ભૂપૃષ્ઠસંચલન (ભૂસંચલન)

January, 2001

ભૂપૃષ્ઠસંચલન (ભૂસંચલન) : પૃથ્વીના પોપડામાં થતી મોટા પાયા પરની વિરૂપતાઓ કે વિક્ષેપક્રિયાઓ. વિરૂપતામાંથી ખંડનિર્માણ, ગિરિનિર્માણ, મહાસાગરથાળાં, ઉચ્ચપ્રદેશો, ગેડીકરણ, સ્તરભંગક્રિયા, ઊર્ધ્વગમન, અવતલન વગેરે ક્રિયાઓ થતી હોય છે. ભૂપૃષ્ઠસંચલન એ પૃથ્વીના પોપડામાં થતો એવો ભૌતિક ફેરફાર છે, જેનાથી ઉપર્યુક્ત લક્ષણો જન્મે છે. ખંડનિર્માણક્રિયામાં તથા ગિરિનિર્માણક્રિયામાં અનુક્રમે ખંડો અને પર્વતોની રચના થતી હોય છે.

પૃથ્વીનો પોપડો ક્યારેય શાંત સ્થિતિમાં હોતો નથી, તે સતત એક કે બીજા પ્રકારનાં તણાવ અને દાબનાં પ્રતિબળોની જુદી જુદી કે સંયુક્ત અસર હેઠળ રહેલો હોય છે. પૃથ્વીનું અક્ષભ્રમણ, પેટાળનું તાપમાન, પેટાળમાં રહેલાં દ્રવ્યોનો ઘનતાભેદ જેવાં પરિબળોની સંયુક્ત અસરથી તણાવ-દાબનાં પ્રતિબળો પેદા થતાં રહે છે અને તેમાંથી ઓછીવત્તી વિરૂપતાઓ ઉદભવે છે. પૃથ્વીનાં પડો-આવરણોમાં વળાંકો (flextures), ગેડીકરણ, સ્તરભંગક્રિયા, ભૂકંપ, જ્વાળામુખી, ઊર્ધ્વગમન તથા અવતલન જેવા ભૌતિક સ્થિતિના ફેરફારો સર્જાય છે. તેમને ભૂપૃષ્ઠસંચલન કે ભૂસંચલનના બહોળા નામથી ઓળખાવાય છે.

ભૂસંચલનના બે મુખ્ય પ્રકારો છે : (1) ખંડનિર્માણ અને (2) અધ:ગિરિનિર્માણ. અન્ય લક્ષણોનો આ બે પ્રકારોમાં સમાવેશ થઈ જાય છે. ખંડનિર્માણક્રિયામાં ખંડો કે તેમના ભાગોનું નવનિર્માણ થતું હોય છે. તેમાં ઊર્ધ્વ અને અધ:પ્રકારનું (ઊર્ધ્વગમન-અવતલન) સ્થાનિક રીતે સામેલ હોય છે. ભૂકંપ કે જ્વાળામુખી પ્રસ્ફુટન જેવી એકાએક થતી ક્રિયાઓ પણ ખંડનિર્માણ સાથે જોડાયેલી હોય છે. ખંડનિર્માણમાં મોટેભાગે તો ભૂપૃષ્ઠનો વિસ્તાર વધતો હોય છે, તેને પરિણામે સમુદ્રસપાટીના ફેરફારો થતા હોય છે. સમુદ્રસપાટીના ફેરફારોને દરિયાઈ અતિક્રમણ તથા દરિયાઈ અપક્રમણ (પીછેહઠ) કહે છે. ગિરિનિર્માણમાં નવેસરથી પર્વતો કે પર્વતસંકુલો રચાતા હોય છે. ભૂપૃષ્ઠતકતીસંચલન પર્વતરચનાનું મુખ્ય કારણ ગણાય છે. હિમાલય, આલ્પ્સ જેવી પર્વતરચનાઓ આ રીતે જ ઉદભવેલી છે; દા.ત., ખંડીય અપવહનની ક્રિયામાં જ્યારે ભારતીય દ્વીપકલ્પનો ખંડવિભાગ ક્રમશ: ખસતો ખસતો આવીને એશિયાઈ વિશાળ ખંડ સાથે અથડાયો અને ભૂપૃષ્ઠતકતીસંચલનની બે સામસામી અભિકેન્દ્રિત કિનારીઓ બનાવી, ત્યારે ભારતીય તકતી એશિયાઈ તકતી નીચે દબતી ગઈ. દબાવાની આ વિશિષ્ટ કાર્યપદ્ધતિમાં તત્કાલીન ટેથિયન કણનિક્ષેપ ભીંસાયો અને હિમાલય-પર્વતો  રૂપે ઉત્થાન પામ્યો. ગિરિનિર્માણક્રિયા સામાન્ય રીતે તો આશરે પ્રત્યેક 80 ± કરોડ વર્ષને કાળગાળે થતી રહેતી હોય છે. તેની ચાલુ રહેવાની અવધિ 20થી 80 કરોડ વર્ષ વચ્ચેની ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા