ભટ્ટાચાર્ય, જિતેન્દ્રનાથ

January, 2001

ભટ્ટાચાર્ય, જિતેન્દ્રનાથ (જ. 1877, રાનાઘાટ, જિ. નાદિયા, પશ્ચિમ બંગાળ; અ ?) : વિખ્યાત સિતારવાદક. પિતા વામાચરણ કુશળ વાદક હોવા ઉપરાંત વાદ્યનિર્માણકલાના નિષ્ણાત હતા.

જિતેન્દ્રનાથ ભટ્ટાચાર્ય

તેમણે મયૂરભંજ રિયાસતમાં વર્ષો સુધી સંગીતકાર તરીકે સેવાઓ આપી હતી. તેમણે તે જમાનાના વિખ્યાત વાદકો પાસેથી ગાયન અને વાદનની શિક્ષા પ્રાપ્ત કરી હતી. પુત્ર જિતેન્દ્રનાથને બાળપણથી જ પરિવારમાં સંગીતનું વાતાવરણ પ્રાપ્ત થયું હતું. તેમના પિતાએ લાકડાની બનેલી એક સિતાર બાળપણમાં જિતેન્દ્રનાથને આપી હતી, જેના પર જિતેન્દ્રનાથ હાથ અજમાવવાનો પ્રયાસ કરતા. પિતા પાસેથી સિતારની તાલીમ ઉપરાંત વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રનું જ્ઞાન પણ જિતેન્દ્રનાથને નાનપણથી મળ્યું હતું. સમય જતાં મોહમ્મદખાં પાસેથી તેમણે સિતારવાદનની ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી અને બંગાળના સિતારવાદકોમાં તેમની ગણના સર્વશ્રેષ્ઠ વાદક તરીકે થવા લાગી. આલાપ અને જોડમાં તેમનું સ્થાન અદભુત હતું. તોડા પદ્ધતિમાં તેઓ કુશળ હતા. તેમની વિલંબિત પદ્ધતિમાં પણ તેઓ નિષ્ણાત ગણાતા. પ્રતિભાદેવી દ્વારા સ્થાપિત સંગીત મહાવિદ્યાલયમાં તેમણે થોડાંક વર્ષો શિક્ષક તરીકે સેવાઓ આપી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે