છૂટક વેપાર : નાના નાના જથ્થામાં વસ્તુઓનું વેચાણ કરવું તે. ફ્રેન્ચ ભાષાના શબ્દ ‘રીટેઇલ’ પરથી અંગ્રેજી ભાષામાં ‘રીટેઇલર’ શબ્દ આવેલો છે. ઉત્પન્ન થયેલો માલ તેના ગ્રાહક સુધી પહોંચાડવા માટે અનેક કડીઓ જોવા મળે છે. ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચેની આ કડીઓમાં ગ્રાહકની દિશાએથી જોતાં તેની નજીકમાં નજીકની કડી એટલે છૂટક વેપારી. ટૂંકમાં નાના પ્રમાણમાં ખરીદી કરી ગ્રાહકને (ઉપભોગ કરનારને) પહોંચાડવાની પ્રક્રિયા. જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી કરવામાં છૂટક વેપારીએ આડતિયાનો ઉપયોગ કરેલ હોય અથવા ન પણ કરેલ હોય. આમ, વિવિધ પ્રકારના ગ્રાહકોની માગને પહોંચી વળવા માટે છૂટક વેપારમાં નાના જથ્થામાં ખરીદી કરી તેનું વિતરણ કરવામાં આવે છે.
છૂટક વેપાર દ્વારા ગ્રાહકને વિવિધ પ્રકારની સેવાઓ મળે છે. આવી સેવાઓમાં જથ્થાનું કદ, પસંદગીનું વ્યવસ્થિત ક્ષેત્ર, માલનો સંગ્રહ કરવામાંથી મુક્તિ, માહિતીની પ્રાપ્તિ, શાખની સગવડો, નવી નવી જાતના માલનું વિતરણ, ફરિયાદોનો ઝડપથી નિકાલ અને વેચાણ પછીની સેવાઓ મહત્વની છે.
છૂટક વેપાર દ્વારા જરૂરી સગવડોનું વિભાગીકરણ નીચે પ્રમાણે કરી શકાય :
– છૂટક વેપારી તરફથી વાપરનાર ગ્રાહકને મળતી સેવાઓ.
– છૂટક વેપારી દ્વારા ઉત્પાદક અને તેના જથ્થાબંધ વેપારીને મળતી સેવાઓ.
– છૂટક વેપારી તરફથી સંપૂર્ણ સમાજને મળતી સેવાઓ.
સામાન્ય રીતે ગ્રાહકો રોજ-બ-રોજ છૂટક વેપારીઓ સાથે સંપર્કમાં હોય છે. છૂટક વેપારીઓ ફેરિયા, દુકાનદાર વગેરે સ્વરૂપે જોવા મળે છે.
સંદીપ ભટ્ટ