ચૌરસિયા, પંડિત હરિપ્રસાદ (જ. 01 જુલાઈ 1938, અલ્લાહાબાદ, ઉત્તર પ્રદેશ) : ભારતના અગ્રણી બંસરીવાદક. તેમના પિતા કુસ્તીબાજ હતા અને હરિપ્રસાદે પણ કુસ્તીબાજ થવું જોઈએ એવી પિતાની ઇચ્છા હતી. પરંતુ હરિપ્રસાદ કુસ્તીમાં નબળા હતા. તેમણે શાસ્ત્રીય કંઠ્ય સંગીતની શિક્ષા પંદર વર્ષની ઉંમરે પિતાની જાણ વગર તેમના એક મિત્રના નિવાસ પર લેવાની શરૂઆત કરી. પંડિત રાજારામ તેમના ગુરુ. પરંતુ થોડાંક વર્ષો પછી તેમણે પંડિત ભોળાનાથ પ્રસન્ના પાસેથી બંસરીવાદન શીખવાની શરૂઆત કરી જે સતત આઠ વર્ષ સુધી ચાલુ રહી. 1957માં તેમણે ઓરિસાના પાટનગર કટક ખાતેના આકાશવાણી કેન્દ્ર પર સંગીતરચનાકાર તથા વાદકની નોકરી સ્વીકારી. ઘણાં વર્ષો બાદ શાસ્ત્રીય સંગીતના અગ્રણી સરોદવાદક ઉસ્તાદ અલ્લાદિયાખાં સાહેબનાં સુપુત્રી અન્નપૂર્ણાદેવીની નિશ્રામાં સઘન સંગીત શીખવાનું સદભાગ્ય પણ હરિપ્રસાદને મળ્યું હતું. તેમની ગણના ભારતના સર્વશ્રેષ્ઠ બંસરીવાદકોમાં થાય છે. સ્વર તથા લય પર તેઓ અદભુત કાબૂ ધરાવે છે. તેમનામાં પરંપરા તથા નવા સુધારા દાખલ કરવાના ગુણોનો વિચક્ષણ સંગમ થયેલો છે.
બંસરીવાદન ઉપરાંત તેમણે કેટલાંક હિંદી ચલચિત્રોમાં સંગીતનિર્દેશક તરીકે પણ કામ કર્યું છે જેમાં વિખ્યાત સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનો સાથસહકાર તેમને સાંપડ્યો છે. તેમની આ બેલડી ભારતીય ચલચિત્ર જગતમાં ‘શિવ-હરિ’ નામથી જાણીતી બની છે. આ બેલડીએ જે ચલચિત્રોમાં સંગીત-નિર્દેશન કર્યું છે તેમાં ‘ચાંદની’, ‘દાર’, ‘લમ્હે’, ‘સિલસિલા’, ‘ફાસલે’, ‘વિજય’ તથા ‘સાહિબાં’ ચલચિત્રોનો સમાવેશ થાય છે. તેલુગુ ચલચિત્ર ‘સિરિવેન્નેલા’ જેનું સંગીત નિર્દેશન કે. વી. મહાદેવને કર્યું છે તેમાં એક અંધ બંસરીવાદકની જીવની પર પટકથા પ્રસ્તુત કરવામાં આવી છે અને આ બંસરીવાદકની ભૂમિકાનું પાર્શ્વવાદન પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ કર્યું છે.
પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ માત્ર ભારતનાં ખ્યાતનામ નગરોમાં જ નહિ પરંતુ પરદેશનાં મુખ્ય નગરોમાં પણ બંસરીવાદનના એકલ કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે તથા કેટલાક વિદેશી વાદ્યકારો સાથે પણ જાહેર કાર્યક્રમો આપ્યા છે, જેમાં યહદી મેનુહિન તથા જીન-પિઅરે રામપાલનો પણ સમાવેશ થાય છે.
આકાશવાણી તથા દૂરદર્શનના ‘એ’ વર્ગના તેઓ કલાકાર છે. તેમની કેટલીક એલ. પી. ધ્વનિમુદ્રિકાઓ તથા કૅસેટો બહાર પડી છે.
પંડિત હરિપ્રસાદ ચૌરસિયાને અત્યાર સુધી (2012) મળેલાં માનસન્માન તથા ઍવૉર્ડ્ઝમાં 1984માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, 1992માં ‘કોણાર્ક સન્માન’, ‘1992માં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’, 1994માં ‘યશભારતી સન્માન’, વર્ષ 2000માં પદ્મવિભૂષણ તથા તે જ વર્ષે હાફિઝઅલીખાં ઍવૉર્ડ અને ‘દિનાનાથ મંગેશકર ઍવૉર્ડ’, 2008માં આર્ટ ઍન્ડ મ્યુઝિક ફાઉન્ડેશન, પુણે દ્વારા ‘પુણે પંડિત ઍવૉર્ડ’ અને વર્ષ 2009માં વિઝેગાપટ્ટનમ્ ખાતેના વિશાખા મ્યુઝિક ઍન્ડ ડાન્સ સંસ્થા દ્વારા ‘નાદવિદ્યાભારતી’ ઍવૉર્ડ- (નૅશનલ એમિનન્સ ઍવૉર્ડ)નો સમાવેશ થાય છે. તે જ વર્ષે નૉર્થ ઓરિસા યુનિવર્સિટીએ તેમને સંગીતના ક્ષેત્રે તેમના અસાધારણ યોગદાન માટે માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરી છે.
ભારત ઉપરાંત વિદેશની બે સંસ્થાઓએ પણ તેમનું જાહેર સન્માન કર્યું છે : (1) ઍમસ્ટરડૅમ ખાતેની ડચ રૉયલ ફૅમિલી દ્વારા ‘ઑર્ડર ઑવ્ ઑરેન્જ નૉસો’ની પદવી પ્રિન્સેસ મૉર્કસમાના હસ્તે તેમને અર્પણ કરી હતી. (2) વર્ષ 2009માં વૈશ્વિક સ્તર પર સાંસ્કૃતિક અને કલા ક્ષેત્રના તેમના યોગદાન બદલ તેમને ફ્રાન્સના પ્રજાસત્તાકના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ‘નાઇટ ઇન ધ ઑર્ડર ઑવ્ આર્ટ્સ ઍન્ડ લેટર’ની પદવી તેમને એનાયત કરી હતી.
નેધરલૅન્ડ્સના રોટરડૅમ મ્યુઝિક કન્ઝરવેટરીના વર્લ્ડ મ્યુઝિક ડિપાર્ટમેન્ટના આર્ટિસ્ટિક ડાયરેક્ટરના પદ પર તેઓ બિરાજમાન છે.
ઓરિસાના શાસ્ત્રીય સંગીતનાં જાણીતાં કલાકાર અનુરાધા સાથે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા લગ્નગ્રંથિથી જોડાયેલા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે