ચોરઘડે, વામન કૃષ્ણ (જ. 16 જુલાઈ 1914, નારખેડ, જિ. નાગપુર; અ. 1 ડિસેમ્બર 1995) : મરાઠી વાર્તાકાર તથા અનુવાદક. તેમણે સમગ્ર શિક્ષણ નાગપુર ખાતે મેળવ્યું. તેમણે મરાઠી તથા અર્થશાસ્ત્રમાં એમ.એ. અને બી.ટી. કર્યા પછી વર્ધાના વાણિજ્ય મહાવિદ્યાલયમાં વાણિજ્ય અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે 1949થી 1970 સુધી અધ્યાપનકાર્ય કર્યું. થોડો વખત નાગપુર ખાતે ઉપાચાર્યપદે રહ્યા અને વિશ્વવિદ્યાલયની વિવિધ સમિતિઓના પ્રમુખ રહ્યા.
વર્ધામાં તેઓ ગાંધીજીના પ્રભાવ હેઠળ આવ્યા અને 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં જોડાયા, જેલવાસ પણ ભોગવ્યો. 1932માં તેમની પ્રથમ વાર્તા ‘અમ્મા’ પ્રસિદ્ધ થઈ. તેમણે 11 વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમાં ‘સુષમા’ (1936), ‘હવન’ (1938), ‘યૌવન’ (1941), ‘પ્રસ્થાન’ (1945), ‘પાથેય’ (1946), ‘સંસ્કાર’ (1950), ‘પ્રદીપ’ (1954), ‘ઓંજળ’ (1957), ‘મજાલ’ (1963), ‘બેલા’ (1964) અને ‘ખ્યાલ’(1973)નો સમાવેશ થાય છે. તેમની વાર્તાઓમાં ગાંધીવિચારનો પ્રભાવ જોવા મળે છે.
તેમણે કાકાસાહેબ કાલેલકરના સહકારથી વિદર્ભના લોકસાહિત્યનું ‘સાહિત્યાંચે મૂળધન’ (1938) નામે સંપાદન કર્યું. લોકકથાઓના ત્રણ સંગ્રહો – ‘ચંપારાણી’ (1944), ‘પ્રભાવતી’ (1945) અને ‘અબોલી ભાગ્યવતી’(1950)નું સંકલન તેમણે કર્યું. વળી તેમણે ‘અહિંસેચી સાધના’ (1945), ‘અહિંસાવિવેચન’ (1949), ‘આમચ્યા દેશાચે દર્શન’ (1943), ‘ભક્તિકુસુમે’ (1944), ‘લાટાંચે તાંડવ’ (1945) નામક કાકાસાહેબ કાલેલકરના સ્થળવર્ણનના ગ્રંથોનો તથા ‘માઝે ઘર’ (1946) નામના સ્થાપત્યકલા વિશેના ગ્રંથનો અનુવાદ કર્યો છે. ‘કાળ બદલલેલા આહે’ (1948) તેમના પ્રકીર્ણ લેખોનો સંગ્રહ છે. આ ઉપરાંત માધવ સાવંત સાથે તેમણે ‘મરાઠી-હિન્દુસ્તાની કોશ’નું સંપાદન કર્યું (1943) છે.
‘પાથેય’ અને ‘પ્રદીપ’ માટે મધ્ય પ્રદેશની સરકારે તેમને 1954–55માં પુરસ્કૃત કર્યા હતા. ‘ચોરઘડે યાંચી કથા’ નામના તેમના વાર્તાસંગ્રહને 1961–62માં મહારાષ્ટ્ર સરકારે પુરસ્કાર આપ્યો હતો. 1966માં ‘સંપૂર્ણ ચોરઘડે’ને બંગ સાહિત્ય સંમેલન તરફથી ‘યુગાંતર’ પારિતોષિક તથા 1967માં નાગપુર વિશ્વવિદ્યાલય તરફથી સુવર્ણચન્દ્રક પ્રદાન થયા હતાં.
ચન્દ્રકાન્ત મહેતા