ચૌધરી, બહિણાબાઈ (જ. 24 ઑગસ્ટ 1880, અસોદે, જિ. જળગાંવ, મહારાષ્ટ્ર; અ. 3 ડિસેમ્બર 1951, જળગાંવ) : અગ્રણી મરાઠી કવયિત્રી. અભણ હોવા છતાં તેમનામાં કાવ્યરચનાની નિસર્ગદત્ત પ્રતિભા હતી. ખેતી અને ઘરકામ કરતાં કરતાં તેઓ સહજતાથી ઓવીઓની રચના કરતાં અને તેમને સ્વરોમાં ઢાળીને પોતે ગાતાં હતાં. તેમના પુત્ર અને કવિ સોપાનદેવ ચૌધરી તથા તેમના એક આપ્તજન બહિણાબાઈની ઉત્સ્ફુર્ત રચનાઓની નોંધ રાખતા. તેમના અવસાન બાદ વિખ્યાત મરાઠી સાહિત્યકાર આચાર્ય અત્રે(1898–1969)ના હાથમાં બહિણાબાઈની રચનાઓ આવતાં તે એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે તે પ્રકાશિત કરવાની પહેલ કરી. ‘બહિણાબાઈચી ગાણી’ આ શીર્ષક હેઠળ તેની પ્રથમ આવૃત્તિ 1952માં અને બીજી આવૃત્તિ 1969માં પ્રકાશિત થઈ અને ત્યારથી સમગ્ર મહારાષ્ટ્રમાં બહિણાબાઈનું નામ ગુંજતું થયું. આ કાવ્યસંગ્રહમાં માત્ર 35 રચનાઓ જ છાપવામાં આવી છે; પરંતુ વિદ્વાનોની માન્યતા છે કે તેમની એવી ઘણી રચનાઓ હશે જેની નોંધ રાખવામાં ન આવ્યાથી તે અર્દશ્ય થયેલી હોવી જોઈએ.
બહિણાબાઈની માતૃભાષા ખાનદેશમાં પ્રચલિત વ-હાડી (તળપદી મરાઠી) ભાષા હતી, જેમાં તેમણે તેમની ઉત્સ્ફુર્ત કાવ્યરચનાઓ કરી છે. બહિણાબાઈના રોજિંદા વ્યવહારમાં જે વિષયો તેમને સ્પર્શતા હતા તે વિષયોમાં જ તેમણે કાવ્યરચનાઓ કરી છે; દા. ત., કૃષિ, ખેતીનાં ઓજારો, તહેવારો, ભારતીય સ્ત્રીના જીવનમાં પિયર અને સાસરિયાનું મહત્ત્વ, આપણા રીતરિવાજો, ગ્રામીણ જીવનની ખૂબીઓ વગેરે.
તેમની કેટલીક રચનાઓ ગેય સ્વરૂપની હોવાથી જાણીતાં મરાઠી ગાયક-ગાયિકાઓના કંઠે તે ગવાઈ છે અને મહારાષ્ટ્રના સર્વસામાન્ય પરિવારોમાં તેમને કાયમી સ્થાન મળ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે