ભૂસ્તરીય કાળગણના

January, 2001

ભૂસ્તરીય કાળગણના (geochronology) : પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને આજ સુધીના ભૂસ્તરીય ઇતિહાસના સંદર્ભમાં જુદા જુદા કાળગાળે ઘટેલી ઘટનાઓની, ખડક સ્તરસમૂહો, સ્તરશ્રેણીઓ કે કોઈ પણ ખડક-એકમની વયગણતરીનો અભ્યાસ અથવા આ હેતુ માટે વિકસાવેલી વયનિર્ધારણ-પદ્ધતિ. કાળગણના બે રીતે થઈ શકે : નિરપેક્ષ કાળગણના (absolute chronology) અને  સાપેક્ષ કાળગણના (relative chronology). પ્રથમ પ્રકારમાં વર્ષોમાં ગણતરી મુકાય છે, જ્યારે બીજા પ્રકારમાં ખડક-રચનાઓને સમાવી લેતા યુગો, કાળ, કાલખંડ કે એકમોના સંદર્ભમાં સમયગાળાનો નિર્દેશ થાય છે.

નાનો કે મોટો કોઈ પણ સ્તરવિદ્યાત્મક એકમ ભૂસ્તરીય કાળગાળો (geochron) કહેવાય છે. પૃથ્વીના સમગ્ર ભૂસ્તરીય ઇતિહાસના સંબંધમાં કાલાનુસારી સ્તરએકમોનાં શ્રેણીબદ્ધ માળખાં ગોઠવવામાં આવે છે, તેમને મહાયુગ, કાળ, કાલખંડ વગેરે જેવા એકમોમાં વિભાજિત કરેલા છે તેમને ભૂસ્તરીય કાળગણનાત્મક એકમો – geochronologic sequence તરીકે ઓળખાવાય છે. પ્રત્યેકનું કાળગણનામાપન અમુક ચોક્કસ પદ્ધતિઓની મદદથી કરી શકાય છે, તેને ભૂસ્તરીય કાળગણનામાપન – geochronometry કહે છે.

ભૂસ્તરીય કાળગણનામાપન : પૃથ્વીના પોપડાના ખડકોનું નિરપેક્ષ વય – absolute age જાણવા માટે ઉપયોગમાં લેવાતી વિજ્ઞાનશાખા. તેમાં U238, U235, Th232, Rb87, K40 અને C14 જેવાં સમસ્થાનિકો(isotopes)નાં કિરણોત્સારી ક્ષયમાપન પર આધારિત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવેલા માપનથી પૃથ્વી અને ઉલ્કાઓનું વય મેળવી શકાયું છે (4.6 × 109 વર્ષ). પૃથ્વી પરના આજ સુધીમાં સ્થાનભેદે મળેલા જૂનામાં જૂના  ખડકોનું વયનિર્ધારણ (380 કરોડ વર્ષથી 420 કરોડ વર્ષ) કરી શકાયું છે. આ જ પ્રમાણે ભૂસ્તરીય અતીતમાં વખતોવખત ઘટેલી મહત્વની ઘટનાઓ, જુદા જુદા પ્રકારનાં જીવન-સ્વરૂપોની ઉત્ક્રાંતિનો દર, પોપડાની ઉત્ક્રાંતિ અને વિકાસમાં બનેલી મુખ્ય ઘટનાઓનો કાળ અને કાળગાળો, ખંડીય હિમનદીઓનાં અતિક્રમણ (advance) અને પીછેહઠ (retreat), માનવકાળનો ઇતિહાસક્રમ તથા સંસ્કૃતિનો વિકાસ વગેરેનાં સમયમાપન કરી શકાય છે.

પૃથ્વીનું વયનિર્ધારણ કરવા માટેની ઉપયોગમાં લેવાયેલી કણજમાવટના દર પર આધારિત પદ્ધતિ, તેમજ સમુદ્રક્ષારતામાં થતી વૃદ્ધિના દર પર આધારિત પદ્ધતિ સંપૂર્ણ સંતોષજનક પરિણામો આપી શકી નથી. ઉપર દર્શાવેલાં સમસ્થાનિક કાળમાપકોએ ભૂસ્તરીય કાળ સ્થાપિત કરવામાં ઉપયોગમાં લેવાયેલી જૂની ગુણાત્મક પદ્ધતિઓને પાછળ મૂકી દીધી છે અને તેમના ઉપયોગથી પ્રમાણભૂત માહિતી મળવી શરૂ થઈ છે.

ગિરીશભાઈ પંડ્યા