બ્લેક વિલિયમ (જ. 28 નવેમ્બર 1757, લંડન; અ. 12 ઑગસ્ટ 1827) : કવિ, ચિત્રકાર, ધાતુ પર કલાકૃતિઓ કોતરનાર, સ્વપ્નદ્રષ્ટા. જીવનકાળ દરમિયાન તેની અવગણના થયેલી. તેને જાણતા કવિઓ અને ચિત્રકારો તેને ગાંડોઘેલો ગણતા. તેના મરણનાં સો વર્ષ બાદ તેનાં કાવ્યો અને ચિત્રોની કદર થઈ. ભાવિને જોઈ-પરખી શકવાની એનામાં કુદરતી ર્દષ્ટિ હતી. તે ગરીબાઈની ધાર પર જીવ્યો હતો.
તેના પિતાનાં 5 સંતાનોમાં તે બીજો હતો. તેના પિતા ગૂંથેલી ચીજોની દુકાન ચલાવતા. બ્લેક શાળાએ જતો નહિ, પણ માતા પાસે ભણતો. તેની ઉંમરના પ્રમાણમાં તે ખૂબ વાંચતો. તેના નાના ભાઈ રૉબર્ટને પણ ભણાવતો. તે સમયે લંડન નાનાં ગામો અને ખેતરોથી ઘેરાયેલું નગર હતું. બ્લેકનો ઉછેર લંડનના ગીચ ભાગમાં થયેલો. લંડનની આસપાસનાં ગામડાં તરફ તે વિહરતો ને અલગારી રખડપટ્ટીનો આનંદ માણતો. તે જે કંઈ કલ્પતો એ જોઈ પણ શકતો. પરિણામે આ કલ્પનોની હાજરીથી તેની કાવ્યરચનાઓ ઝળહળતી. 10 વર્ષની વયે બ્લેકને સારી ચિત્રશાળામાં મૂકેલો. તે ચિત્રકાર બનવા ઇચ્છતો હતો; પણ તેના પિતા ઇચ્છતા હતા કે તે ધાતુ પર કોતરણી કરનાર બને. 1779 સુધી તે કોતરકામ શીખ્યો. પ્રકાશકો માટે કોતરણીનું કામ કરીને તે નિર્વાહ ચલાવતો ને વૉટરકલરથી ચિત્રકામ પણ કરતો. આ દરમિયાન ઇંગ્લૅન્ડના નવા બૌદ્ધિકો સાથે તેને મૈત્રી થઈ. 1782માં 18 ઑગસ્ટે કૅથરિન સોફિયા બુચર સાથે તેનાં લગ્ન થયાં. તેની પત્ની અભણ હતી. બ્લેકે તેને ભણાવી. 1783માં તેનો કાવ્યસંગ્રહ ‘પોએટિકલ સ્કેચિઝ’ નામે પ્રકાશિત થયો. 1784માં તેના પિતા મરણ પામ્યા. તેણે છાપકામની દુકાન શરૂ કરી. તે નાના ભાઈ રૉબર્ટને સાથે રહેવા લઈ આવ્યો. તેને સંતાન થયાં નહિ. 1787માં રૉબર્ટનું અવસાન થયું. ત્યારબાદ તે અવારનવાર રૉબર્ટને સ્વપ્નમાં જોતો. છાપકામની દુકાન ચાલી નહિ. ફરી કોતરકામ કરીને તે ગુજારો કરવા લાગ્યો. 1789માં ‘સૉંગ્ઝ ઑવ્ ઇનોસન્સ’નાં કાવ્યો તેણે તાંબાની પ્લેટો પર જાતે કોતર્યાં, શણગાર્યાં ને એમાં રંગો પૂર્યા. આ કાવ્યોમાં કવિ બાળકને સૂચનાઓ આપતો નથી પણ બાળક કવિને શીખવે છે. બાળક પ્રકૃતિમાં જીવનનાં સુખ-સંતોષનું બયાન કરે છે. તે અસાધારણ ચારિત્ર્ય, બુદ્ધિ, તીક્ષ્ણ નિરીક્ષણ અને કલ્પનાશક્તિવાળો માણસ હતો. 1790 અને 1793 દરમિયાન એણે ગદ્યનું પુસ્તક ‘ધ મૅરેજ ઑવ્ હેવન ઍન્ડ હેલ’ લખ્યું. આ સમયમાં એણે કથાકાવ્યો રચવાનું શરૂ કર્યું. 1804માં એણે એનાં બે દીર્ઘ પુસ્તકોનું કામ શરૂ કર્યું, જેમાંનું ‘મિલ્ટન’ 1808ના અરસામાં પૂરું કર્યું, અને ‘જેરૂસલેમ’ 1820માં. યંત્રસંસ્કૃતિ અંગેનું તે સમયે કરેલું તેનું દર્શન મહત્વનું છે.
1809માં એણે તેના કામને લોકો સમક્ષ મૂકવાનો છેલ્લો પ્રયત્ન કર્યો. તેનાં ચિત્રોનું પ્રદર્શન ભરાયું. આ માટે તેણે વિચારશીલ અને વિવાદપ્રેરક, વર્ણનાત્મક કૅટલૉગ લખ્યું; પણ પ્રદર્શનને સફળતા સાંપડી નહિ. જીવનના છેલ્લા ભાગમાં તે પિત્તાશયની પથરીથી પીડાતો હતો.
બ્લેક સાચા અર્થમાં ક્રાન્તદર્શી કવિ હતો. એના દિવ્યદર્શને એને ભૌતિકતાથી વિમુખ કર્યો અને એનામાં પ્રગટેલી દિવ્યતાએ કવિત્વને જાગ્રત કર્યું. એની કવિતા આત્માની મુક્તિ અર્થેની પયગમ્બરી વાણી છે. તે કારણે એણે પ્રયોજેલાં પ્રતીકો પણ વિશિષ્ટ બન્યાં છે. એનાં સરળ કાવ્યોમાં એની કવિત્વશક્તિની પરાકાષ્ઠા વર્તાય છે. એણે આત્મસ્ફુરણાથી દુનિયાનું દર્શન કર્યું છે. વિશ્વના કણકણમાં એને દિવ્યતાની અનુભૂતિ થઈ છે. એને મન દુનિયા આભાસ માત્ર છે અને પરમ સત્યની એને ખેવના છે. દુ:ખને સુખના જોડિયા તરીકે સ્વીકારતો બ્લેક પ્રસન્ન અગમ્યવાદી હતો.
બ્લેકનાં ઉત્તમ કાવ્યો સરળ શૈલીમાં લખાયાં છે. ‘સૉંગ્ઝ ઑવ્ ઇનોસન્સ’માં માતૃત્વ અને શૈશવનાં કાવ્યો છે, જે બાલસહજ વૃત્તિ અને આનંદ વ્યક્ત કરે છે. ‘સૉંગ્ઝ ઑવ્ ઍક્સપિરિયન્સ’નાં કાવ્યોમાં જગતનાં દૂષણો વર્ણવ્યાં છે – બાળકની ર્દષ્ટિથી, પણ પુખ્ત વયના માણસના હૃદયથી, બાલમાનસ સાથે તાદાત્મ્ય સાધવામાં એ અદ્વિતીય રહ્યો છે. ક્રાન્તદર્શન દ્વારા સુવર્ણયુગ સ્થાપવાની એની તમન્ના રહી હતી. એનાં કાવ્યો શાશ્વત સંદર્ભનાં કાવ્યો છે. એની અજોડ મૌલિકતાને કારણે બ્લૅક જનસામાન્યની કક્ષાથી મૂઠી ઊંચેરા રહ્યા છે અને માટે જ જૂજ લોકો એમની પ્રતિભાને પિછાણી શક્યા છે.
બ્લેક ખૂબ ઊંચા ગજાનો ચિત્રકાર હતો; એની ઘણીખરી કૃતિઓ એના દર્શન રૂપે પ્રગટ થઈ છે. બાઇબલ એની આધ્યાત્મિક સત્યની પ્રાપ્તિનું મૂળ સ્રોત હતું, જ્યારે મુક્તિ એના આંતરદર્શનનો સ્રોત રહી. એણે સત્યનું અર્થઘટન કલ્પના અને પ્રેરણા દ્વારા કર્યું. પ્રત્યક્ષથી પર એવું અધ્યાત્મ એણે અનુભવ્યું. એની કવિતા પ્રયત્નસાધ્ય નહિ, પણ સાહજિક અવતરણરૂપ બની રહી. એનાં કાવ્યોમાં બાલસહજ નિર્દોષતા સાથે સંતનું દિવ્યદર્શન પણ છે. એણે ભૌતિક જગતને આભાસ માન્યું અને દિવ્યદર્શનને જ સાચી વાસ્તવિકતા. એનાં કાવ્યોમાં વ્યક્ત થતું આધ્યાત્મિક સૌંદર્ય કલ્પનોત્તેજક છે.
બર્ન્સ અને બ્લેક બંને સમકાલીન હતા અને રોમૅન્ટિક પુનરુદયના પુરોગામી હતા. બર્ન્સ ધરતીનો છોરુ હતો માટે એનાં કાવ્યોમાં ધરતીની મહેક છે; જ્યારે બ્લૅક દિવ્યતાનો કવિ છે. બ્લૅક નિ:શંક આંગ્લ સાહિત્યનો શ્રેષ્ઠ અગમ્યવાદી કવિ છે.
આરમાઈતિ દાવર
યોગેશ જોશી