ચોક : પેટ્રોલ એન્જિનમાં દહન માટે પેટ્રોલ-વાયુના મિશ્રણમાં વાયુના પ્રમાણનું નિયંત્રણ કરતો પડદો. સામાન્યત: તે બટરફ્લાય પ્રકારનો હોય છે અને કાર્બ્યુરેટરના વાયુના અંદર જવાના માર્ગમાં રહેલો હોય છે.
એન્જિનને પ્રથમ વખત શરૂ કરવાનું હોય ત્યારે તે ઠંડું હોય છે. આ સમયે ચોક આંશિક બંધ હોય છે. તેથી એન્જિનના નળામાં જતા પેટ્રોલ-વાયુના મિશ્રણમાં પેટ્રોલનું પ્રમાણ વધુ હોય છે. તેનાથી એન્જિન શરૂ થવામાં અને ગરમ (warm-up) થવામાં સરળતા રહે છે. એક વખત એન્જિન ચાલુ થઈને ગરમ થાય, ત્યારબાદ પેટ્રોલ-વાયુના મિશ્રણમાં પેટ્રોલનું પ્રમાણ ઓછું જોઈએ છે. તેથી પાછળના સમયે ચોક ખૂલતો જાય છે અને મિશ્રણમાં વધુ વાયુ જવા દે છે. તેથી મિશ્રણમાં પેટ્રોલ અને વાયુનો ગુણોત્તર બદલાતો જાય છે. ઈંધણના સંપૂર્ણ દહન માટે સામાન્યત: પેટ્રોલના ભાર કરતાં વાયુનો ભાર 15 ગણો જરૂરી હોય છે (Petrol to Air ratio-by weight = 1 : 15). આ રીતે ચોક પેટ્રોલની વપરાશ ઘટાડે છે તથા એન્જિનમાંથી દહન પછી નીકળતા વાયુમાં (exhaust gas) કાર્બન અને કાર્બન મૉનોક્સાઇડ તથા ડાયૉક્સાઇડ જેવા વાયુનું પ્રમાણ ઘટાડે છે.
ચોકનું નિયમન સ્વયંસંચાલિત હોય છે, અથવા માનવ દ્વારા થતું હોય છે. સ્વયંસંચાલિત ચોકનું કાર્ય આકૃતિમાં દર્શાવેલું છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્બ્યુરેટર તરફ જતા વાયુના માર્ગમાં ચોક પડદો હોય છે. આ ચોક બીજા આવાસન(housing)માં બેસાડેલા દંડ કે શાફ્ટ સાથે જોડેલો હોય છે. દંડ(શાફ્ટ)નું સંચાલન દ્વિ-ધાતુ કમાન વડે થતું હોય છે.
એન્જિનને શરૂ કરવામાં આવે ત્યારે ચોક પટલની જમણી તરફનો વાયુ કાર્બ્યુરેટરમાં ખેંચાતાં ત્યાં વાયુનું દબાણ ઘટે છે. આ અંશત: શૂન્યાવકાશ પિસ્ટન ઉપર કાર્ય કરતાં શૂન્યાવકાશને કારણે ચોક પટલ ઘડિયાળની દિશામાં ફરે છે, એટલે કે અંશત: ખૂલે છે. તેથી થોડો વાયુ કાર્બ્યુરેટર તરફ આગળ વધે છે. જ્યારે એન્જિન ગરમ થાય ત્યારે નિષ્કાસન (એક્ઝોસ્ટ) મેનિફોલ્ડમાંના નિષ્કાસિત વાયુનો થોડો જથ્થો આકૃતિમાં દર્શાવેલ નળી દ્વારા દ્વિ-ધાતુ કમાનવાળા આવાસનમાં પ્રવેશે છે અને દ્વિ-ધાતુ કમાનને ગરમ કરે છે. ગરમ થયેલી કમાન દંડ ઉપર દબાણ વધારીને ચોક પટલને વધુ ખુલ્લો કરે છે. જ્યારે એન્જિન બંધ કરવામાં આવે ત્યારે ઊંધી પ્રક્રિયા થતાં ચોક પટલ બંધ સ્થિતિમાં આવી જાય છે.
હરેશ જ. જાની