ભાટવડેકર, દાજી

January, 2001

ભાટવડેકર, દાજી (ભાટવડેકર, કૃષ્ણચંદ્ર મોરેશ્વર) (જ. 15 સપ્ટેમ્બર 1921, મુંબઈ) :  આધુનિક મરાઠી અને સંસ્કૃત રંગભૂમિના પીઢ કલાકાર. મુંબઈના એક ભૂતપૂર્વ મેયર ડૉ. સર ભાલચંદ્ર ભાટવડેકરના પૌત્ર કૃષ્ણચંદ્ર ‘દાજી ભાટવડેકર’ નામથી જ ખ્યાત છે. તેમનું વિશ્વવિદ્યાલયનું અધ્યયન એમ.એ. સુધીનું. તેમને સંશોધનમાં રસ છે. સંસ્કૃત ભાષા અને સાહિત્યની એમની રુચિ દાદ માંગી લે તેવી છે. ઍસોસિયેટેડ સિમેન્ટ કંપનીમાં 1980 સુધી અધિકારીની ફરજ બજાવી તેઓ નિવૃત્ત થયા છે.

1935થી શાલેય, મહાવિદ્યાલયના અને અવેતન રંગમંચ પર શરૂઆતમાં નટ અને પછી નટ-દિગ્દર્શક તરીકે કામ કરતા આવ્યા છે. 1946માં મુંબઈ મરાઠી સાહિત્ય સંઘની નાટ્યશાખામાં જોડાયા અને ત્યારથી ગણપતરાવ બોડસ, કેશવરાવ દાતે, નાનાસાહેબ ફાટક, કે. નારાયણ કાળે, પાર્શ્વનાથ આળતેકર, મામા પેંડસે, માસ્ટર દત્તારામ, દુર્ગાબાઈ ખોટે, પુ. લ. દેશપાંડે, વિશ્રામ બેડેકર, મો. ગ. રાંગણેકર, હર્બર્ટ માર્શલ અને ડૉ. ભાલેરાવ જેવા ખ્યાતનામ દિગ્દર્શકોના માર્ગદર્શન હેઠળ અભિનય કરવાનો મોકો તેમને મળ્યો. મુંબઈ મરાઠી સાહિત્ય સંઘનાં મોટાભાગનાં નાટકોમાં તેમણે મહત્વનાં પાત્રો ભજવ્યાં છે; જેમાં કાકાજી (‘તુઝે આહે તુઝપાશી’), મહારાજ  (‘સુંદર મી હોણાર’), ઓથેલો (‘ઓથેલો’), વીરસેન–મૅકબેથ (‘મૅકબેથ’), ક્લૉડિયસ (‘હૅમ્લેટ’), બાજીરાવ (‘દુસરા પેશવા’), ભગવંત (‘વાજે પાઉલ આપુલે’) આદિ ભૂમિકાઓ ખાસ ઉલ્લેખનીય છે. જૂની મરાઠી રંગભૂમિનાં લગભગ બધાં જ ખ્યાતનામ નાટકોના પુનર્નિર્માણમાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો છે અને પ્રમુખ ભૂમિકાઓમાં અભિનય પણ કર્યો છે.

દાજી ભાટવડેકર

સંસ્કૃત રંગભૂમિના પુનર્નિર્માણ માટે તેમણે કરેલા કાર્યની નોંધ લેવી ઘટે. 1951થી બ્રાહ્મણ સભા, મુંબઈ દ્વારા રજૂ કરાયેલાં સંસ્કૃત નાટકોનું એમણે દિગ્દર્શન કર્યું છે અને તેમાં ભૂમિકાઓ પણ ભજવી છે. એમાંની ગણનાપાત્ર ભૂમિકાઓ આ પ્રમાણે છે : દુષ્યન્ત (‘શાકુન્તલમ્’), શકાર (‘મૃચ્છકટિકમ્’), ઉદયન (‘રત્નાવલી’), જનક (‘ઉત્તરરામચરિતમ્’), ચંદ્રગુપ્ત (‘મુદ્રારાક્ષસમ્’), કાંચનભટ્ટ (‘શારદમ્’), ફાલ્ગુનરાવ (‘સંશયકલ્લોલમ્’), મુંજ (‘પૃથ્વીવલ્લભમ્’). હિંદી અને અંગ્રેજી નાટકોમાં પણ એમણે ભૂમિકાઓ ભજવી છે.

સંસ્કૃત ભાષા પર એમનું ખાસ્સું પ્રભુત્વ છે અને અવાજ તથા સંભાષણકલા પર એમણે ઘણું સંશોધન કર્યું છે.

સંસ્કૃત અને મરાઠી રંગભૂમિની સેવા માટે એમને આજ સુધી પ્રાપ્ત થયેલાં પુરસ્કારો અને સન્માનો આ પ્રમાણે
છે :

‘નટસમ્રાટ’ – જગદગુરુ શંકરાચાર્ય (શારદાપીઠ) દ્વારા પ્રદાન કરાયેલી ઉપાધિ; સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રપતિ પુરસ્કાર – 1965, ‘પદ્મશ્રી’ – 1967; ‘સુવર્ણપદ્મ’ – મુખ્યપ્રધાન (મુંબઈ) દ્વારા ‘શાકુન્તલમ્’ માટે  –1949.

આ સિવાય ડૉ. રાધાકૃષ્ણન્, પં. નહેરુ, સી. ડી. દેશમુખ જેવી મહાન વ્યક્તિઓના હાથે તેઓ સન્માનિત થયા છે. વળી તેમણે આજ સુધી નાટ્ય અને સાહિત્યક્ષેત્રે અનેક સન્માનનીય પદો પણ શોભાવ્યાં છે.

યશવંત કેળકર