અખિલન (જ. 27 જૂન 1922, પેરુંગળુર, તામિલનાડુ; અ. 16 ફેબ્રુઆરી 1988, ચેન્નાઈ) : 1976નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિળ લેખક. આખું નામ પી. વી. અખિલણ્ડમ્. મૅટ્રિક પાસ થયા પછી તરત સત્યાગ્રહ આંદોલનમાં ઝંપલાવેલું. સોળ વર્ષની ઉંમરે વાર્તાઓ તથા ધારાવાહી નવલકથાઓ લખવા માંડેલી. જેલમાંથી છૂટીને એમણે રેલવે ટપાલખાતામાં સૉર્ટરની નોકરી લીધેલી. નોકરી કરતાં કરતાં લેખનપ્રવૃત્તિ ચાલુ રાખેલી. એમની પ્રથમ નવલકથા ‘પેણ્ણ’(સ્ત્રી)ને 1946માં ‘કલાઈમંગલ’ માસિકની નવલકથા-સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મળેલું. એ રીતે નાની વયમાં એમની ઉત્તમ નવલકથાકાર તરીકે પ્રતિષ્ઠા સ્થપાઈ. 1953માં ‘નેનજીન અલઇકલ’(હૃદયના તરંગો)ને મદ્રાસ તમિળ એકૅડેમીનો પુરસ્કાર મળેલો. 1963માં ‘વેન્કાઇન મઇનથન’ (વેંકાઇ પ્રદેશનો પુત્ર) એ ચૌલાના સમયની ઐતિહાસિક નવલકથા માટે દિલ્હીની સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ તમિળ પુસ્તક તરીકેનો પુરસ્કાર મળેલો. 1968માં એમની પાંડેયવંશની ઐતિહાસિક નવલકથા ‘કયલ વિઝહી’(નજરે ચઢેલી પ્રથમ રાજકુમારી)ને તમિળ એકૅડેમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. 1975માં ‘એંગે પોગિરોમ’(આપણે ક્યાં જઈ રહ્યા છીએ)ને રાજા સર અન્નમલાઈ ચેટિયર મેમૉરિયલ તરફથી દશ હજાર રૂપિયાનો પુરસ્કાર મળેલો. 1976માં ‘ચિતિરપ્પોવૈ’ (ચિત્રાંકિત પ્રતિમા) માટે જ્ઞાનપીઠનો ભારતશ્રેષ્ઠ સાહિત્યિક પુરસ્કાર એનાયત થયેલો. એ નવલકથાનો નાયક અણ્ણમાલૈ ચિત્રકાર છે. એમાં કલાકારની જીવનયાત્રાની વિષમતાની કહાની છે. વાસ્તવજીવનમાં વ્યવહારુ દૃષ્ટિના અભાવને કારણે એના આંતરજીવનનો બહારની દુનિયા જોડે મેળ ખાતો નથી. આનંદી, જે કલારસિક જીવ છે, તે એના સંપર્કમાં આવે છે. બંને કલાને વરેલાં હોવાથી એમની વચ્ચે પ્રણયાંકુરો ફૂટે છે; પરંતુ ઘરનો અને સંબંધીઓનો સામનો કરવાની અને સિદ્ધાંતને ખાતર લડી લેવાની આનંદીમાં તાકાત ન હોવાથી, એને દુષ્ટ મણિક્કમ જોડે, એનો મૂક વિરોધ છતાં, પરણાવવામાં આવે છે. લગ્ન થતાંવેંત જ એને મણિક્કમના પાશવી અત્યાચારનો સામનો કરવો પડે છે. એ થોડા જ દિવસોમાં ત્રાસી જાય છે. પોતે લગ્નનો વિરોધ ન કર્યો અને અણ્ણમલૈ જોડે બળવો કરીને પરણવા તૈયાર ન થઈ તે માટે પસ્તાવો થાય છે. આત્મબળ કેળવીને તે પતિનો ત્યાગ કરી, છૂટાછેડા માટે અદાલતમાં મુકદ્દમો દાખલ કરે છે. અદાલત સમક્ષ પતિના જુલ્મનું એ વિગતવાર વર્ણન કરે છે, શરીર પરનાં મારનાં નિશાન બતાવે છે. અને મક્કમપણે જણાવે છે કે, અદાલત છૂટાછેડા ન આપે તોપણ એ મણિક્કમને ત્યાં પાછી જવાની નથી. ‘‘મને મારી રીતે જીવન જીવવાનો પૂર્ણ અધિકાર છે, જે ભોગવીને જ હું રહીશ’’ એમ એ કહે છે. અદાલત પર એના આ વક્તવ્યની અસર થાય છે અને ન્યાયાધીશ એમના ચુકાદામાં છૂટાછેડા મંજૂર કરે છે; એટલું જ નહિ, પણ તેણે સ્ત્રીમુક્તિની જે ઝુંબેશ ઉપાડી છે તે માટે એની પ્રશંસા પણ કરે છે. આમ ‘ચિતિરપ્પોવૈ’માં આનંદી દ્વારા, સામાજિક ક્રાંતિનો પથ ચીંધતી નારીનું ચિત્રણ કર્યું છે. એ નવલકથા અંગ્રેજી અને ભારતની સાત ભાષાઓમાં ઊતરી છે.
અત્યાર સુધીમાં અખિલનની 25 નવલકથાઓ તથા 14 નવલિકાસંગ્રહો પ્રગટ થયાં છે. એમની નવલિકાઓમાં વિષયવસ્તુનું તેમજ શૈલીનું પ્રચુર વૈવિધ્ય મળે છે. એઓ પરંપરાગત તેમ આધુનિક શૈલી પણ પ્રયોજે છે. એમાં સાંપ્રત સમયની લગભગ બધી જ સમસ્યાઓ આલેખાઈ છે.
એમનાં બાલસાહિત્યનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે, જેમાં બે વાર્તાસંગ્રહો તથા બે નાટ્યસંગ્રહો છે. આ ઉપરાંત ચાર નિબંધસંગ્રહો તથા એમની આત્મકથા પ્રગટ થયેલ છે. આત્મકથામાં સ્વજીવનનું તટસ્થતાપૂર્વક નિરૂપણ છે.
છેલ્લે તેઓ આકાશવાણીમાં ઉચ્ચરિત શબ્દ(spoken word)ના વાણી-નિર્માતા તરીકે કાર્ય કરતા હતા.
કે. એ. જમના