બ્રેટેઇન, વૉલ્ટર હૌસર

January, 2001

બ્રેટેઇન, વૉલ્ટર હૌસર (જ. 10 ફેબ્રુઆરી 1902, એમોય, ચીન) : 1956ના વર્ષના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે પોતાનું બચપણ અને યુવાની વૉશિંગ્ટન રાજ્યમાં ગાળ્યાં હતાં, અને 1924માં વ્હાઇટમૅન કૉલેજમાંથી બી.એસ.ની પદવી મેળવી. 1926માં ઑરેગન યુનિવર્સિટી દ્વારા એમ.એ.ની પદવી મળી. ત્યારબાદ 1929માં મિનેસોટા યુનિવર્સિટીએ તેમને પીએચ.ડી.ની પદવી એનાયત કરી.

બ્રેટેઇન 1929 સુધી બેલ પ્રયોગશાળામાં ટૅકનિશિયન તરીકે પોતાની સેવા બજાવતા હતા. તેમનું મુખ્ય કાર્ય ઘન પદાર્થની સપાટીની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાનું હતું. તે સમયે સપાટી પરની અસર સમજવા ટંગસ્ટન-સપાટીનું ઉદાહરણ આદર્શરૂપ હતું અને તે સમયે ટંગસ્ટન-સપાટી દ્વારા થતું ઉષ્માજન્ય ઉત્સર્જન અને શોષણ સરળતાથી સમજાવી શકાયું હતું. વળી ક્ષેત્રીય અર્ધ વિષ્ટકારક (Rectifier) તરીકે ક્યૂપ્રસ ઑક્સાઇડની સપાટી દ્વારા ઉષ્માજન્ય ઉત્સર્જન થતું હતું.

બ્રેટેઇન દ્વારા ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્રમાં અર્ધવાહકોના અભ્યાસ દ્વારા સપાટીની સમજણ માટે એક નવું મૉડેલ અપાયું, જેમાં સિલિકોન કે જર્મેનિયમ જેવા અર્ધવાહકના એકલ સ્ફટિક (single crystal) દ્વારા પી.એન. જોડાણ રચાય છે, જેને પી.એન. જંક્શન કહે છે.

વૉલ્ટર હૌસર બ્રેટેઇન

સપાટીના ભૌતિકીય ગુણધર્મો, વીજ-વિભાવકમાં તફાવત, સપાટી પર રહેલ વીજભાર – ઘનતામાં થતા ફેરફારના સમતોલનમાં ફેરવાતા દર પર આધારિત છે. બ્રેટેઇને આ ઘટના જર્મેનિયમ અર્ધવાહક માટે સમજાવી; પરંતુ આ ઘટના દરેક અર્ધવાહક સપાટીને લાગુ પાડી શકાય છે. વળી બ્રેટેઇને સિલિકન સપાટી દ્વારા થતી ‘રેક્ટિફિકેશન’ની ઘટના સમજાવી. પ્રકાશીય ઘટનાઓનો આધાર લઈને ઇલેક્ટ્રૉન અને હોલ્સની વાહકતાનો ઉપયોગ કરી ‘ટ્રાન્ઝિસ્ટર અસર’ની અને જૉન બારડીન સાથે કામ કરી બિંદુ-સંપર્ક (point-contact) ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી. 1948માં વિલિયમ શૉકલે અને જૉન બારડીને સાથે રહીને અર્ધવાહકોને આધારિત ટ્રાન્ઝિસ્ટર 1948 બનાવ્યો. તેમણે સી. જી. બી. ગૅરેટ તથા પી. જે. બૉડી સાથે પણ કામ કર્યું.

1935માં તેમણે સ્વર્ગસ્થ ડૉ. કેરેન ગીલ મોર બ્રેટેઇન સાથે લગ્ન કર્યાં હતાં.

બ્રેટેઇનને 1952માં પૉર્ટલૅન્ડ યુનિવર્સિટી તેમજ વ્હાઇટમૅન અને યુનિયન કૉલેજ દ્વારા 1955માં અને મિનેસોટા યુનિવર્સિટી દ્વારા 1957માં માનાર્હ ડૉક્ટર ઑવ્ સાયન્સની પદવીઓ અપાઈ હતી. 1952માં તેમણે ‘સ્ટુવર્ડ બાલાટીન’નો ખિતાબ ફ્રાન્કલિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મેળવ્યો. 1955માં જૉન સ્કૉટ મૅડલ મેળવ્યો. વળી અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પણ બહુમાન પ્રાપ્ત થયું. તેઓ ફ્રાન્કલિન સંસ્થાની રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમીના સભ્ય હતા. અમેરિકન ભૌતિકીય સોસાયટીના ‘ફેલો’ સભ્ય ઉપરાંત અમેરિકન કલા અને વિજ્ઞાન અકાદમી તેમજ અમેરિકન વિજ્ઞાન નવીનીકરણ મંડળના તેઓ સક્રિય સભ્ય હતા. તેઓ અમેરિકન નૌકા સંશોધન સમિતિના માર્ગદર્શક મંડળના પણ સભ્ય હતા.

તેમની ટ્રાન્ઝિસ્ટરની શોધે દુનિયાને ઘન અવસ્થા ધરાવતાં નવાં સાધનોની ભેટ ધરી, જે વીજાણુશાસ્ત્રના વિકાસ માટેનો આધારસ્તંભ બની રહ્યો. આ ઉપરાંત તેમની શોધ જૈવિક સૃષ્ટિનો સિદ્ધાંત સમજવામાં પણ ઉપયોગી સાબિત થઈ છે.

કિશોર પોરિયા