ભાટપરા : પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 52´ ઉ. અ. અને 88° 24´ પૂ. રે. પર હુગલી નદીને પૂર્વ કાંઠે વસેલું છે. હુગલી નદીના પશ્ચિમ કાંઠા નજીક આવેલું ચુંચુલા શહેર તેની સાથે પાકા રસ્તાથી જોડાયેલું છે. કૉલકાતા અહીંથી 50 કિમી. અંતરે દક્ષિણ તરફ આવેલું છે. આ નગર કૉલકાતા સાથે પણ પાકા રસ્તા તેમજ રેલમાર્ગથી સંકળાયેલું છે. અહીંથી પૂર્વ તરફ 100 કિમી. અંતરે બાંગ્લાદેશની સીમા આવેલી છે. આ નગર આજુબાજુના વિસ્તારમાં થતાં શણ અને કપાસ માટેનું મહત્વનું વેપારી મથક છે. અહીં કાગળની મિલો આવેલી છે. આ ઉપરાંત આ નગરમાં સરકારી ચિકિત્સાલય, પોલીસમથક તથા અતિથિગૃહની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ઈ. સ. 1899માં અહીં સર્વપ્રથમ વાર નગરપાલિકાની રચના થઈ હતી. તે અગાઉ આ નગરનો સમાવેશ નૈહાટી મ્યુનિસિપાલિટીમાં થતો હતો. 1981માં આ નગરની વસ્તી 2,65,419 જેટલી હતી.
પ્રાચીન સમયમાં આ સ્થળ સંસ્કૃત ભાષાનું મહત્વનું કેન્દ્ર હતું, અહીં અનેક પાઠશાળાઓ પણ હતી. આ પાઠશાળાઓ ટોલ્સ (tols) તરીકે ઓળખાતી હતી. અહીં 1724માં સ્થપાયેલા શિવાલયની અનેક યાત્રાળુઓ દર્શનાર્થે મુલાકાત લે છે.
નીતિન કોઠારી