ભટ્ટાચાર્ય, વીરેન્દ્રકુમાર

January, 2001

ભટ્ટાચાર્ય, વીરેન્દ્રકુમાર (જ. 1928, દીના, જોરહાટ, જિ. શિવસાગર, આસામ) : અસમિયા લેખક. પિતા શચીનાથ ભટ્ટાચાર્ય ચાના બગીચામાં નોકરી કરતા હતા. જોરહાટ સરકારી શાળામાંથી 1941માં એમણે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને અનેક સ્કૉલરશિપો મેળવી. 1945માં કોટન કૉલેજમાંથી એમણે બી.એસસી.ની પદવી મેળવી. તે પછી કૉલકાતાનાં દૈનિકોમાં કામ કરતાં એમણે પત્રકારત્વની તાલીમ લીધી. 1951માં નાગા ગિરિમાળામાં આવેલા ઉખરુલમાં શિક્ષકની નોકરી કરી. એમની ‘ઇયારુ ઇંગમ’ નવલકથાનાં કેટલાંક પાત્રો ત્યાંના પરિવેશમાંથી એમણે લીધાં છે.

ત્યાંથી એ ગુવાહાટી આવ્યા અને વિખ્યાત અસમિયા સામયિક ‘રામધેનુ’નું તંત્રીપદ સ્વીકાર્યું. એમણે ‘રામધેનુ’ દ્વારા અસમિયા સાહિત્યનાં નવાં વહેણો વહેતાં કર્યાં – વિશેષે કરીને કવિતા અને નવલકથાસાહિત્યને નવા ઢાંચામાં ઢાળવામાં એમનું પ્રદાન અત્યંત મહત્વનું છે. છઠ્ઠા દાયકાના મધ્ય સુધી એમણે એ સામયિકનું તંત્રીપદ સંભાળ્યું અને અનેક નવા લેખકોને પ્રોત્સાહન આપ્યું. સામયિક બંધ પડતાં એમણે વ્યવસાયી પત્રકાર તરીકે કામ કર્યું અને ગુવાહાટી યુનિવર્સિટીમાં પત્રકારત્વ–વિભાગમાં કામ કરતાં એમણે પત્રકારત્વમાં એમ. એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી.

વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય

વીરેન્દ્રકુમારે કવિ, નવલિકાકાર તથા નવલકથાકાર તરીકે અસમિયા સાહિત્યમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. એમણે અસમિયા તથા અંગ્રેજીમાં એમના વિચારપ્રેરક લેખો દ્વારા ભારતીય સાહિત્યમાં પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની પ્રથમ નવલકથા ‘રાજપથે રિંગિયાઈ’ 1958માં પ્રકાશિત થઈ. એમાં રાજકારણનું વાતાવરણ છે. એમની બીજી નવલકથા ‘આઈ’(1960)માં ગ્રામજીવનની આર્થિક કરુણતાનું, ગામડાં ભાંગતાં જાય છે તેનું હૃદયવિદારક ચિત્ર છે. એમની ત્રીજી નવલકથા ‘ઇયારુ ઇંગમ’માં નાગભૂમિના રાજકીય વાતાવરણનું ઘેરું ચિત્ર આપ્યું છે.

તેને 1961ના વર્ષના સાહિત્ય અકાદમીના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી. એમની અન્ય નવલકથાઓમાં ‘શાંતાગ્નિ’ (1964); ‘મૃત્યુંજય’ (1966); ‘પ્રતિપદ’ (1971); ‘કબર આરુ ફૂલ’ (1972); ‘રાંગા મેઘ’ (1976) તથા ‘ડાઈની’ (1980) છે. ‘મૃત્યુંજય’ 1942ના ‘ભારત છોડો’ના વાતાવરણમાં લખાયેલી અને સત્યાગ્રહીઓના વીરત્વને નિરૂપતી રાજકીય નવલકથા છે. એ નવલકથાથી એમને ભારતભરમાં અગ્રિમ નવલકથાકાર તરીકે પ્રસિદ્ધિ મળી. 1979માં એની રચના માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. એમના બે નવલિકાસંગ્રહો ‘શતસારી’ (1967) અને ‘ક્લોંજ અજિયો બોઈ’(1961)માં નીચલા મધ્યમવર્ગનાં ગ્રામજનોનાં શોષણ અને ભીષણ કરુણતાનાં ચિત્રો છે. એમના પર મહાત્મા ગાંધી, જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા વગેરેનો ઘેરો પ્રભાવ છે. 1983માં એ સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

ચન્દ્રકાન્ત મહેતા