ચેટરજી, ધૃતિમાન (જ. 30 મે 1945, કોલકાતા) : બંગાળના તખ્તા તથા રૂપેરી પડદાના કીર્તિમાન અને લોકપ્રિય અભિનેતા. તેઓ બંગાળના યુવાન નાટ્યરસિકો તથા ચિત્રરસિકોના પ્રિય અદાકાર છે.
ધૃતિમાને ખાસ તો મૃણાલ સેન તથા સત્યજિત રે જેવા આંતરરાષ્ટ્રીય સન્માન પામેલા સમર્થ ચિત્રસર્જકોનાં ચલચિત્રોમાં ભૂમિકા કરીને સુયશ પ્રાપ્ત કરેલો છે.
બંગાળી તખ્તા ઉપર નામના અને સફળતા પામ્યા પછી ધૃતિમાન સત્યજિત રેના ચિત્ર દ્વારા ફિલ્મક્ષેત્રે પ્રવેશ પામ્યા હતા.
તેમની સફળ ભૂમિકાવાળાં નોંધપાત્ર ચિત્રોમાં મૃણાલ સેનનું ‘પદાતીત’ (1973) તથા સત્યજિત રેનાં ‘પ્રતિદ્વંદ્ધી’ (1970 : નાયકની ભૂમિકામાં), ‘ગણશત્રુ’ (1989) તેમજ સર્વોત્તમ કથાચિત્રનું પારિતોષિક મેળવનાર ‘આગંતુક’(1991)નો સમાવેશ થાય છે.
શશિકાન્ત નાણાવટી