ભૂમધ્ય સમુદ્ર

January, 2001

ભૂમધ્ય સમુદ્ર : યુરોપ અને આફ્રિકા ખંડની વચ્ચે આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : આ સમુદ્ર આશરે 30°થી 46° ઉ. અ. અને 5° 50´ પ. રે. થી 36° પૂ. રે. વચ્ચે પથરાયેલો છે. તેની ઉત્તરે યુરોપ, પૂર્વ તરફ એશિયા, દક્ષિણ તરફ આફ્રિકા તથા પશ્ચિમ તરફ જિબ્રાલ્ટરની સામુદ્રધુની સહિત આટલાંટિક મહાસાગર આવેલો છે. તે બધી બાજુએ ખંડોના ભૂમિભાગોથી ઘેરાયેલો હોવાથી તે ભૂમિબંધિયાર સમુદ્ર ગણાય. પશ્ચિમે જિબ્રાલ્ટરની સામુદ્રધુનીથી માંડીને પૂર્વમાં ઇસ્કન્દરોનના અખાત સુધીની તેની મહત્તમ લંબાઈ આશરે 3,700 કિમી. તથા ઉત્તરે યુગોસ્લાવિયા કિનારથી દક્ષિણે લિબિયાના કિનારા સુધીની તેની પહોળાઈ આશરે 1,368 કિમી. જેટલી છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 25,03,000 ચોકિમી. (તથા મૃત સમુદ્ર સહિતનું ક્ષેત્રફળ 29,66,000 ચોકિમી.) જેટલું છે. તેની સરેરાશ ઊંડાઈ 1,470 મીટર છે. આ સમુ્દ્ર 42,40,000 ઘન કિમી. જેટલો જળરાશિ ધરાવે છે.

વર્તમાન ભૂમધ્ય સમુદ્ર ભૂસ્તરીય ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા ટેથિઝ મહાસાગરના અવશેષરૂપ છે. તેના વર્તમાન આકાર માટે આલ્પ્સ-ગિરિનિર્માણક્રિયા જવાબદાર છે. ભૂમધ્ય સમુદ્રના ઉત્તર અને દક્ષિણ કિનારાઓના આકારમાં ઘણો તફાવત છે. ઉત્તરનો આખો કિનારો અખાતો, નાના સમુદ્રો અને ભૂશિરોથી ખૂબ જ અનિયમિત છે; ગ્રીસનો દક્ષિણ કિનારો અને તુર્કીનો પશ્ચિમ કિનારો ઘણી ખાંચાખૂંચીવાળો છે. દક્ષિણ તરફનો દરિયાકિનારો પ્રમાણમાં સીધો છે અને કિનારા પરના ભૂમિભાગો નીચા છે. આથી અહીં કુદરતી બંદરોનો અભાવ વરતાય છે.

આબોહવા : આ સમુદ્રની આજુબાજુના પ્રદેશોની આબોહવા વિશિષ્ટ પ્રકારની હોવાથી તેને ભૂમધ્ય પ્રકારની આબોહવા (Mediterranean climate) નામથી ઓળખવામાં આવે છે. અહીં ઉનાળા ગરમ અને સૂકા, તથા શિયાળા હૂંફાળા અને ભેજવાળા હોય છે. આ પ્રદેશોમાં વરસાદ શિયાળામાં પડે છે. લિબિયાના કિનારા નજીક સપાટીજળનું તાપમાન ઑગસ્ટ માસમાં 30° સે. જેટલું ઊંચું રહે છે, જ્યારે ઉત્તરમાં ઍડ્રિયાટિક સમુદ્રના જળની સપાટીનું તાપમાન ફેબ્રુઆરી માસમાં 5° સે. જેટલું નીચું રહે છે. ઊંડાઈએ સમુદ્રજળ થીજી ગયું હોય એવી ઘટના જવલ્લે જ અનુભવાય છે. 1,000 મીટરની ઊંડાઈએ જળનું સરેરાશ તાપમાન 12.9° સે., જ્યારે 3,500 મીટરની ઊંડાઈએ 13.1° સે. જેટલું રહે છે.

ભૂમધ્ય સમુદ્ર અને આજુબાજુના કેટલાક પ્રદેશો

આ સમુદ્ર પશ્ચિમ તરફ જિબ્રાલ્ટરની સામુદ્રધુની દ્વારા આટલાંટિક મહાસાગર સાથે જોડાયેલો છે, જ્યારે પૂર્વ તરફ કાળા સમુદ્ર સાથે બૉસ્પોરસની સામુદ્રધુની દ્વારા તથા રાતા સમુદ્ર સાથે સુએઝની નહેર દ્વારા જોડાયેલો છે. સમુદ્રના મોટાભાગની ઊંડાઈ 3,000 મીટરથી વધુ છે; જ્યારે આયોનિયન સમુદ્રફાંટાની પશ્ચિમે તેની વધુમાં વધુ ઊંડાઈ 5,092 મીટર છે. દક્ષિણ ઇટાલીથી આફ્રિકાના કિનારા સુધીના સમુદ્રતળ પર ડુંગરધારો વિસ્તરેલી છે. આ ડુંગરધારોને કારણે ભૂમધ્ય સમુદ્ર પૂર્વ અને પશ્ચિમ વિભાગોમાં વહેંચાઈ જાય છે. આ બંને વિભાગો પણ ફરી નાની ગિરિમાળાઓથી વધારે પેટા વિભાગોમાં વહેંચાય છે. આ વિભાગો અને પેટાવિભાગોને કારણે ભૂમધ્ય સમુદ્રના કેટલાક ભાગોનાં નામ તેમના પ્રાદેશિક વિસ્તારોને અનુલક્ષીને પાડવામાં આવેલાં છે : પશ્ચિમે બેલિયેરિક, લિગુરિયન, આલ્બૉરન અને તિરહેનિયન; પૂર્વમાં ઍડ્રિયાટિક, આયોનિનન, ઈજિયન અને મારમરાનો સમુદ્ર. આ સમુદ્રમાં નાના–મોટા ઘણા ટાપુઓ પણ આવેલા છે; તે પૈકી બેલિયેરિક, કૉર્સિકા, સાર્ડિનિયા, ઈજિયન, સાયક્લેડ્ઝ, સાયપ્રસ, ક્રીટ અને રોડ્ઝ મુખ્ય છે. ગ્રીસ અને ઇટાલી વચ્ચેના ભાગમાં અસંખ્ય નાના ટાપુઓ આવેલા છે. આ સમુદ્રમાં યુરોપની આર્નો, પો તેમજ આફ્રિકાની નાઇલ નદીઓનાં પાણી ઠલવાય છે. નદીઓનાં સ્વચ્છ જળ સમુદ્રના ખારાવાળા પાણીમાં ભળે છે.

ભૂમધ્ય સમુદ્ર ચારેય બાજુએ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો હોવાથી ખુલ્લા મહાસાગર કરતાં તેની ક્ષારતા પ્રમાણમાં વધુ છે. પશ્ચિમ ભાગમાં તેની ક્ષારતા 36.3 % જેટલી, જ્યારે લેવન્ટ (જિબ્રાલ્ટર) પાસે 34 % જેટલી ક્ષારતા રહે છે. આ કારણે ઓછી ક્ષારતાવાળાં આટલાંટિક મહાસાગરની સપાટીનાં પાણી ઉપરના સપાટી-પ્રવાહ તરીકે ભૂમધ્ય સમુદ્ર તરફ વહે છે; જ્યારે નીચે તરફનાં ભૂમધ્ય સમુદ્રનાં પાણી આટલાંટિક મહાસાગર તરફ વહે છે. પૂર્વ ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં વરસાદ ઓછો, બાષ્પીભવન ઝડપી તેમજ નદીઓ બહુ ઓછા પ્રમાણમાં સ્વચ્છ પાણી લાવતી હોવાથી ક્ષારતાનું પ્રમાણ વધુ રહે છે. વળી આ સમુદ્ર લગભગ ભરતીરહિત રહે છે. આ બધાં કારણે આ સમુદ્રમાં મત્સ્ય-ઉદ્યોગનો પૂરતા પ્રમાણમાં વિકાસ થઈ શક્યો નથી.

મત્સ્યસંપત્તિ, ખનિજસંપત્તિ : ભૂમધ્ય સમુદ્રના જળવિસ્તારોમાંથી અમુક પ્રમાણમાં વિવિધ જાતની માછલીઓ પકડવામાં આવે છે. તે પૈકી ફ્લાઉન્ડર, સોલ્સ, ટરબૉટ. વ્હાઇટિંગ્ઝ, કાગર્સ, રેડ મુલેટ, ગોબિસ, રેડફિશ અને પાન્ડોરસ મુખ્ય છે.

સમુદ્રકિનારાના વિસ્તારોમાં મીઠું પકવવામાં આવે છે. 1980થી ઇટાલી, લિબિયા, અલ્જીરિયા અને ઇજિપ્ત નજીકના કિનારાના ભાગોમાંથી ખનિજતેલ અને કુદરતી વાયુ મેળવવામાં આવે છે. ગ્રીસ, સ્પેન તથા ટ્યુનિશિયાએ પણ તે મેળવવા પ્રયાસો કર્યા છે. લિબિયાને કિનારે આવેલો બૌરીનો જળવિસ્તાર વિપુલ પ્રમાણમાં  ખનિજતેલની સંપત્તિ ધરાવતો વિસ્તાર ગણાય છે. આ સંપત્તિની ઉપલબ્ધિને કારણે અહીંના ભાગોમાં ઉદ્યોગો તેમજ વસાહતોનો વિકાસ થયો છે; પરંતુ તેને પરિણામે સમુદ્રજળ પણ પ્રદૂષિત થતું જાય છે.

ભૂમધ્ય સમુદ્રની આજુબાજુ ઘણા દેશો આવેલા હોવાથી તે જળમાર્ગ તરીકે ઘણો ઉપયોગી બની રહેલો છે. એક તરફ તે હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર અને રાતા સમુદ્ર સાથે સુએઝ નહેર મારફતે જોડાયેલો હોવાથી તથા બીજી તરફ જિબ્રાલ્ટરની સામુદ્રધુની મારફતે આટલાંટિક મહાસાગર સાથે જોડાયેલો હોવાથી વહાણો અને મુસાફરો માટે અવરજવર તેમજ હેરફેરની સુવિધા ઊભી થયેલી છે. વળી તેના કાંઠાના પ્રદેશોમાં તેમજ ઘણા ટાપુઓ પર સહેલાણી મથકો પણ વિકસ્યાં છે. ભૂમધ્ય સમુદ્રની આજુબાજુના દેશોને પ્રાચીન સંસ્કૃતિના ધામ તરીકે ગણવામાં આવે છે. આ સમુદ્રના કાંઠે દક્ષિણ યુરોપ અને ઉત્તર આફ્રિકાના પ્રદેશોમાં સંસ્કૃતિ અને સામ્રાજ્યો ઉદય પામ્યાં, સમૃદ્ધ થયાં અને આથમી ગયાં. તે પૈકી ગ્રીસ, રોમ અને ઇજિપ્તનાં સામ્રાજ્યો અને સંસ્કૃતિઓ વિશેષ ઉલ્લેખનીય છે.

નીતિન કોઠારી