ભારતીય દંડસંહિતા અથવા ફોજદારી કાયદો

January, 2001

ભારતીય દંડસંહિતા અથવા ફોજદારી કાયદો

(Indian Penal Code)

પોલીસ-અધિકારક્ષેત્રને અધીન ગણાતા ગુનાઓને લગતો ભારતનો કાયદો. આ કાયદો વ્યક્તિના કેટલાક પ્રાથમિક હકોને, બીજી વ્યક્તિઓ દ્વારા થયેલા અતિક્રમણ (violation) સામે રક્ષણ આપવાનું એક સાધન છે. વ્યક્તિના પોતાના જાનમાલની સલામતીને લગતા, તેના સ્વાતંત્ર્યને લગતા અને એને પોતાની રીતે જીવન જીવવાના અધિકારોના સમૂહને વ્યક્તિગત અથવા અંગત અધિકારો ગણવામાં આવે છે.

ફોજદારી કાયદો વ્યક્તિના જાનમાલની સલામતી માટે તથા તેના નાગરિક અધિકારોના રક્ષણાર્થે અમુક નિયમો બનાવે છે અને આ નિયમોના ભંગ માટે દંડ (સજા) નિર્ધારિત કરે છે. સજાઓનો અમલ કરવા માટે કાર્યવહી કરનારી તંત્ર-વ્યવસ્થા તે સ્થાપે છે. ભારતીય દંડસંહિતા (Indian Penal Code) અથવા ભારતીય ફોજદારી કાયદો, ફોજદારી કાર્યરીતિ સંહિતા (Criminal Procedure Code) અને ભારતીય પુરાવા અધિનિયમ (Indian Evidence Act) ઉપરાંત વિવિધ ફોજદારી કાયદાઓ અને ન્યાયતંત્ર આનાં ઉદાહરણો ગણાવી શકાય.

ફોજદારી કાયદો સાર્વજનિક કાયદો (Public Law) છે અને તે અપરાધવિજ્ઞાન(science of criminology)ની એક શાખા છે.

કયાં કૃત્યોને શિક્ષાપાત્ર ગુનાઓ ગણવાં અને કયાંને નહિ તે બાબત જે તે રાજ્યની શાસન-પ્રણાલી તથા શાસકોની જે તે સમયની વિચારસરણી પર નિર્ભર છે. સાચું તો એ છે કે જો શાસન ન હોત તો કાયદા ન હોત, અને જો કાયદા ન હોત તો કાયદેસરના અપરાધીની વ્યાખ્યા પણ ન થઈ શકી હોત. જ્યારે કોઈ નવો દંડલક્ષી ધારો ઘડાય અને તેનો અમલ કરાય ત્યારે તે અગાઉ જે કાર્યો અપરાધ ગણાતાં ન હતાં તે નવા કાયદા અન્વયે અપરાધ બને છે; દા.ત., દહેજ પ્રતિબંધક ધારો ઘડાયો અને અમલી બન્યો તે પહેલાં દહેજની આપલેનું કાર્ય કાયદામાં ગુનો ગણાતું ન હતું. આથી ઊલટું, જ્યારે કોઈ જૂનો દંડલક્ષી ધારો રદ કરવામાં આવે ત્યારે અગાઉ જે કાર્યો અપરાધ તરીકે શિક્ષાપાત્ર ગણાતાં હોય તે એ પછી કરવાથી કોઈ અપરાધગત જવાબદારી ઉપસ્થિત થતી નથી. જ્યારે શાસનતંત્ર બદલાય અથવા તો શાસકોના વિચારો કે વિચારસરણીમાં પરિવર્તન આવે ત્યારે દંડલક્ષી કાયદાની વિગતો અને તેનો વ્યાપ પણ બદલાય છે; તેથી જ કહેવાયું છે કે ફોજદારી કાયદો જે તે સમયની પ્રવર્તમાન સભ્યતા અને સંસ્કૃતિનો અરીસો છે.

ફોજદારી કાયદો સાર્વજનિક કાયદાની એક શાખા છે. એને જુદા જુદા ગુનાઓ સાથે સંબંધ હોય છે. આ ગુનાઓ આચરનાર સામે ફોજદારી કાર્યવહી શરૂ કરી ગુનેગારોને પ્રવર્તમાન કાયદા મુજબ શિક્ષા કરવામાં આવે છે. જે કાર્ય કે કાર્યલોપ (omission) માટે પોલીસ દ્વારા આવી કાર્યવહી શરૂ થઈ શકતી હોય તે કાર્ય કે કાર્યલોપને ફોજદારી ગુનો કહે છે. જ્યારે કોઈ વ્યક્તિનું કાર્ય, રાજ્ય કે સમાજ વિરુદ્ધનું ગણાતું હોય ત્યારે તેને અપરાધ કે ગુનો કહે છે; પરંતુ જ્યારે તેવું કાર્ય કોઈ વ્યક્તિને નુકસાન કે ઈજા પહોંચાડતું હોય ત્યારે તેને અપકૃત્ય (delict; tort) કહે છે.

ફોજદારી કાયદાનું ઊગમસ્થાન વેરની વસૂલાતના નિયમ(Law of Revenge)માં રહેલું છે. એનો ઉદ્દેશ માનવીની સ્વતંત્રતાની અનિયંત્રિત અને અર્દશ્ય ક્ષિતિજોને એવી રીતે સીમિત બનાવવાનો છે કે જેથી હરેક વ્યક્તિને સમાન ધોરણે પ્રાપ્ત થાય અને એ એનાં કાર્યો સ્વતંત્રતાથી, કોઈ પણ જાતના ભય વિના કરી શકે. ફોજદારી કાયદો સબળ સામે નિર્બળને રક્ષે છે અને કાયદાનું ઉલ્લંઘન કરનારને શિક્ષા પહોંચાડે છે. આ કાર્ય કાયદો શાસનની દંડશક્તિના પીઠબળ(sanction)ને આધારે કરે છે; તેનાથી માનવીની સ્વતંત્રતા અવરોધાય છે એમ કહી શકાય નહિ. ઊલટાનું, આના પરિણામસ્વરૂપે માનવીની સ્વતંત્રતા વધુ વિસ્તૃત અને વ્યવસ્થિત બને છે. ફોજદારી કાયદો અમુક પ્રકારની માનવપ્રવૃત્તિઓને અટકાવવા માટે પ્રતિબંધો દાખલ કરે છે, એની જાહેરાત કરે છે અને આ પ્રકારે દાખલ કરવામાં આવેલા પ્રતિબંધોના ભંગ માટે તે સજા કરે છે. ફોજદારી કાયદો એક તરફ વ્યક્તિના હકો અને સ્વાતંત્ર્યને રક્ષે છે તો બીજી તરફે તે રાજ્યને અને નાગરિકોને વિવિધ પ્રકારની હાનિઓ સામે રક્ષણ આપે છે. આમ ફોજદારી કાયદો પરસ્પરવિરોધી અને સંઘર્ષરત કહેવાય તેવાં હિતો વચ્ચે કાયદામાન્ય સુવર્ણમધ્ય (golden mean) શોધી આપવાની એક કોશિશ છે.

ફોજદારી જવાબદારી (Criminal liability) : અપરાધ માટે જવાબદાર થવું એટલે પોતાના કાર્યથી ફોજદારી જવાબદારી વહોરી લેવી. વ્યક્તિ જે કરવું જોઈએ તે કાર્ય ન કરે, અને જે ન કરવું જોઈએ તે કરે (કાર્યલોપ) એમાંથી આવી જવાબદારી પેદા થાય છે. ફોજદારી જવાબદારી કાયદાએ માનવીને આપેલો પડકાર છે, જેનાં મૂળ રાજ્યની સર્વોચ્ચ સત્તામાં પડેલાં છે. વ્યક્તિ એ પડકારને ઉવેખી શકતી નથી. એને તાબે થયા સિવાય એની પાસે કોઈ વિકલ્પ રહેતો નથી.

ફોજદારી જવાબદારીનો ઉદય ક્રમશ: થયો. શરૂઆતમાં ગુનાઓની યાદી ટૂંકી હતી, પરંતુ વિકાસના ક્રમિક તબક્કામાં ન્યાયતંત્ર અને શિક્ષા કરવા માટેના કાયદાઓમાં ક્રમશ: સુધારો થતો ગયો. આ તબક્કા દરમિયાન ફોજદારી કાયદાના નીચે દર્શાવેલા બે સિદ્ધાંતો વિકાસ પામ્યા : (1) અપરાધ કરવાનો દુષ્ટ ઇરાદો (evil intent) ન હોય તો વ્યક્તિને શિક્ષા ન કરવી; (2) જ્યાં સુધી તહોમતદારની ગુનેગારી પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને નિર્દોષ માનવો. પ્રથમ સિદ્ધાંત વિશે લૅટિન સૂત્ર છે : દુષ્ટ ઇરાદા વિના કોઈ ગુનો બનતો નથી (actus non facit reum, nisi meus sit rea). અર્થાત્ દુષ્ટ ઇરાદો અને પ્રતિબંધિત કાર્ય એ બેના મિશ્રણથી અપરાધ બને છે. ભારતીય ફોજદારી ધારાએ આ સિદ્ધાંત સ્વીકાર્યો છે. ગુનાના ભૌતિક તત્વને ગુનાઇત કાર્ય (actus reus) અને માનસિક તત્વને ગુનાઇત ઇરાદો (mens rea) કહે છે.

ભારતીય ફોજદારી ધારામાં જુદા જુદા અપરાધોની વ્યાખ્યા આપી છે. એમાં આરોપીના કાર્ય અને તેની માનસિક સ્થિતિ બંનેનો ઉલ્લેખ છે; દા.ત., આરોપીએ અમુક કાર્ય જાણીબૂજીને, સ્વેચ્છાપૂર્વક, અપ્રામાણિકપણે, કપટપૂર્વક કે તત્સમ અન્ય રીતે કર્યું હોવું જોઈએ. જ્યાં ઇરાદાની કે જાણકારી(જ્ઞાન / knowledge)ની જરૂરત હોય ત્યાં પણ એનો કેવો ઇરાદો કે જાણકારી હોવાં જોઈએ એ સ્પષ્ટ રીતે દર્શાવેલું છે. પરિણામે, ભારતીય ફોજદારી ધારામાં જવાબદારીની વ્યક્તિલક્ષી (subjective) અને વ્યક્તિનિરપેક્ષ (objective) કસોટી એમ બંને કસોટીઓ કામે લગાડવામાં આવી છે.

ફોજદારી જવાબદારી ઉપસ્થિત થવા માટે નીચેની બાબતો પુરવાર કરવી પડે :

(i) આરોપીનું વર્તન (કાર્ય કે કાર્યલોપ), (ii) કાયદાએ નિર્દિષ્ટ કર્યા હોય તે સંજોગોનું અસ્તિત્વ, (iii) આરોપીથી પ્રતિબંધિત કાર્ય થયું હતું (નિર્દિષ્ટ પરિણામ), (iv) આરોપીનું વર્તન સ્વેચ્છાપૂર્વકનું હતું, (v) આરોપીને એનાં કાર્ય કે કાર્યલોપનાં પરિણામો વિશેની સભાનતા હતી.

પ્રથમ ત્રણ મુદ્દાઓને ભૌતિક અને બાકીના બે મુદ્દાઓને માનસિક તત્વ ગણવામાં આવે છે.

અપરાધ : કાયદાનું માત્ર ઉલ્લંઘન એ અપરાધ નથી; દા.ત., કરારભંગ કરવો એ ગુનો નથી; પરંતુ કાયદો જે કાર્ય કરવાની મનાઈ ફરમાવે છે, તે કરવું એ અપરાધ છે કારણ કે કાયદા મુજબ જે કાર્ય સમાજની નીતિવિષયક સમજને આઘાત પહોંચાડે છે. જોકે સમાજની નીતિવિષયક સમજ સ્થળ, સમય અને સંજોગાનુસાર બદલાય છે, તેથી આ સાધારણ વિધાન અપરાધની નક્કર વ્યાખ્યા કરવા કે તેને  સારી પેઠે સમજાવવાને અસમર્થ છે. એક સમયે સતી થવાનો ધાર્મિક રિવાજ ભારતીય સમાજ દ્વારા સ્વીકૃત હતો, પરંતુ આજે તે અપરાધ ગણાય છે. ગઈ કાલનું સત્કૃત્ય આજે અપરાધ બની શકે છે અને એથી વિપરીત પણ એટલું જ સાચું છે. અપરાધની વિષયસામગ્રી (content) બદલાતી હોવાથી તેની કાલસિદ્ધ વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. અપરાધ શું છે એ એના વર્ણનથી અને ચર્ચાથી જ સમજી શકાય તેમ છે.

નૈતિક અપકૃત્ય (moral wrong), દીવાની અપકૃત્ય (civil wrong) અને કરારભંગ(breach of contract)થી અપરાધ એ અલગ બાબત છે. ‘નૈતિક અપકૃત્ય’ શબ્દાવલીનો અર્થ વિશાળ છે, તેમાં અપરાધ પણ સમાવિષ્ટ થાય; પરંતુ દરેક નૈતિક અપકૃત્ય એ કાયદાની પરિભાષામાં અપરાધ નથી અને દરેક અપરાધ એ નૈતિક અપકૃત્ય નથી; દા.ત., રસ્તાની ડાબી બાજુએથી વાહનો હાંકવાં, લાલબત્તી હોય ત્યારે વાહન થંભાવવું એ નિયમોનો ભંગ અપરાધ બને છે, પરંતુ એ નૈતિક અપકૃત્ય નથી. દીવાની અપકૃત્યની સરખામણીમાં અપરાધ એ વધુ ગંભીર અપકૃત્ય છે. અમુક દીવાની અપકૃત્યો અપરાધ પણ હોઈ શકે છે; દા.ત., બદનક્ષી, ચારિત્ર્ય ખંડન વગેરે. પરંતુ બધા અપરાધો દીવાની અપકૃત્યો હોતાં નથી અને બધાં દીવાની અપકૃત્યો(= અપકૃત્યો = torts) અપરાધો પણ હોતાં નથી. કરારભંગને કારણે તેનો ભોગ બનેલો નાગરિક અદાલતમાં દાવો કરી વળતર મેળવી શકે છે; પરંતુ અપરાધ માટે અપરાધીને ન્યાયાલય મારફત શિક્ષા કરાવવી પડે છે. દીવાની અપકૃત્ય માટેની કાર્યવહીનો હેતુ વળતર કે નુકસાની અપાવવાનો છે, જ્યારે અપરાધ માટેની ફોજદારી કાર્યવહીનો હેતુ અપરાધીને શિક્ષા પહોંચડાવાનો છે. ટૂંકમાં, એમ કહી શકાય કે અપરાધ એ માનવીનું એક એવું સમાજવિરોધી કાર્ય છે જેને રાજ્યની સાર્વભૌમ સત્તા અટકાવવા માગે છે. એ માટેનાં પગલાં રાજ્યના પીઠબળની ધમકી અથવા શિક્ષા તરીકે ઉપસ્થિત થાય છે. જે પગલાં કે કાર્યવિધિથી અપરાધીનો અપરાધ પુરવાર કરાય છે અને તે માટેની જે એક વિશિષ્ટ પ્રકારની કાર્યવહી છે તેને ફોજદારી કાર્યવહી કહે છે.

કોઈ પણ કાર્ય અપરાધમાં પરિણમે એ પહેલાં એ નીચેના તબક્કાઓમાંથી પસાર થાય છે : (i) ઇરાદો (intention), (ii) તૈયારી (preparation), (iii) પ્રયત્ન અથવા કોશિશ (attempt) અને (iv) સમાપ્તિ (completion). જ્યાં સુધી કોઈ કાર્ય પ્રથમ બે તબક્કાઓમાં જ સીમિત રહે ત્યાં સુધી તેનાથી સામાન્ય રીતે ફોજદારી જવાબદારી ઉપસ્થિત થતી નથી; પરંતુ જ્યારે તે ત્રીજા અને ચોથા તબક્કામાંથી પસાર થાય છે ત્યારે તેવું કૃત્ય કરનાર માટે આવી જવાબદારી ઉપસ્થિત થાય છે. કોઈ કાર્ય અપરાધ બનવાના દ્વિતીય તબક્કામાં છે કે તેણે ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે એ પુરાવાની બાબત છે. એક સમયે એમ માનવામાં આવતું હતું કે પ્રયત્નનું પરિણામ આવવું જ જોઈએ, એટલે કે અપરાધ કરવાના પ્રયત્નનું પરિણામ અપરાધ કરવામાં આવવું જ જોઈએ; પરંતુ આ બાબત સ્વીકારવામાં આવી નથી કેમ કે દરેક કિસ્સામાં પ્રયત્ન સફળ થાય જ એવું બને નહિ.

અપરાધ પ્રત્યેનો વર્તમાન અભિગમ પ્રયોજનાત્મક અથવા કાર્યલક્ષી (functional) છે એટલે કે વર્તમાન સમયમાં અપરાધની વિભાવના અને અપરાધનો કાયદો એ બંનેનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરવાનો છે. વુલ્ફેન્ડન કમિટી રિપૉર્ટ (1958) પ્રમાણે ફોજદારી કાયદાનું પ્રયોજન જાહેર વ્યવસ્થા અને શિષ્ટતા જાળવવાનું, નાગરિકોને માટે જે હાનિકારક અને તેમને ન ગમે તેવું હોય તેનાથી તેમને રક્ષવાનું, અન્ય વ્યક્તિઓ દ્વારા તેમનું શોષણ ન થાય તે જોવાનું તથા જેઓ બાલ્યાવસ્થામાં છે, શારીરિક અને માનસિક રીતે નબળા અને બિનઅનુભવી છે તેમને બીજાઓ ભ્રષ્ટ અને પતિત ન બનાવે તેવો પ્રબંધ કરવાનું છે. આમ હોવા છતાં એ વાત પણ એટલી જ સાચી છે કે નાગરિકોના ખાનગી જીવનમાં દખલગીરી કરવાનો કાયદાનો કોઈ હેતુ કે કાર્ય હોઈ શકે નહિ. ઉપરાંત, અગાઉ જણાવેલ હેતુઓ સિદ્ધ કરવા માટે જરૂરી હોય તેના કરતાં વધારે ગણાય તેવી વર્તન કે વ્યવહારની વિશિષ્ટ તરેહ લાદવાનો પણ કાયદાનો ઇરાદો હોઈ શકે નહિ.

ભારતીય ફોજદારી કાયદો (Indian Penal Code)

ભારતમાં બ્રિટિશરોના આગમન પછી, સને 1833ના ચાર્ટર ઍક્ટની કલમ 40 હેઠળ, બ્રિટિશ હસ્તકના ભારત માટે એક સામાન્ય અને એકસરખો (common and uniform) ફોજદારી કાયદો ઘડી કાઢવા માટે લૉ કમિશન નીમવામાં આવ્યું. ટૉમસ બેબિંગ્ટન મૅકોલે એનો ચૅરમૅન હતો અને મૅક્લિયોડ, ઍન્ડરસન અને મિલેટ એના સદસ્યો હતા. આ કમિશને 1837માં આ વિશે પોતાનો અહેવાલ આપ્યો. આમાં વિવિધ સુધારાવધારા કરી 6 ઑક્ટોબર 1860ના રોજ લેજિસ્લેટિવ કાઉન્સિલે તેને પસાર કર્યો. કલકત્તા ગૅઝેટમાં તા. 13, 17 અને 20–10–1860ના રોજ તે પ્રસિદ્ધ થયો અને તેનો અમલ તા. 1 જાન્યુઆરી, 1862થી કરવામાં આવ્યો. ભારતીય દંડસંહિતા ‘ઇન્ડિયન પીનલ કોડ’ એ ભારતને બ્રિટિશ રાજ્યકર્તાઓની એક અણમોલ દેણ છે. 1862થી તે ભારતમાં અમલી છે. એમાં બદલાતા સમયના સંદર્ભમાં પણ કોઈ ખાસ ફેરફારો કરવાની જરૂર જણાઈ નથી, જોકે હવે નવા નવા અપરાધો ઉપસ્થિત થઈ રહ્યા હોવાથી એ પુનરવલોકન માગી લે છે.

વર્તમાન ભારતીય ફોજદારી કાયદાને બે વિશાળ ખંડોમાં વહેંચી શકાય : (i) ફોજદારી કાયદાના સામાન્ય સિદ્ધાંતો (પ્રકરણ 1થી 5–એ અને 23) અને (ii) વિશિષ્ટ અપરાધો (પ્રકરણ 6થી 22).

પ્રકરણ 1 (ક. 1થી 5) ફોજદારી કાયદાનો અમલ અને તેના અમલના ક્ષેત્રવિસ્તાર વિશે છે. પ્રકરણ 2માં સંહિતા(code)માં વપરાયેલા અને વારંવાર આવતા શબ્દો વિશે સામાન્ય સમજૂતી (general explanations) – ક. 6થી 52–એ) આપવામાં આવી છે. પ્રકરણ – 3 (ક. 53થી 75) શિક્ષા વિશે છે. પ્રકરણ 4 સામાન્ય અપવાદો (general exceptions) વિશે છે (ક. 76થી 106). સંહિતાનાં પ્રકરણોમાં વ્યાખ્યાબદ્ધ રીતે જણાવેલા અપરાધોને તેના વિશિષ્ટ બચાવો તો છે જ, પરંતુ પ્રકરણ 3માંના અપવાદોમાંથી લાગુ પડતા અપવાદોને પણ બચાવ તરીકે આગળ ધરી અપરાધની જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે. તેથી આ અપવાદોને સર્વસાધારણ અપવાદો કહ્યા છે. પ્રકરણ 5 દુષ્પ્રેરણ અથવા ઉત્તેજન (abetment – ક. 107થી 120) વિશે અને પ્રકરણ 5 – એ ગુનાઇત કાવતરા વિશે છે. પ્રકરણ 23 અપરાધ કરવાના પ્રયત્ન (attempts to commit offences – ક. 511) વિશે છે.

પ્રકરણ 6થી 22માં દર્શાવેલા વિશિષ્ટ અપરાધોને ચાર પેટા વિભાગોમાં દર્શાવી શકાય : (1) રાજ્ય સંબંધી અપરાધો, (2) માનવ-શરીરસંબંધી, લગ્નસંબંધી અને માનવીની આબરૂ સંબંધી અપરાધો, (3) મિલકત સંબંધી અપરાધો અને (4) સામાન્ય સુખાકારી સંબંધી અપરાધો.

પ્રકરણ 6ની કલમો 121થી 130 રાજ્ય સંબંધી અપરાધો અને પ્રકરણ 7ની કલમો 131થી 140 લશ્કર, નૌકાદળ અને હવાઈ દળ સંબંધી અપરાધો વિશે જણાવે છે.

પેટાવિભાગ(2)માં માનવશરીરસંબંધી અપરાધોમાં (i) માનવજીવનને લગતા અપરાધો (પ્રક. 16, ક. 299થી 311); (ii) બળજબરીથી ગર્ભપાત કરાવવો, અજાત વ્યક્તિને ઈજા કરવી, બાળકોને ત્યજી દેવાં (પ્રક. 16, ક. 312થી 318); (iii) ઈજા (પ્રક. 16, ક. 319થી 338); (iv) ગેરકાયદે અંકુશ અને ગેરકાયદે કેદ (પ્રક. 16, ક. 339થી 348); (v) ગુનાઇત બળ અને હુમલો (પ્રક. 16, ક 349થી 358); (vi) અપહરણ (kidnapping), અપનયન (abduction), ગુલામી, વેઠ (forced labour) (પ્રક. 16, ક. 359થી 374) અને (vii) જાતીય અપરાધો (sexual offences) પ્રક. 16, ક. 377) મુખ્ય છે. લગ્નસંબંધી ગુનાઓ પ્રક. 20 અને 20–એમાં (ક. 493થી 498–એ) જણાવ્યા છે, જેમાં દ્વિપત્નીત્વ કે દ્વિપતિત્વ, વ્યભિચાર અને ફોસલાવીને ઉપાડી જવાના તથા સ્ત્રી પ્રત્યે ક્રૂરતા દાખવવાના ગુનાઓ અગત્ય ધરાવે છે. માનવીની આબરૂ સંબંધી અપરાધો પ્રક. 20, ક. 499થી 502માં અને અપરાધગત ધમકી, અપમાન અને ચિડવણી સંબંધી અપરાધો પ્રકરણ 22, ક. 503થી 510માં જણાવ્યા છે.

પેટાવિભાગ 3માં મૂર્ત અને અમૂર્ત મિલકત વિશેના અપરાધો પ્રક. 17 (ક. 378થી 462) અને પ્રક. 18 (ક. 463થી 489–ઈ)માં દર્શાવ્યા છે; જેમાં ચોરી, બળજબરીથી કઢાવવું, લૂંટ અને ધાડ, ગુનાઇત ઉચાપત, ગુનાઇત વિશ્વાસભંગ, ચોરીનો માલ રાખવો, ઠગાઈ, ખોટા દસ્તાવેજો બનાવી મિલકતનો નિકાલ કરવો, બગાડ અને ગુનાઇત દુષ્પ્રવેશના અપરાધો મુખ્ય છે.

પેટાવિભાગ 4માં સામાન્ય સુખાકારીને લગતા અપરાધો (પ્રક. 8થી 15 અને 19) જણાવ્યા છે, જે આ પ્રમાણે છે : (i) જાહેર શાંતિ વિરુદ્ધના અપરાધો (પ્રક. 8, ક. 141થી 160); (ii) જાહેર સેવકોને લગતા અપરાધો (પ્રક. 9, ક. 167થી 171); (iii) ચૂંટણી અંગેના અપરાધો (પ્રક. 9–એ, ક. 171–એથી 171–આઇ); (iv) કાયદેસરની સત્તાનો અનાદર (પ્રક. 10, ક. 172થી 190); (v) જાહેર ન્યાય વિરુદ્ધના અપરાધો (પ્રક. 11, ક. 191થી 229); (vi) સિક્કા અને સરકારી સ્ટૅમ્પ અંગેના અપરાધો (પ્રક. 12, ક. 230થી 263–એ); (vii) તોલ-માપ અંગેના અપરાધો (પ્રક. 13, ક. 264થી 267); (viii) જાહેર સ્વાસ્થ્ય, સલામતી, ઔચિત્ય અને નીતિમત્તા અંગેના અપરાધો (પ્રક. 14, ક. 268થી 294–એ); (ix) ધર્મસંબંધી અપરાધો (પ્રક. 15, ક. 295થી 298); અને (x) સેવાના કરાર અંગેના અપરાધો (પ્રક. 19, ક. 491).

વ્હાઇટ કૉલર અપરાધો (white collar crimes) : ભારતીય ફોજદારી કાયદામાં ઉપર જણાવ્યા છે તે અપરાધો સિવાય વર્તમાન સમયની પેદાશ રૂપે નવા નવા અપરાધો જે સામાન્ય અપરાધો કરતાં અનેકગણી તીવ્રતા અને વ્યાપ ધરાવે છે. તેની પણ નોંધ કાયદાએ લેવી રહી. ફોજદારી કાયદો એકલે હાથે આવા અપરાધોને નાથવા માટે અસમર્થ છે.

વ્હાઇટ કૉલર અપરાધો કરનારા સમાજના નીચલા સ્તરના સામાન્ય માનવીઓ નથી, પરંતુ સત્તાસ્થાને બેઠેલા મધ્યમવર્ગીય માનવીઓ અને કંપનીઓમાં ઉચ્ચ સ્થાને બેઠેલા મૅનેજરો, વ્યાવસાયિકો, વ્યવસ્થાપકો ને સંચાલકો છે. આવા અપરાધોનો ભોગ સમાજનો સામાન્ય માનવસમૂહ બને છે. વ્હાઇટ કૉલર અપરાધો પાછળનું ચાલક બળ યેનકેન પ્રકારેણ ધન અને સુખસગવડો મેળવી લેવાની અતિ લાલસા છે. આવા અપરાધની વ્યાખ્યા કરવી લગભગ અશક્ય છે. કેમ કે, તેના પ્રકારો અને તેની યુક્તિઓ અસંખ્ય હોય છે અને તેમાં સતત વધઘટ થયા કરે છે. સામાન્ય અપરાધથી વ્હાઇટ કૉલર અપરાધ અલગ પડે છે. સામાન્ય અપરાધ પાછળ તીવ્ર માનસિક લાગણીઓ કે આવેગ રહેલાં હોય છે. ત્યારે વ્હાઇટ કૉલર અપરાધ શિક્ષિત કે સત્તાધારી વ્યક્તિ દ્વારા, પૂરી ગણતરી સાથે, લાગણીના પૂરમાં જરાયે તણાયા વિના બેરહમીથી કરાય છે. પ્રથમનો ભોગ બનનાર એક કે વધુ વ્યક્તિઓ હોઈ શકે ત્યારે બીજાનો ભોગ સમગ્ર સમાજ બને છે. પ્રથમનો વ્યાપ સંકીર્ણ છે, બીજાનો વિશાળ. પ્રથમ આચરનાર સમાજમાં વ્યક્તિગત રીતે કલંકિત બની જીવે છે, બીજામાં તેનો કર્તા સમાજમાં તેના મોભા અને માનને ઠેસ પહોંચાડ્યા વિના જીવી શકે છે. પ્રથમમાં બળપ્રયોગ મુખ્ય છે, બીજામાં કપટ, અપ્રામાણિકતા, ઉચાપત, ઠગાઈ અને નાણાકીય ગેરવ્યવહારો દેખા દે છે. સામાન્ય અપરાધમાં સંડોવાયેલાં નાણાંની સરખામણીમાં વ્હાઇટ કૉલર અપરાધમાં સંડોવાયેલાં નાણાં કરોડોમાં થવા જાય છે. આવા અપરાધોને તેથી વ્હાઇટ કૉલર અપરાધો, જાહેર કલ્યાણ વિરુદ્ધના અપરાધો (public welfare offences), સામાજિક–આર્થિક અપરાધો (socio-economic crimes) અથવા બિનપરંપરાગત અપરાધો (non-traditional crimes) કહે છે.

આવા અપરાધોને, તેમની તપાસ કરવા તથા તે અંગે જરૂરી સૂચનો કરવા ખાસ નિમાયેલી ‘સંથાનમ્ કમિટી’એ નીચે પ્રમાણેના આઠ સમૂહમાં વહેંચ્યા છે :

(1) દેશની આર્થિક સ્થિતિ અને પ્રગતિને રૂંધી તેમાં રુકાવટ નાખતા અને તેને ભયમાં મૂકતા અપરાધો; (2) કાયદેસરના કરવેરામાંથી છટકી જવા ગેરકાયદે ઉપાયો અજમાવવા, (3) જાહેર મિલકત મેળવવા અને તેનો નિકાલ કરવામાં જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરવો; ખોટા પરવાના અને પરમિટો કાઢી આપવાં; (4) જાહેર સંસ્થાઓ સાથે કરેલા કરાર પ્રમાણે તેમને નિર્દિષ્ટ કરેલી વિગતોવાળો માલસામાન પૂરો ન પાડી તેમાં ભ્રષ્ટાચાર આચરવો; (5) નફાખોરી કરવી, કાળાંબજાર કરવાં, સંઘરો કરવો અને ટોળીઓ રચી એ માટે કૌભાંડો આચરવાં; (6) ખાદ્ય પદાર્થો, દવાઓ અને સૌંદર્યપ્રસાધનોમાં ભેળસેળ કરવી; (7) જાહેર મિલકતો અને ભંડોળોમાંથી ચોરી અને ઉચાપત કરવાં; (8) પરવાનાં, પરમિટો અને ક્વોટાનો ગેરકાયદે ધંધો કરવો. આ યાદીમાં હજુ ઉમેરાને અવકાશ છે જેમ કે : (9) કેફી અને પ્રતિબંધિત પદાર્થો વેચવા અને તે અંગેના કાયદાઓનો ભંગ કરવો; (10) દાણચોરી કરવી, ભાવતાલનાં ખોટાં બિલો બનાવી ઓવર-ઇન્વૉઇસિંગ અથવા અન્ડરઇન્વૉઇસિંગ કરવું અને પરિણામે ફૉરેન એક્સ્ચેન્જ રેગ્યુલેશન્સનો ભંગ કરવો; (11) તોલમાપ અને બીજાં ધારાધોરણો અંગેના કાયદાનો ભંગ કરવો; (12) માપબંધી અને ગેસ્ટ-કંટ્રોલ આદેશનો ભંગ કરવો; (13) નિગમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં અયોગ્ય રીતે એકહથ્થું સત્તા હાંસલ કરી, કપટ અને અન્ય અયોગ્ય રસ્તા અજમાવી તેનાં નાણાંની ગોલમાલ અને ઉચાપત કરવી; (14) કાળું નાણું પેદા કરવામાં અને અયોગ્ય રસ્તા અજમાવવામાં વ્યાવસાયિકો પણ પાછા પડ્યા નથી. ડૉક્ટરો, વકીલો, ઇજનેરો, શિક્ષકો, વૈજ્ઞાનિકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને મિલકત તથા ઝવેરાતના મૂલ્યાંકનકર્તાઓ પણ તેમને લગતાં ધારા-ધોરણોનો ભંગ કરી અપરાધના ભાગીદારો બને છે.

સરકારનું કોઈ પણ અંગ ભ્રષ્ટાચાર અને લાંચરુશવતના ભરડામાંથી મુક્ત રહી શક્યું નથી, કારણ કે તેમની મદદ વિના ઉપર દર્શાવેલ અપરાધો કરી શકાતા નથી. મુંબઈના એક વખતના ડી.આઇ.જી. સોમણના અંદાજ પ્રમાણે (જનસત્તા તા. 2–6–1989) 2000ની સાલ પૂરી થતાં સુધીમાં નોંધાયેલા ગુનાઓની સંખ્યામાં દશ ટકાનો વધારો થશે અને હાલ અદાલતમાં મુકાતા 100 કેસોમાંથી અંતે તો માત્ર 4 જણને જ સજા થાય છે. બાકીના 96 કાયદાની છટકબારીઓ શોધી, અદાલત અને પોલીસતંત્રની બેપરવાઈને લીધે છૂટી જાય છે.

શિક્ષા/સજા (punishment) : હરેક અપરાધ શિક્ષાને પાત્ર છે. ભારતીય ફોજદારી ધારામાં દરેક અપરાધની શિક્ષા ઠરાવેલી છે. મહત્તમ કેટલી શિક્ષા કરવી તે તેમાં જણાવ્યું છે. કલમમાં વપરાયેલા શબ્દો અદાલતને આ વિષયમાં મુનસફી પ્રમાણે નિર્ણય કરવાની મુક્તતા આપે છે. (ભા. ફો. ધા. પ્રક. 3, ક. 53થી 75).

શિક્ષા એટલે કાયદાની જોગવાઈઓના ઉલ્લંઘન માટે અદાલતો દ્વારા ફરમાવવામાં આવતી સજા–શિક્ષા એ વેરની વસૂલાત(retribution)ની એક પદ્ધતિ છે. શિક્ષા ખમનારને શારીરિક કષ્ટ પહોંચે છે, માનસિક સંતાપ થાય છે, તેની સ્વતંત્રતા છીનવાઈ જાય છે અને આબરૂને ધક્કો પહોંચે છે. કોઈ વાર મિલકત પણ જપ્ત કરવામાં આવે છે.

પ્રાચીન સમયમાં નજીવા અપરાધ માટે પણ ગંભીર અને હવે ક્રૂર કહી શકાય તેવી શિક્ષા થતી. મહાભારતના શાંતિપર્વમાં આવતી શંખ અને લિપિતની વાત જણાવે છે કે પોતાના મોટા ભાઈની વાડીમાંથી કેરી ચોરવા માટે શંખના બંને હાથ કોણી નીચેથી કાપી નંખાયા હતા. પશ્ચિમના અને દૂર પૂર્વના દેશોમાં પણ આવી જ ભયપ્રભાવક શિક્ષાઓ થતી હતી. મુસ્લિમ દેશોમાં તો આવી ભયપ્રભાવક શિક્ષાઓ શિક્ષાશાસ્ત્રના આધારરૂપ ગણાય છે, જોકે આથી પણ અપરાધો અપેક્ષિત પ્રમાણમાં ઘટ્યા નથી.

ભારતીય ફોજદારી કાયદા હેઠળ શિક્ષાના પ્રકારો : (i) મૃત્યુદંડ (death sentence) (ક. 53), (ii) આજીવન કેદ (imprisonment for life) (ક. 57); (iii) કેદ : (ક) સાદી કેદ (simple imprisomment) (ક. 60), (ખ) સખત કેદ (rigorous confinemment) (ક. 60), (ગ) એકાંત કેદ (solitary imprisonment) (ક. 73, 74); (iv) મિલકત જપ્ત કરવી (forfeiture of property) (ક. 53); (v) આર્થિક દંડ (fine) (ક. 63થી 70).

મૃત્યુદંડની શિક્ષા (ક. 53) નીચેના સાત અપરાધોમાં કરાય છે :

(i) રાજ્ય વિરુદ્ધ યુદ્ધે ચઢવું (ક. 121);

(ii) બળવાને ઉત્તેજન પૂરું પાડવું (ક. 132);

(iii) ખોટો પુરાવો આપવો અથવા ઊભો કરવો જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ મૃત્યુ પામે (ક. 194);

(iv) ખૂન (ક. 302);

(v) કોઈ દીવાની વ્યક્તિ કે કેફમાં હોય તેવી વ્યક્તિને આત્મઘાત કરવાને ઉત્તેજના આપવી (ક. 305);

(vi) ખૂન સાથે ધાડ પાડવી (ક. 396);

(vii) આજીવન કેદની શિક્ષા પામેલી વ્યક્તિ ખૂન કરવાની કોશિશ કરે અને તેથી ઈજા થાય (ક. 307).

બેબિલોનમાં અપરાધીને ડુબાડીને, હીબ્રૂ લોકોમાં તેને પથ્થરો મારીને, ગ્રીસમાં સ્વેચ્છાએ ઝેર પાઈને અને જો અપરાધી ગુલામ હોય તો તેને માર મારીને; રોમનોમાં અપરાધીને પર્વત પરથી ગબડાવીને, ગૂંગળાવીને, જંગલી પ્રાણીઓ સમક્ષ ખુલ્લો મૂકીને અને ખીલા ઠોકીને તથા એક કોથળામાં સાપ, કૂતરો અને અપરાધીને પૂરીને તેમને પાણીમાં ડુબાડીને મૃત્યુદંડ અપાતો. મધ્યયુગમાં અપરાધીનું માથું કાપીને, તેને સળગાવી દઈને અથવા સામસામી અપરાધીના અવયવો ખેંચાય એવા મૃત્યુચક્ર પર ચઢાવીને મૃત્યુદંડ અપાતો. વર્તમાન સમયમાં પશ્ચિમના દેશોમાં વીજળીની ખુરસીમાં અપરાધીને બેસાડી તેને વિદ્યુત શૉક આપીને અથવા તો ગૅસ-ચેમ્બરમાં પૂરીને તેનું મૃત્યુ નિપજાવવામાં આવે છે. પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશોમાં તેમના ધર્મગ્રંથમાં જણાવ્યા મુજબ અપરાધના પ્રકાર અને સ્વરૂપ મુજબ શિક્ષા કરવામાં આવે છે.

અન્ય શિક્ષાઓ : આજીવન કારવાસની સજા એટલે આજીવન સખત કારાવાસની સજા. સખત કેદની સજામાં કેદી પાસેથી શારીરિક શ્રમનાં કાર્યો કરાવવામાં આવે છે; સાદી કેદની સજામાં સજા પામેલ કેદી પાસેથી આવું કંઈ કરાવાતું નથી. ભારતીય ફોજદારી ધારામાં લાંબામાં લાંબી કારાવાસની સજા ચૌદ વર્ષની છે અને ટૂંકામાં ટૂંકી સજા 24 કલાકના કારાવાસની છે (અનુક્રમે ક. 57 અને 51, ભા. ફોજ. ધારો).

ભારતીય ફોજદારી ધારામાં 22 અપરાધો એવા છે કે જે માટે સાદી કેદની સજા ઠરાવાઈ છે અને બે કિસ્સાઓમાં સખત કેદની સજા ઠરાવાઈ છે.

એકાંત કારાવાસ એટલે કેદીને મનુષ્ય સંપર્ક અને સમાજથી અલગ પાડી દેવો. મનુષ્ય સામાજિક પ્રાણી હોઈ આવી સજા એને ત્રાસરૂપ લાગે. લાંબા સમયનો એકાંત કારાવાસ કેદીને ગાંડો પણ બનાવી મૂકે. આવા કારાવાસની અસર અલગ અલગ કેદીઓ પર અલગ અલગ થતી હોય છે. વધુમાં વધુ એકાંત કારાવાસની સજા ત્રણ માસની હોઈ શકે. એથી વધુ સજા ગેરકાયદે છે. એકાંત કારાવાસ સમગ્ર કારાવાસની સજાના અમુક ભાગ માટે જ હોઈ શકે. આખી સજા એકાંત કારાવાસની ન હોઈ શકે. આવો કારાવાસ નિયમો પ્રમાણે એકીવખતે 14 દિવસ કરતાં વધુ ન હોવો જોઈએ. એકાંત કારાવાસની મુદતોની વચ્ચે તે મુદત કરતાં ઓછો ગાળો ન હોવો જોઈએ. કરવામાં આવેલી કેદ જો ત્રણ માસ કરતાં વધુ હશે તો અપાયેલી આખી કેદની સજા દરમિયાન કોઈ એક માસમાં આવો કારાવાસ સાત કરતાં વધુ દિવસોનો હશે નહિ. ભા. ફોજ. ધારાની કલમો 73, 74 આ બાબત સ્પષ્ટ રીતે જણાવે છે.

બાર અપરાધો એવા છે કે જેમને માટે આર્થિક દંડની શિક્ષા જ પૂરતી ગણાય છે. મિલકત જપ્ત કરવા અંગેની સજા (ક. 61, 62) રદ થઈ છે, પરંતુ કલમ 126, 127 અને 169 દ્વારા નિર્દિષ્ટ અપરાધોમાં સંડોવાયેલી જે તે મિલકત જપ્ત થઈ શકે છે.

ભારતીય ફોજદારી ધારો સુધારવા માટે નીમવામાં આવેલી કમિટીએ, 1972માં ‘ઇન્ડિયન પીનલ કોડ (ઍમેન્ડમેન્ટ) બિલ’ રજૂ કર્યું હતું અને તેમાં શિક્ષાના ચાર નવીન પ્રકારો સૂચવવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી એ વિશે કોઈ નિર્ણય સરકારે લીધેલો નથી. આ માટે કમિટીએ ક. 74–એ, 74–બી, 74–સી અને 74–ડી ઉમેરીને અનુક્રમે (i) સમાજસેવા (community service), (ii) વળતરનો આદેશ (order for payment of compensation), (iii) જાહેર નિંદા (public censure) અને (iv) હોદ્દા-ધારણ માટેની ગેરલાયકાત(disqualification from holding office)ની શિક્ષાઓ દાખલ કરવા ભલામણ કરી છે. સમાજસેવાની શિક્ષાના હુકમ અન્વયે અપરાધી પાસે સમાજલક્ષી સેવાનાં કાર્યો વિના વેતને કરાવવામાં આવે એવી અપેક્ષા છે. તેણે કયું કામ કેટલા કલાક કરવું એનો પણ આવા આદેશમાં ઉલ્લેખ કરવાનો રહે. વળતરના આદેશની શિક્ષા બાબતમાં અપરાધનો ભોગ બનનાર વ્યક્તિને, અપરાધી પાસેથી વળતર અપાવવાની યોજના છે. આની પાછળ માત્ર અપરાધી અને સમાજ વચ્ચેનો જ નહિ. પરંતુ અપરાધી અને તેના અપરાધનો ભોગ થનાર વ્યક્તિ વચ્ચે પણ સંબંધ છે એવી એક માન્યતા છે. ત્રીજા પ્રકારની સજા ઊંડી વિચારણાને અંતે દાખલ કરવાની ભલામણ કરવામાં આવી છે. સમાજના સુખી અને સાધનસંપન્ન વર્ગની વ્યક્તિઓ સમાજવિરોધી પ્રવૃત્તિઓ કરી અપરાધો કરે તેમને માટે આવી સજા વધુ યોગ્ય અને અસરકારક જણાઈ છે. પ્રાચીન ભારતમાં આવી સજા હતી અને સોવિયેત સંઘમાં – હવે રશિયા અને કોલમ્બિયામાં પણ આ શિક્ષા અસ્તિત્વમાં છે. આ શિક્ષામાં અપરાધીનું નામ, તેનું સરનામું, ગુનાની વિગતો, તેને કરવામાં આવેલી સજા વગેરે અંગેની માહિતી અપરાધીના ખર્ચે, અદાલત સૂચવે તે વૃત્તપત્રમાં કે અન્ય કોઈ રીતે પ્રસિદ્ધ કરવામાં આવે છે. એનો ખર્ચ અપરાધી પાસેથી નાણાકીય દંડની જેમ વસૂલ લેવાય છે. જાહેર નિંદાની સજાનાં વધુ ઉગ્ર સ્વરૂપોમાં અપરાધીને જાહેર ચોકમાં, ખુલ્લામાં એના ગળામાં ઉપર્યુક્ત વિગતો જણાવેલું પાટિયું ભરાવી ઊભો રાખવો, તેને બેડીઓ પહેરાવી શહેરમાં ફેરવવો, માથે મુંડન કરાવી ગધેડા પર ઊંધી દિશામાં બેસાડવો વગેરે તરીકાઓ મુખ્ય છે. ચોથા પ્રકારની શિક્ષામાં કંપની કે નિગમમાં ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિ કે જાહેર સેવક કંપની કે નિગમમાં એને લગતા કામકાજમાં કોઈ અપરાધ કરે ત્યારે અદાલત સામાન્યત: આવા અપરાધ માટે જે શિક્ષા કરે તે ઉપરાંત તેને આ પ્રકારની શિક્ષા જે અમુક વર્ષો સુધી અમલી રહે તે કરવામાં આવે એવી અપેક્ષા છે. કોરિયા, નૉર્વે, ફ્રાન્સ વગેરે દેશોમાં આવી શિક્ષાઓ છે; જેમાં અપરાધીના લગભગ બધા જ રાજકીય અને નાગરિક અધિકારો માનચાંદ પહેરવાના અધિકારો અપરાધી પાસેથી છીનવી લેવામાં આવે છે.

આરોપી(accused)ના અધિકારો : અપરાધ કરનારનો અપરાધ જ્યાં સુધી પુરવાર થતો નથી ત્યાં સુધી તેને આરોપી કહે છે; એવો આરોપી જેલમાં હોય તો કાચા કામના કેદી (undertrial prisoner) તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આરોપી સામે અદાલતમાં કામ ચાલી જાય અને તેનો અપરાધ પુરવાર થાય ત્યારે તે આરોપી મટીને અપરાધી (convict) બને છે. અપરાધીને એના અપરાધ માટે જેલમાં કારાવાસની સજા ખમવા કોટડીમાં બંધ રખાય છે. સખત મજૂરી સાથેના કારાવાસના કિસ્સામાં તેની પાસે શ્રમનાં કાર્યો પણ કરાવાય છે.

વ્યક્તિ આરોપી હોય કે અપરાધી, પરંતુ તે તેના નાગરિક તરીકેના અધિકારો ગુમાવતી નથી; એટલું જ કે તેના અમુક અધિકારો તેના કારાવાસ દરમિયાન મોકૂફ રખાય છે. જે તે રાજ્ય સરકારોની કારાગાર(jail)–નિયમાવલિ (manual) જેલમાં રાખેલી વ્યક્તિઓ વિશે અમુક જોગવાઈઓ કરે છે. કેદીઓનાં સ્વાસ્થ્ય, ખોરાક, શારીરિક સ્વચ્છતા, રોજિંદાં કાર્યો, તેમને અલગ રાખવાની અને તેમની પાસેથી કામ લેવાની બાબત, જેલના શિસ્ત અને શિસ્તભંગના ગુનાઓની સજા, તેમની સાથેની મુલાકાત અને તેમના પત્રવ્યવહારની બાબત વગેરેને લગતી જોગવાઈઓ તેમાં નિર્દેશાયેલી હોય છે. ભારત સ્વતંત્ર થયું તે અગાઉ આ વિષયમાં અમુક અધિકારો ફોજદારી કાર્યરીતિ સંહિતા (criminal procedure code) અને ભારતીય પુરાવા અધિનિયમ(Indian Evidence Act)માં દર્શાવાયા હતા અને તે એ કાયદાના ભાગ રૂપે હતા. આઝાદી મળ્યા પછી આ વિષયમાં ભારતની અદાલતોએ અનેક ચુકાદાઓ આપ્યા છે. આ ઉપરાંત ભારતના બંધારણના ભાગ 3માંના અનુચ્છેદો 14, 21 અને 22 આવા અધિકારોનાં મૂળ ગણાય છે. આ અનુચ્છેદોના અર્થઘટનને આધારે એમાંથી વિવિધ અધિકારો પ્રકાશમાં આવ્યા છે. આમ આઝાદી પછી આવા અધિકારોનાં મૂળ (sources) ત્રણ છે : ભારતનું બંધારણ, ભારતીય પુરાવા અધિનિયમ અને ફોજદારી કાર્યરીતિ સંહિતા.

(ક) બંધારણ હેઠળ આરોપી(accused)ના અધિકારો :

(1) કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ [અનુ. 14]

(2) કાયદાની ભૂતપ્રભાવી જોગવાઈઓ સામે રક્ષણ [અનુ. 20(1)]

(3) દ્વિવિધ કાર્યવહીના ભય સામે રક્ષણનો હક [અનુ. 20(2)]

(4) પોતાની જાતને અપરાધમાં સંડોવવા સામે રક્ષણ [અનુ. 20(3)]

(5) જામીન પર મુક્ત થવાનો અધિકાર

(6) પોતાની ધરપકડનાં કારણો જાણવાનો અધિકાર [અનુ. 22(1)]

(7) પોતાના બચાવ માટે વકીલ રાખવાનો અધિકાર [અનુ. 22(1)]

(8) નિ:શુલ્ક કાનૂની સહાય મેળવવાનો અધિકાર [અનુ. 39–એ]

(9) મૅજિસ્ટ્રેટ રૂબરૂ રજૂ થવાનો અધિકાર [અનુ. 22(2)]

(10) અપીલ કરવાનો અધિકાર [અનુ. 132, 134, 136]

(11) ત્રાસ, કનડગત અને દુર્વ્યવહાર સામે રક્ષણનો અધિકાર [અનુ. 21]

(ખ) ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ આરોપીના અધિકારો :

(12) પોતે અપરાધી પુરવાર ન થાય ત્યાં સુધી તે નિર્દોષ છે એમ અદાલત માને તેવો અધિકાર (ક. 102, 105)

(13) સાક્ષીઓને તપાસવાનો અધિકાર (ક. 103, 133થી 166)

(14) ગુનાની કબૂલાત અંગેના અધિકારો (ક. 24, 25, 26, 28)

(15) અમુક વાતચીત ગુપ્ત રાખવા અંગેનો અધિકાર (ક. 122, 124, 126, 129)

(ગ) ભારતની ફોજદારી કાર્યરીતિ સંહિતા અન્વયે આરોપીના અધિકારો :

(16) પોતાનો કેસ પોતાની હાજરીમાં જ ચાલે તેવો અધિકાર (ક. 273)

(17) જામીન પર મુક્ત થવાનો અધિકાર [ક. 436થી 450. જુઓ શિડ્યૂલ (ફોજ. કાર્યરીતિ સંહિતા) ક. 468 તથા ક. 389 – આગોતરા જામીન વિશે (anticipatory bail)]

(18) મૅજિસ્ટ્રેટની સમક્ષ હાજર કરાવવાનો અધિકાર (ક. 56, 57)

(19) પોતાનો બચાવ કરવાનો અધિકાર (ક. 240, 243, 247)

(20) પોતાની ધરપકડનાં કારણો જાણવાનો અધિકાર (ક. 50, 173)

(21) પોતાના બચાવ માટે વકીલ રોકવાનો અધિકાર (ક. 303, 304)

(22) પોતાનો કેસ ખુલ્લી અદાલતમાં ચાલે તેવો અધિકાર (ક. 327)

(23) પોતાના બચાવ માટે સાક્ષીઓ રજૂ કરવાનો અને સાક્ષીઓને તપાસવાનો અધિકાર (ક. 240, 243, 247)

(24) મૌન રહેવાનો અધિકાર [ક. 161 તથા બંધારણનો અનુ. 20(3)]

(25) નિવેદનો અંગેના અધિકાર (ક. 161, 162, 164, 173, 200, 202, 208)

(26) પોતાને પરાણે પોતાના વિરુદ્ધનો સાક્ષી ન બનાવાય તેવો અધિકાર (ક. 313, 315, 316)

(27) દ્વિવિધ કાર્યવહીના ભય સામે રક્ષણનો અધિકાર (ક. 300)

(28) અપરાધ સામે ફોજદારી કેસ કરતાં પહેલાં મંજૂરી મેળવવાનો અધિકાર (ક. 196, 197)

(29) ચુકાદાની નકલ નિ:શુલ્ક મેળવવાનો અધિકાર (ક. 363)

(30) વળતર મેળવવાનો અધિકાર : આ અંગેના અનેક કિસ્સાઓમાં ભારતની સર્વોપરી અદાલતે વળતર અપાવ્યું છે

(31) પોતાને થયેલી કારાવાસની સજાના સમય સામે, ચુકાદા પૂર્વે પોતાને કારાવાસમાં રાખ્યો તેટલો સમય સામા દાવા કે માંડવાળ (set off) તરીકે મેળવવાનો અધિકાર (ક. 428)

(32) પોતાની સામેના કેસની સુનાવણી ઝડપથી થાય તે માટેની માગણીનો અધિકાર (ક. 309. એમ ન થાય તો તેથી બંધારણના અનુચ્છેદ 21નો ભંગ થશે.)

(33) અજમાયશી ધોરણે (પ્રોબેશન પર) મુક્ત થવાનો અધિકાર (ક. 360)

(34) પોતાને કરવાની સજા સામે રજૂઆત કરવાનો અધિકાર [ક. 360, 235(2) અને 248(2)]

(35) પોતાના કેસની સમીક્ષા (trial) ન્યાયી રીતે થાય તેવી માગણી કરવાનો અધિકાર (ક. 226, 228, 229, 240, 241, 252, 299, 311, 313, 315, 316, 318, 320, 327)

(36) ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 468માં અમુક અપરાધો બાબતમાં કામ ચલાવવા વિશે સમયમર્યાદા દર્શાવવામાં આવી છે એનો લાભ મેળવવાનો અધિકાર.

અપરાધી-કેદીના અધિકારો : તેણે કરેલા અપરાધના સંદર્ભમાં અદાલતે જેને ગુનેગાર ઠરાવ્યો હોય છે તે અપરાધીને સજા થાય છે. સજા થવાથી કેદી એના બધા અધિકારો ગુમાવી દે છે એવું નથી; તેથી એની સાથે જેલ સત્તાવાળાઓ પોતાને ફાવે તેવો વ્યવહાર કરી શકતા નથી. કેદીને બંધારણમાં બક્ષેલા બધા જ મૂળભૂત અધિકારોનું રક્ષણ ચાલુ રહે છે. આ વિશે અદાલતોએ અનેક ચુકાદાઓ આપ્યા છે. એમાંથી તારવેલા મુખ્ય અધિકારો આ પ્રમાણે છે :

(1) મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર.

(2) જેઓ કાચા કામના કેદી હોય અને જેમની સામે યથાયોગ્ય સમયમાં આરોપનામું રજૂ ન કરી શકાયું હોય તેમને કેદમાં મૂકવાની તારીખથી 2 વર્ષ પૂરાં થયાં પછી 3 માસમાં જો એવું આરોપનામું રજૂ ન કરી શકાય તો તેમને જેલમાંથી મુક્ત થવાનો અધિકાર છે. રાજ્યે એમની સામેના કેસો પાછા ખેંચી લેવા જોઈએ.

(3) અંગત સ્વતંત્રતાના રક્ષણનો અધિકાર : આ મુદ્દા પર અનેક કેસોના ચુકાદાઓ આંખ ઉઘાડે તેવા છે.

(4) પોલીસના કબજામાં હોય ત્યારે પોતાના હકોના રક્ષણનો અધિકાર.

(5) અસ્વસ્થ મનના કેદીઓને તેમના અધિકારોના રક્ષણનો અધિકાર.

(6) ગેરકાયદે અટકાયત માટે વળતર મેળવવાનો અધિકાર.

ભાનુપ્રસાદ મ. ગાંધી