ચેમ્બરલિન, એડવર્ડ હેસ્ટિંગ્ઝ (જ. 18 મે 1899, લા કાનેર, વૉશિંગ્ટન, અમેરિકા; અ. 16 જુલાઈ 1967, કેમ્બ્રિજ, મૅસચૂસેટ્સ, અમેરિકા) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. શરૂઆતમાં આઇવા, મિશિગન તથા હાર્વર્ડ વિશ્વવિદ્યાલયોમાંથી સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો. 1927માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી અને સમગ્ર વ્યાવસાયિક કારકિર્દી ત્યાં જ પૂરી કરી. પીએચ.ડી. માટેના તેમના મહાનિબંધને આધારે 1933માં તેમણે ઇજારાયુક્ત હરીફાઈનો સિદ્ધાંત રજૂ કર્યો. અર્થશાસ્ત્રના બજાર અંગેના પ્રચલિત સિદ્ધાંતો – પૂર્ણ હરીફાઈ અને એકહથ્થુ ઇજારાની વિભાવનાઓની સરખામણીમાં ચેમ્બરલિનનો ઇજારાયુક્ત હરીફાઈ અંગેનો સિદ્ધાંત બજારની વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે અને તેટલે અંશે તે વધુ તર્કશુદ્ધ ગણાય છે. બજારમાં મોટા ભાગની પેઢીઓ ન તો પૂર્ણ હરીફાઈની શરતોને સંપૂર્ણપણે અધીન વેચાણ કરતી હોય છે કે ન તો એકહથ્થુ ઇજારાની સ્થિતિ દ્વારા સમગ્ર બજાર પર વર્ચસ્ ધરાવતી હોય છે. હકીકતમાં આ બંનેની વચ્ચેની સ્થિતિ બજારમાં પ્રવર્તે છે, જેમાં દરેક પેઢી અમુક અંશે ઇજારો ધરાવતી હોવા છતાં સમકક્ષ અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતી અન્ય પેઢીઓ સાથે તેમને હરીફાઈ કરવી પડે છે. આવી વસ્તુઓનું ઉત્પાદન કરતી અનેક પેઢીઓના સમૂહને ‘ઉદ્યોગ’ નહિ, પરંતુ ‘જૂથ’ કહેવામાં આવે છે. આવા જૂથની દરેક પેઢી વસ્તુવિકલન (product differentiation) તથા વેચાણ ખર્ચ(selling cost)નો સહારો લઈને પોતપોતાના વેપારી માર્કા- (brand)ને આધારે આંશિક ઇજારાની સ્થિતિ પ્રાપ્ત કરે છે. અર્થશાસ્ત્રમાં બજારના વિશ્લેષણમાં ચેમ્બરલિન દ્વારા પ્રસ્તુત વસ્તુવિકલનનો ખ્યાલ એક નવું સીમાચિહ્ન ગણાય છે.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘થિયરી ઑવ્ મનૉપલિસ્ટિક કૉમ્પિટિશન’ (1937) ‘ટૉઅર્ડ્ઝ અ મોર જનરલ થિયરી ઑવ્ વૅલ્યૂ’ (1957) તથા ‘ધી ઇકનૉમિક ઍનેલિસિસ ઑવ્ લેબર યુનિયન પાવર’ (1958) નોંધપાત્ર ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે