ભૂસંચલનજન્ય જીર્ણવિવૃતિ

January, 2001

ભૂસંચલનજન્ય જીર્ણવિવૃતિ (tectonic inlier-window, fenster) :  ભૂસંચલનજન્ય રચનાના ઘસારાને પરિણામે વિવૃત થયેલો નવપરિવેષ્ટિત ખડકવિભાગ. ગેડીકરણ અને સ્તરભંગ જેવી વિરૂપતાઓને કારણે ગેડવાળા પર્વતપટ્ટાઓમાં જે ખડકપટ પ્રતિબળોની અસર હેઠળ તૂટી જઈને તેના મૂળ સ્થાનેથી આશરે બે કે તેથી વધુ કિમી.ના અંતર સુધી આગળ તરફ સરકી ગયો હોય તેને નૅપ (nappe) તરીકે ઓળખાવાય છે. બીજી રીતે જોતાં, નેપ એટલે તદ્દન આછા (10°) નમનકોણવાળી સ્તરભંગ-સપાટીમાંથી સરકી ગયેલો ધસારા-સ્તરભંગની ઝૂલતી દીવાલનો ભાગ (ખડકપટ) અથવા ધસારા-સ્તરભંગને કારણે અન્યત્ર ગોઠવાયેલો વિશાળ પરિમાણવાળો ક્ષિતિજસમાંતર ગેડભુજ. આ ઘટનામાં સામાન્ય રીતે જૂના ખડકો નવી વયના ખડકોની ઉપર ગોઠવાય છે. આવા પટના કોઈક ભાગમાં જો વધુપડતો ઘસારો થતો જાય અને ઊંડાઈ સુધી વિસ્તરે તો નીચે રહેલો નવા વયનો ખડક ગોળાકારમાં વિવૃત બની રહે છે, તેમજ ચારે બાજુએ જૂના વયના ખડકથી ઘેરાયેલો નજરે પડે છે. આ પ્રકારે તૈયાર થતી વિવૃતિ ભૂસંચલનજન્ય જીર્ણવિવૃતિ કહેવાય છે.

ભૂસંચલન અથવા જીર્ણવિવૃત્તિ ગેડ સહિતનો અતિધસારો, નકશો અને છેદ. K = કિલપન, F = ભૂસંચલનજન્ય જીર્ણવિવૃતિ, AB = છેદરેખા, m = અતિધસારાની ન્યૂનતમ પહોળાઈ, XY = અતિધસાર વિભાગની મૂળ પશ્ચિમ હદ આંકડાઓ નમનકોણ દર્શાવે છે.

સામાન્ય જીર્ણવિવૃતિમાં જૂનો ખડક નવા વયના ખડકથી ઘેરાયેલો હોય છે. અહીં ‘જીર્ણવિવૃતિ’ શબ્દ એટલા માટે વપરાય છે કે તે સામાન્ય જીર્ણવિવૃતિની જેમ જ થાળામાં કે V-આકારયુક્ત ખીણ વિભાગોમાં મળે છે. અન્યત્ર ઉપર રહેલા નૅપનો જૂના ખડકનો, ઘસારો પામેલો ને છૂટો પડી ગયેલો અવશિષ્ટ ભાગ જો તેની નીચે રહેલા નવા ખડકથી ઘેરાયેલો મળી આવે તો તેને ‘ક્લિપ’ (klippe) અથવા ઘસારાની નવવિવૃતિ કહેવાય છે. આલ્પ્સમાં રહેલો ‘માઇથેન પીક’ ભાગ ક્લિપનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.

હિમાલયમાં સોલોન અને સુબાથુની પડોશમાં ક્રોલ નૅપના ઉપર રહેલા પર્મોકાર્બોનિફેરસ ખડકોની નીચેથી તૃતીય જીવયુગના સ્તરો ભૂસંચલનજન્ય જીર્ણવિવૃતિઓ-સ્વરૂપે વિવૃત થયેલા છે. એ જ રીતે શાલી-સતલજ વિસ્તારમાં ઊર્ધ્વ પૅલિયોઝોઇક અને ટર્શ્યરી સ્તરોથી બનેલા નવી વયના ખડકો, ઉપર રહેલા ચૈલ ખડકોના આવરણના ઘસારાથી ભૂસંચલનજન્ય જીર્ણવિવૃતિ સ્વરૂપે ખુલ્લા થયેલા છે.

ગિરીશભાઈ પંડ્યા