનિયમ (U238) અને કાર્બન (C14)જેવાં રેડિયો સમસ્થાનિકો(isotopes)ની મદદથી અશ્મિલોનાં પૂર્વવર્તી સજીવોના અસ્તિત્વનો સમય નક્કી થાય છે.
અશ્મિલો આગવા ઊર્જાસ્રોતનાં ઉત્પાદક છે. પેટ્રોલિયમ, કોલસો, કુદરતી વાયુ, બીટુમિનસ રેતી, તૈલી ખડક (shales) વગેરે તેનાં દૃષ્ટાંત છે. ઉત્ક્રાંતિ (evolution) અને ઉત્પત્તિ(origin)ના અભ્યાસમાં અશ્મિલો મહત્વના અંકોડા પૂરા પાડે છે.
અશ્મિભૂત પદાર્થો વિશેષત: જળકૃત ખડકોમાંથી મળે છે. જીવાવશેષોના અશ્મીભવન માટે અજારક (anaerobic) પરિસ્થિતિ અગત્યની છે. તે પ્રક્રિયામાં પેશીઓનું સૂક્ષ્મ સજીવો દ્વારા ક્રમિક ધીમું ઉપચયન (oxidation) થવાથી વનસ્પતિની કોષદીવાલમાં કાર્બન અથવા ખનિજ-દ્રવ્યોનું પ્રમાણ વધે છે. પરિણામે રક્ષકત્વચા, બીજાણુ, બીજ, પ્રકાંડ, શંકુઓ વગેરે અશ્મિલભૂત સ્થિતિમાં જળવાય છે. પ્રસ્તરીભવન(petrifaction)થી થયેલાં અશ્મિલોમાં ખનિજ દ્રવ્યોનું આસ્થાપન (deposit) થયેલું હોઈ તેમાં પેશીઓની રચના વિગતવાર જોઈ શકાય છે. અકાર્બનિક દ્રવ્યોના આસ્થાપનથી કોષદીવાલની વિસ્તૃત વિગત સૂક્ષ્મદર્શક વડે સ્પષ્ટ જોઈ શકાય છે. બીબાઢાળ (cast) તરીકે ઓળખાતા જીવાવશેષમાં લુપ્ત સજીવની આકૃતિ કે છાપ આબેહૂબ ઢળાયેલી હોય છે.
ભારતમાં બિહારની રાજમહલ ટેકરીઓના અશ્મિલ પરથી બીરબલ સાહનીએ અનાવૃતોના નવા ગોત્ર(Pentoxyleae)ની શોધ કરી છે. ગુજરાતમાં થાનગઢ, વઢવાણ, હળવદ, ધ્રાંગધ્રા, હિંમતનગરના રેતીખડકો, ભરૂચ અને સુરત નજીકના ખડકો તેમજ ભુજના ભુજિયા ડુંગર પાસેથી અશ્મિલો મળી આવ્યાં છે.
મુકુંદ દેવશંકર ભટ્ટ
સરોજા કોલાપ્પન