જનતા પક્ષ : ભારતનો એક રાજકીય પક્ષ. ભારતીય રાજકારણમાં સ્વરાજ પછીના સળંગ ત્રણ દાયકા કૉંગ્રેસની એક-પક્ષ-પ્રભાવ-પ્રથા બહુધા રહી છે. કેન્દ્ર સરકારના સ્તરે કૉંગ્રેસ સામે ઊભો થયેલો પહેલો, પ્રમાણમાં સમર્થ, જોકે ટૂંકજીવી વૈકલ્પિક પડકાર જનતા પક્ષનો લેખાશે. આ પક્ષ અવિધિસર કામ કરતો થયો જાન્યુઆરી 1977થી; અને કાળક્રમે નવા સ્થપાયેલ જનતા દળમાં તે જોડાઈ ગયો ઑક્ટોબર 1988માં; પરંતુ ભારતીય રાજકારણમાં કેન્દ્રવર્તી મહત્વનો એનો શાસનકાળ માર્ચ 1977થી જુલાઈ 1979નો હતો, અને એટલો જ સમયખંડ એના સાર્થક પ્રભાવક અસ્તિત્વનો પણ.
જૂન 1975માં કટોકટીરાજનો આરંભ થયો. 1977 બેસતાં, 18 જાન્યુઆરીએ ભારતનાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી હળવી કરી અને તરતમાં જ લોકસભાની ચૂંટણીની જાહેરાત પણ કરી. આ જાહેરાતની જોડાજોડ વિપક્ષના જે વરિષ્ઠ નેતાઓ હજી જેલમાં હતા તે પણ છૂટવા લાગ્યા, અને સંસ્થા કૉંગ્રેસ, ભારતીય જનસંઘ, સમાજવાદી પક્ષ તથા ભારતીય ક્રાંતિદળ એ ચારે બિનસામ્યવાદી પક્ષો મોરારજી દેસાઈના નેતૃત્વમાં એક પક્ષ તરીકે ચૂંટણી લડી લેશે એવો એમણે નિર્ણય લીધો.
જનતા પક્ષની સ્થાપનાનો આ નિર્ણય દેખીતો એકાએક છતાં આકસ્મિક મુદ્દલ નહોતો; કેમકે 1974થી દેશમાં જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલન સાથે લોકશાહી મૂલ્યોની રક્ષા, આર્થિક-સામાજિક ન્યાયની સિદ્ધિ અને ભ્રષ્ટાચારમુક્ત જાહેરજીવનની ર્દષ્ટિએ કૉંગ્રેસનાં વૈકલ્પિક પરિબળો નજીક આવે, એકત્ર થાય એવી હવા બંધાવા લાગી હતી. ગુજરાતના નવનિર્માણ આંદોલનને પગલે, ‘જેપી આંદોલન’ની આબોહવામાં, ગુજરાતમાં રચાયેલ જનતા મોરચાએ બિનકૉંગ્રેસી પક્ષોની એકતા અને સંભવિત અસરકારકતાનો એક દાખલો પણ જૂન 1975માં ચૂંટણીફતેહ સાથે પૂરો પાડ્યો હતો. તે પૂર્વે 1974ના વરસ દરમિયાન જ બિનકૉંગ્રેસી પક્ષોની વિકલ્પમૃગયાએ ઑગસ્ટમાં ભારતીય ક્રાંતિદળ, સંયુક્ત સમાજવાદી પક્ષ, સ્વતંત્ર પક્ષ, ઉત્કલ કૉંગ્રેસ, રાષ્ટ્રીય લોકતાંત્રિક દળ વગેરેના જોડાણ સાથે ભારતીય લોકદળ રૂપે ચૌધરી ચરણસિંહના નેતૃત્વમાં આકાર લીધો. નવેમ્બર 1974માં લોકસંઘર્ષને વરેલા બિનકૉંગ્રેસી પક્ષો, સંગઠનો ને પ્રતિભાઓ નવી દિલ્હીમાં સંમેલન રૂપે મળ્યાં. એમણે જયપ્રકાશ નારાયણના પ્રમુખપદે ને ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના રાધાકૃષ્ણનના મંત્રીપદે સંકલિત રૂપે કામ કરવાનો નિર્ણય લીધો. એ પણ નવા સંયુક્ત પક્ષની દિશામાં પૂરક ને ઉપકારક કદમ નીવડ્યું. ત્યાર પછી, ચાલુ કટોકટીએ, 1976ના વરસમાં પણ જે નેતાઓ જેલમાં નહોતા એમની વચ્ચે આ ર્દષ્ટિએ એકથી વધુ વખત વિમર્શપરામર્શ થયો. જેલમાંથી બહાર આવી મરણપથારીએથી માંડ બેઠા થયેલા જયપ્રકાશ નારાયણે તરતમાં પક્ષ કામ કરતો થશે એવો સંકેત પણ મે 1976માં આપ્યો; પરંતુ પોતપોતાની આગવી ઓળખનો આગ્રહ, નેતૃત્વનો પ્રશ્ન, કાર્યક્રમવિષયક સવાલો વગેરેની આસપાસ આ હિલચાલ રુકાવટમાં પડી.
19 જાન્યુઆરી 1977ના રોજ નવી દિલ્હીમાં મોરારજી દેસાઈના નિવાસસ્થાને મળેલી વિપક્ષી નેતાઓની બેઠક વખતે આવી તેવી રુકાવટો પાછળ મુકાઈ ગઈ, કેમકે કટોકટીના ઓથારમાંથી નીકળવા માટે આજે નહિ તો ક્યારેય નહિ એવી મનોવૈજ્ઞાનિક તીવ્રતા અનુભવાતી હતી; લઘુમતી મત અને બહુમતી બેઠકોનું કૉંગ્રેસતરફી ચિત્ર પલટવું હોય તો સંયુક્ત વ્યૂહ પરિણામદાયી હોઈ શકે એની પ્રતીતિ ગુજરાતમાં મોરચાએ કરાવી હતી, અને એ સમયખંડમાં રાષ્ટ્રજીવનના નૈતિક અંતરાત્માવત્ બની રહેલા જયપ્રકાશ નારાયણ સાફ શબ્દોમાં કહી ચૂક્યા હતા કે સાથે મળીને ચૂંટણી ન લડી શકવાના હો તો મને ઝુંબેશમાંથી બાદ ગણશો.
મોરારજી દેસાઈના પ્રમુખપદે 27 સભ્યોની કારોબારી સાથે રચાયેલા જનતા પક્ષ પાસે હજી માન્યતા ન હોઈ એણે પોતાના 4 સ્થાપકઘટકો સંસ્થા કૉંગ્રેસ, ભારતીય જનસંઘ, ભારતીય લોકદળ અને સમાજવાદી પક્ષ પૈકી લોકદળના નિશાન હલધર (હળધારી ખેડૂત) પર ચૂંટણી લડવાનું ઠરાવ્યું. બિનપક્ષીય સંગઠનો ને પ્રતિભાઓ સાથેના પરામર્શમાં તરત જ ઢંઢેરો ઘડવાનું અને ઝુંબેશ સમિતિઓને સર્વ સ્તરે સક્રિય કરવાનું પણ ઠરાવવામાં આવ્યું.
દરમિયાન ઇન્દિરા ગાંધીના સૌથી વરિષ્ઠ કૅબિનેટ સાથી બાબુ જગજીવનરામે હેમવતીનંદન બહુગુણા, નંદિની સત્પથી આદિ સાથે રાજીનામું આપી ‘કૉંગ્રેસ ફૉર ડેમોક્રસી’ સ્થાપવાનો અને જનતા પક્ષના સહયોગમાં ચૂંટણી લડવાનો નિર્ધાર જાહેર કર્યો. તે હવે એક-પક્ષ-પ્રભાવ-પ્રથા ખરે જ જઈ રહી છે એવી મનોવૈજ્ઞાનિક પ્રતીતિને સર્વસ્તરે ર્દઢાવનારી બીના બની રહી.
જનતા પક્ષનો ઢંઢેરો તત્કાળ તેમ દૂરગામી મહત્વના મુદ્દાઓની ર્દષ્ટિએ ગુણાત્મકપણે ગજું કાઢવાની સંભાવનાએ ભરેલો હતો. ‘રોટી અને આઝાદી’ બંને એવા સૂચક શીર્ષક સાથેના એના ઘોષણાપત્રની એકંદર ભૂમિકા આર્થિક-રાજકીય વિકેન્દ્રીકરણની બુનિયાદ પર રચાયેલ ન્યાયી ને મુક્ત સમાજ ભણી દોરી જતા ગાંધીવાદી સમાજવાદની હતી. એના કાર્યક્રમનો ઠીક-ઠીક મોખાનો હિસ્સો સ્વાભાવિક જ કટોકટીરાજની નાબૂદીનો તેમ લોકશાહીના પુન:સ્થાપનનાં પગલાંનો હતો. તે સાથે, મિલકતનો અધિકાર હવે મૂળભૂત અધિકાર ન રહેતાં કાનૂની પ્રક્રિયાને અધીન (justiciable) બનશે એવું એનું વલણ, કામ કરવાના અધિકારનો સ્વીકાર, તેમજ અંત્યોદયલક્ષી કાર્યક્રમની આયોજના અગાઉના લોકખુશામતી ‘ગરીબી હઠાવો’ નારાઓ કરતાં તત્વત: જુદી ને આગળ વધતી વાતો હતી. પર્યાવરણરક્ષા, પીવાલાયક ચોખ્ખું પાણી, નિરક્ષરતાનિવારણ વગેરે અગ્રતાઓ સાથેના આ ઢંઢેરાની એક વિશેષતા શાંતિમય પ્રતિકારના અધિકારના સ્વીકારની તથા પ્રજાકીય પહેલ અને સ્વૈચ્છિક ચળવળ પરત્વે સમાદરની એની ભૂમિકાની હતી.
ઝળહળતી ચૂંટણીફતેહ પછી – અને તે પણ કેવી – ઉત્તર ભારતમાં એકમાત્ર રાજસ્થાનની એક જ બેઠકના અપવાદ સિવાય બિહાર, હરિયાણા, દિલ્હી, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશની લોકસભાની સઘળી બેઠકો જનતા પક્ષને મળી. જયપ્રકાશ નારાયણ અને આચાર્ય કૃપાલાની ઉપર છોડાયેલા નિર્ણય મુજબ મોરારજી દેસાઈએ 24 માર્ચે વડાપ્રધાન તરીકે શપથ લીધા. જોકે પછીથી વિઘટન ભણી દોરી જનારી સમસ્યાઓ ત્યારે પણ હતી જ. જગજીવનરામ અને ચરણસિંહની વ્યક્તિગત મહત્વાકાંક્ષા તથા ઘટક એકમોની એકમેકને શેહ આપવાની મનોવૃત્તિ તેમજ અલગ અલગ ઉછેરના સવાલો પણ હતા જ. તેમ છતાં, પ્રધાનમંડળ રચાયું ને કામ કરતું થયું એ સાથે લોકશાહી મોકળાશ, એકંદરે સ્થિર ભાવસપાટી વગેરેનો પ્રજાકીય અનુભવ સુખદ બની રહ્યો.
મે 1977માં સંસ્થા કૉંગ્રેસ, જનસંઘ, ભાલોદ, સમાજવાદી પક્ષ અને કૉંગ્રેસ ફૉર ડેમોક્રસીના વિધિસર વિલય સાથે જનતા પક્ષે ચન્દ્રશેખરના પ્રમુખપદે વિધિવત્ એક પક્ષનું સ્વરૂપ લીધું. અલબત્ત, ત્યાર પછી પણ, સમવાયી પક્ષ અને એક પક્ષની અધવચ એવા આ પક્ષને કામકાજના ને સંગઠનબાંધણીના પ્રશ્નોમાં ખાસી અગવડ રહી – અને તે કંઈ બાળકને દાંત આવતા હોય ને થતી હોય એવા આરંભિક સ્વરૂપની સીમિત તકલીફ નહોતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય મજદૂર સંઘ, હિન્દ મજદૂર સભા, સમાજવાદી યુવજન સભા વગેરે યુવક ને શ્રમિક સંગઠનો દરેક વિસર્જિત પક્ષે પોતાનાં આગવાં રાખ્યાં. જનસંઘ એની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે છે કે જનતા પક્ષની શિસ્તમાં એવો બેવડા સભ્યપદનો વિવાદ પણ આગળ જતાં ઊઠ્યો અને ખાસો ચગ્યો. બધા જ ઘટક પક્ષો નીચેના સ્તરે લગભગ અલગ અલગ જ કામ કરતા હતા એ સંજોગોમાં સહિયારી આમબુનિયાદના વિસ્તરણની વાત કોરાણે રહી ગઈ, અને એકંદર સંગઠનમાં કેવળ કામચલાઉ જોડાણવાદ (adhocism) પ્રવર્તતો હોઈ સપ્રાણ-એકપ્રાણ હસ્તી અશક્યવત્ બની.
જનસંઘની વધતી શક્તિ સામે ઇંદિરા કૉંગ્રેસમાંથી જનતા પક્ષમાં નવી ભરતીનો વ્યૂહ વિચારનારાઓ પણ હતા. બીજી બાજુ જૂના સમાજવાદીઓ સમેત લોકદળ વતી ઇંદિરા કૉંગ્રેસના સંજય ગાંધી વગેરે સાથે રાજનારાયણ આદિ સંપર્કમાં હતા અને મોરારજી દેસાઈને સ્થાને બેસવાની ચૌધરી ચરણસિંહની મહત્વાકાંક્ષાની પૂર્તિ માટેના રસ્તાની ખોજ ચાલતી હતી. જુલાઈ 1979માં જનતા પક્ષની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત વચ્ચે ચૌધરી ચરણસિંહે છેડો ફાડવાનું વલણ લીધું તે પછી પક્ષની બહુમતી રહેતી નહોતી એટલે 15 જુલાઈએ મોરારજી દેસાઈએ રાજીનામું આપ્યું, અને 16 જુલાઈએ ચરણસિંહ ને સાથીઓએ જનતા એસ (સોશિયાલિસ્ટ) પક્ષની જાહેરાત કરી. આ નવા પક્ષને કૉંગ્રેસે ટેકો જાહેર કરતાં રાષ્ટ્રપતિએ ચૌધરી ચરણસિંહને સરકાર રચવા નિમંત્ર્યા. આ સાથે જનતા પક્ષનો લગભગ અંત આવ્યો. જાન્યુઆરી 1980માં ઇંદિરા ગાંધી વિશાળ બહુમતી સાથે પુન: વડાંપ્રધાન થયાં. અને એ રીતે લોકોએ જનતા પક્ષને એના આંતરકલહ બદલ બરાબર પાઠ શીખવતો આકરો ચુકાદો આપ્યો. તે પછી થોડા મહિનામાં જનસંઘ પણ છૂટો પડ્યો અને ભારતીય જનતા પક્ષ રૂપે કામ કરતો થયો.
એક અર્થમાં અવશ્ય એવું કહી શકાય કે ઑક્ટોબર 1988માં જનતા પક્ષને નવનિર્મિત જનતા દળ રૂપે નવું જીવન મળ્યું. તેમ છતાં, પ્રજાએ જેને જનતા પક્ષ તરીકે પ્રમાણ્યો ને પુરસ્કાર્યો એ તો 15 જુલાઈ 1979ના રોજ મોરારજી દેસાઈના રાજીનામા અને પક્ષના વિઘટન સાથે વસ્તુત: મરી પરવાર્યો.
જનતા પક્ષ, ખાસ કરીને એનું શાસન, કૉંગ્રેસની એક-પક્ષ-પ્રભાવ-પ્રથાના વિકલ્પે લોકશાહીની પુન: સ્થાપનાના તથા ભાવોની સ્થિરતાના સંદર્ભે ત્યારે પવનની તાજી લહેરખી જેવાં બની રહ્યાં હતાં; અને પછીનાં વરસોમાંયે ભારતીય રાજનીતિની વિકલ્પમૃગયામાં મરુભૂમિ વચ્ચે વીરડી સમું એનું સ્મરણ રહ્યું છે.
જાન્યુઆરી 1977માં સ્થપાયેલ મૂળ જનતા પક્ષ હવે અસ્તિત્વમાં નથી. તો પણ સુબ્રમણ્યમ્ સ્વામીના નેતૃત્વ હેઠળ તે નામ ધારણ કરેલો એક નાનો પક્ષ હજુ પણ (1995) ભારતના રાજકારણમાં ક્યારેક ડોકિયું કરી જાય છે.
પ્રકાશ ન. શાહ