ચેકિયાંગ (જુજિયાંગ) (Zhejiang)
January, 2012
ચેકિયાંગ (જુજિયાંગ) (Zhejiang) : ચીનના સમુદ્રને અડીને આવેલો પૂર્વ ચીનનો પ્રાંત. ભૌગોલિક સ્થાન : 29° 00’ ઉ. અ. અને 120° 00’ પૂ. રે.ની આજુબાજુનો પ્રદેશ. તેની ઉત્તરે જિયાન્ગ્સુ, દક્ષિણે ફુજિયેન, નૈર્ઋત્યદિશાએ જિયાન્ગ્સી અને પશ્ચિમે આંહવેઈ પ્રાંતો આવેલા છે. ચેકિયાંગનું પાટનગર હેંગજો છે. ચેકિયાંગનો કુલ વિસ્તાર 1,01,800 ચોકિમી. છે અને તેની વસ્તી 84,20,000 (2022) જેટલી છે. આ પ્રાંતનો લગભગ 70%થી વધુ વિસ્તાર ડુંગરાળ છે. ઉત્તરનો મેદાની પ્રદેશ જળસમૃદ્ધ અને ફળદ્રૂપ છે, જેથી અહીં મુખ્યત્વે અનાજ અને રેશમનું ઉત્પાદન થાય છે. ખાસ કરીને પશ્ચિમના ડુંગરાળ પ્રદેશોમાં વાંસનાં જંગલો તેમજ ચાના બગીચા છે, જ્યારે દક્ષિણના ડુંગરાળ ભાગોમાં આવેલી નદીખીણોમાં મુખ્યત્વે ધાન્યનું ઉત્પાદન થાય છે. આ પ્રાંતમાં ચોખા, ઘઉં, મકાઈ, શક્કરિયાં, શણ, કપાસ, અળશી, શેરડી, ચા વગેરે અગત્યની ખેત-પેદાશો છે.
આ પ્રાંતમાં ફુચુન જિયાન્ગ, લિંગ જિયાન્ગ, લૉન્ગક્વાન ઝી અને ઝિયાઓ ઝી નદીઓ વહે છે. આ પ્રાંતની દક્ષિણેથી પસાર થતી ગ્રાન્ડ નહેર હેંગજો સુધી લંબાયેલી છે. આ પ્રાંતના દરિયાકાંઠે આશરે 2000 જેટલા નાના નાના ટાપુઓ આવેલા છે. આ પૈકીના હેંગજો વાન ઉપસાગરની દક્ષિણે આવેલો ઝોઉશાન દાઓ નામનો દ્વીપસમૂહ તેની મચ્છીમારી પ્રવૃત્તિ માટે પ્રખ્યાત છે. અહીં સમગ્ર ચીનનું સૌથી મોટું મત્સ્યક્ષેત્ર આવેલું છે.
આ પ્રાંતમાં લોખંડ, તાંબું, સીસું, જસત, મોલિબ્ડેનમ, ઍન્ટિમની, ટંગ્સ્ટન અને મૅંગેનીઝ જેવાં ધાતુમય ખનિજોની ખાણો આવેલી છે. ઉપરાંત ગંધક, કોલસો, ફૉસ્ફરસ, ફ્લોરાઇટ અને ફટકડી-પથ્થર (alumstone) જેવાં અધાતુમય ખનિજો પણ અહીંથી મળી આવે છે. પાટનગર હેંગજો ઉપરાંત આ પ્રાંતનાં અગત્યનાં અન્ય નગરોમાં વેન્ઝોઉ અને નિંગબોનો સમાવેશ થાય છે, જે રેલ અને સડકમાર્ગે હેંગજો સાથે સંકળાયેલાં છે. આ પ્રાંતમાં ખાસ કરીને મત્સ્યપ્રક્રિયા અને રસાયણ-ઉદ્યોગોનો વિકાસ થયો છે. આ સિવાય અહીં ગૃહઉદ્યોગોનું પ્રમાણ પણ ઘણું સારું છે. પથ્થર પરનું શિલ્પકામ અને કાષ્ઠ પરનું કોતરકામ પણ અહીં થાય છે. આ પ્રાંત સમગ્ર દેશનું આશરે 1/3 ભાગનું કાચું રેશમ પેદા કરે છે. તેમાંથી રેશમી કાપડ વણવામાં આવે છે. તે તેનાં જરીભરતના ગૂંથણવાળા અને સાટીન કાપડ માટે પ્રખ્યાત છે.
બીજલ પરમાર