ભાર્ગવ, પ્રમીત (જ. 21 ઑક્ટોબર 1982, સૂરત, ગુજરાત) : ગુજરાતના 19 વર્ષીય યુવા-તરણ-સ્પર્ધક. તેમને ગુજરાત સીનિયર તરણ ચૅમ્પિયનશિપના 1997, 1999 અને 2000ના વર્ષના એવૉર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.
ગુજરાત એસ. એસ. સી. બૉર્ડના બારમા ધોરણમાં ઉત્તીર્ણ થયા બાદ તે હાલ (2001) દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બી. કૉમ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
સત્તરમા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાત રાજ્ય તરફથી ભાગ લઈને તેમણે 5 સુવર્ણ, 4 રજત અને 3 કાંસ્ય ચંદ્રકો મેળવ્યા. 1998, 1999, 2000નાં વર્ષ માટે નાસિક અને પતિયાળા ખાતે ઑલ ઇન્ડિયા સ્કૂલ એક્વૅટિક્સમાં ભાગ લીધો. ગુજરાતમાંથી વ્યક્તિગત નૅશનલ ચૅમ્પિયનનો એવૉર્ડ મેળવનાર તે એકમાત્ર સ્પર્ધક હતા.
1998માં અગિયારમી આઇએસએફ વર્લ્ડ જિમ્નાસિયાડ(શાંઘાઈ, ચીન)માં ભારત તરફથી ભાગ લઈ તેમણે 200 બટરફ્લાયમાં અઢારમું સ્થાન મેળવ્યું તેમજ 1999માં નવી દિલ્હી ખાતે તેરમી એશિયા પેસિફિક એજ ગ્રૂપ સ્વિમિંગ ઍન્ડ ડાઇવિંગ ચૅમ્પિયનશિપમાં ભારત તરફથી ભાગ લઈને 400 વ્યક્તિગત મિડલેમાં નવમું સ્થાન પ્રાપ્ત કર્યું.
આ માટે ગુજરાત રાજ્યના 1998–99ના વર્ષના ‘જયદીપસિંહજી એવૉર્ડ’ તથા 1997–98, 1998–99 અને 1999 –2000નાં વર્ષ માટે ગુજરાતના ‘રાજ્ય રમતવીર ઍવૉર્ડ’ તથા અમદાવાદ-નૉર્થ ગુજરાતના જાયન્ટ્સ ગ્રૂપ દ્વારા 1997ના ગુજરાતના શ્રેષ્ઠ ખેલાડી તરીકેના ‘જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ઍવૉર્ડ’થી તેમનું સન્માન કરાયું છે.
તરણસ્પર્ધાઓમાં તેમની ઉપર્યુક્ત શ્રેષ્ઠ સિદ્ધિઓ બદલ વિવિધ સ્તરે તેમને 89 (મોટાભાગના નવા રેકૉર્ડ સાથેના) સુવર્ણચંદ્રક, 19 રજતચંદ્રક અને 24 કાંસ્યચંદ્રકો મળીને કુલ 132 ચંદ્રકો પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા