ભૂરાં ફૂદાં : તુવેર, ચોળા, વાલ અને કેટલાક અન્ય કઠોળના પાકને નુકસાન કરતાં ફૂદાં. રોમપક્ષ શ્રેણીની આ જીવાત લેમ્પિડ્સ બોઇટિક્સના વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. આ જીવાતની ફૂદીની પાંખની પ્રથમ જોડ ભૂરા રંગની હોવાથી તે ભૂરાં પતંગિયાં તરીકે ઓળખાય છે. ગોળ ટપકાંવાળી તેની બીજી જોડ પાંખની પાછળની ધારે હોય છે અને એક કાંટા જેવો ભાગ હોય છે. આ ફૂદીઓ દિવસે જમીનથી લગભગ 2થી 5 ફૂટની ઊંચાઈએ ઊડતી જોવા મળે છે. આ જીવાતની માદા ફૂદી યજમાન છોડના કુમળા ભાગ તથા શિંગો ઉપર લીલાશ પડતાં વાદળી રંગનાં રકાબી આકારનાં ગોળ ઈંડાં મૂકે છે. ઈંડાં 4થી 6 દિવસમાં સેવાતાં તેમાંથી નાની ઇયળ બહાર નીકળી આવે છે, જે આછા લીલા રંગની કાળા માથાવાળી ખરબચડી ચામડીવાળી અને કાચબા જેવા આકારની હોય છે. તેના શરીર પર લાલ રંગની ઊભી લીટી હોય છે. તે શરીર પર છૂટાછવાયા ટૂંકા વાળ ધરાવે છે. ઇયળ ફૂલ, કળીઓ અને કુમળી શિંગોમાં દાખલ થઈ પરાગ કે દાણા કોરી ખાય છે.

ઇયળ શરૂઆતની અવસ્થામાં 6થી 9 દિવસ સુધી દાણા કે ફૂલોની અંદર રહે છે અને ત્યારબાદ બહાર આવી 3થી 5 દિવસ શિંગોના મુખ આગળ અનિયમિત આકારનાં કાણાં પાડે છે. તેનો ઉપદ્રવ ખાસ કરીને ઑક્ટોબર–નવેમ્બર માસમાં વધારે જોવા મળે છે. તેના નિયંત્રણ માટે એન્ડોસલ્ફાન 0.07 % અથવા મોનોક્રોટોફોસ 0.04 % અથવા ક્લોરપાયરીફોસ 0.04 % પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ