ભાગીદારી પેઢી : ધંધો ચલાવીને તેમાંથી મળતા નફાની વહેંચણી કરવા માટે સહમત થયેલી વ્યક્તિઓનો સમૂહ. ભારતીય ભાગીદારી અધિનિયમ 1932 અનુસાર પુખ્ત ઉંમરની વ્યક્તિઓ કરાર કરીને પેઢી(firm)ની સ્થાપના કરી શકે છે. આવી વ્યક્તિઓ એકત્રિત થઈને અથવા તેમનામાંથી એક કે વધારે વ્યક્તિઓ પેઢી વતી ધંધો ચલાવી શકે છે. તે બધી વ્યક્તિઓ ભાગીદાર (partner) કહેવાય છે અને તેમની વચ્ચેના સંબંધને ભાગીદારી (partnership) કહેવાય છે. આવી ભાગીદારી પેઢીનું નામ ભાગીદારોના નામથી જુદું રાખી શકાય છે. ભાગીદારી પેઢી લેખિત અથવા મૌખિક કરારથી બનાવી શકાય છે; પરંતુ આયકરમાં રાહત મેળવવી હોય તો ભાગીદારી કરાર લેખિત કરીને આયકર અધિનિયમ હેઠળ ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી આવશ્યક છે ભાગીદારીમાં ઓછામાં ઓછા બે ભાગીદાર હોવા જોઈએ, પરંતુ બૅન્કિંગનો ધંધો હોય તો 10થી વધારે અને અન્ય ધંધા માટે 20થી વધારે ભાગીદાર રાખી શકાતા નથી. ભાગીદારો કરારમાં નક્કી કર્યા પ્રમાણેની મૂડી લાવે છે. તેમના નફાનું અથવા નુકસાનનું પ્રમાણ મૂડીના પ્રમાણમાં જ હોવું જરૂરી નથી. કરાર દ્વારા આ પ્રમાણ બદલી શકાય છે, પરંતુ જો કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો નફો અથવા નુકસાન સરખા ભાગે વહેંચવામાં આવે છે, વળી કોઈ ભાગીદાર નુકસાનમાં ભાગીદાર થવા ઇચ્છતો ન હોય તો તે પ્રમાણેની જોગવાઈ કરારમાં કરી શકાય છે. સગીર વ્યક્તિ કરાર કરવા માટે સક્ષમ નથી, તેથી તે ભાગીદાર થઈ શકે નહિ; પરંતુ પુખ્ત વયના ભાગીદારો સગીરને ભાગીદારીમાંથી મળતા લાભમાં દાખલ કરી શકે છે, એટલે કે સગીર ભાગીદારીનો નફો મેળવી શકે છે; પરંતુ તે નુકસાન માટે જવાબદાર નથી. પેઢીના કોઈ પણ ભાગીદારે ધંધો ચલાવવા માટે જે કોઈ વ્યવહાર કર્યો હોય તેના માટે બધા ભાગીદારો જવાબદાર રહે છે; કારણ કે પ્રત્યેક ભાગીદાર એકબીજાનો પ્રતિનિધિ કહેવાય છે. દરેક ભાગીદારને ધંધાનું સંચાલન કરવાનો અધિકાર છે. આમ છતાં ભાગીદારો કરાર દ્વારા અંદરોઅંદર કાર્યોની વહેંચણી પણ કરી શકે છે. પેઢીના દેવા માટે બધા ભાગીદારો સંયુક્ત રીતે અને દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે જવાબદાર રહે છે (jointly and severally liable). આમ બધા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે.
વ્યક્તિ જાતે ધંધો કરે તેના કરતાં ભાગીદારીમાં ધંધો કરવાનું પસંદ કરે છે, કારણ કે ભાગીદારી પેઢીના કેટલાક ધંધાકીય લાભ હોય છે. બધા ભાગીદારોની એકત્રિત શાખ વધુ હોવાથી તેઓ વધુ નાણાં ઉછીનાં મેળવી શકે છે. વધુ ભાગીદારો હોવાથી પેઢીને વધુ કાર્યશક્તિ, અનુભવ, આવડત અને સંબંધોના લાભ મળી શકે છે. ભાગીદારો અંદરોઅંદર કાર્યનું શ્રમવિભાજન કરીને વિશિષ્ટીકરણનો લાભ ઉઠાવી શકે છે અને સામૂહિક નિર્ણયો લઈને પેઢીનો પરિપક્વ, શાણપણભર્યો અને સમતોલ વહીવટ કરી શકે છે.
પિનાકીન ર. શેઠ