બ્રિટન

સ્થાન-સીમા-વિસ્તાર : યુરોપના વાયવ્ય ભાગમાં આવેલા બ્રિટિશ ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 50°થી 60° ઉ. અ. અને 10° 30´ પૂ. રે. થી 1° 45´ પ. રે. વચ્ચેનો આશરે 2,44,050 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અર્થાત્ તે ફ્રાંસ કે જર્મનીથી અડધો અથવા યુ.એસ.ના 40મા ભાગ જેટલો છે. બ્રિટિશ ટાપુઓ હેઠળ ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, વેલ્સ, આયર્લૅન્ડ તથા આજુબાજુમાં આવેલા ટાપુઓનો સમાવેશ થાય છે. આ બધા ટાપુઓ ‘ગ્રેટ બ્રિટન’ના સામૂહિક નામથી ઓળખાય છે; તે બધા યુનાઇટેડ કિંગ્ડમના ભાગરૂપ ગણાય છે. ‘બ્રિટન’ શબ્દ અગાઉ ‘પશ્ચિમોત્તર ફ્રાંસ’ના અર્થમાં વપરાતો હતો. તેની ઉત્તર અને વાયવ્યમાં આટલાંટિક મહાસાગર તથા પૂર્વમાં ઉત્તર સમુદ્ર આવેલા છે. આ ટાપુઓ ડૉવરની સામુદ્રધુની અને 33 કિમી. પહોળી ઇંગ્લિશ ખાડી દ્વારા યુરોપના મુખ્ય ભૂમિભાગથી અલગ પડે છે. આ ટાપુઓની ઈશાનમાં સ્કેન્ડિનેવિયાના નૉર્વે, સ્વીડન અને ફિનલૅન્ડના દેશો આવેલા છે. ટાપુસમૂહથી બનેલા આ દેશનો કોઈ પણ ભાગ સમુદ્રથી 160 કિમી. અંતરથી વધુ દૂર નથી. ટાપુસમૂહની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 970 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 480 કિમી. જેટલી છે. સમુદ્રકિનારાની લંબાઈ લગભગ 4,057 કિમી. જેટલી છે. સમુદ્રકિનારાના જળભાગો છીછરા છે, પરંતુ કિનારો વિવિધતાથી ભરપૂર છે. તેને કિનારે ભેખડો, રેતીપટ, પંકભૂમિ-સ્વરૂપે નદીનાળ અને ખાડીઓ આવેલાં છે. દુનિયાના સૌથી મોટા ગણાતા ટાપુઓ પૈકીના આઠ ટાપુઓ બ્રિટનની સરહદમાં આવેલા છે. તેમનું ક્ષેત્રફળ 2,18,980 ચોકિમી. જેટલું થાય છે.

બ્રિટનનાં પ્રાદેશિક વિસ્તારવસ્તી

પ્રદેશ વિસ્તાર (ચો.કિમી.) વસ્તી (હજારમાં) (આશરે)
ઇંગ્લૅન્ડ 1,30,365 48,500
સ્કૉટલૅન્ડ 78,778 5,120
વેલ્સ 20,761 2,960
ઉ. આયર્લૅન્ડ 14,146 1,632
કુલ 2,44,050 58,212

બ્રિટનના મુખ્ય ટાપુઓની ફરતે અનેક નાના ટાપુઓ આવેલા છે. મહત્વના ટાપુઓ પૈકી વાઇટ (wight), સ્કિલી (scilly), ઑર્કનીસ (orkneys) અને શેટલૅન્ડ્ઝ(shetlands)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 588 ચો.કિમી. વિસ્તાર ધરાવતો મૅનનો ટાપુ તથા 194 ચો.કિમી. વિસ્તાર ધરાવતો ચેનલ ટાપુ પણ મહત્વના ગણાય છે.

ભૂપૃષ્ઠ-ભૂસ્તરીય રચના : ભૂપૃષ્ઠ અને ભૂસ્તરીય રચનાના સંદર્ભમાં આ ટાપુઓને બે વિભાગોમાં વહેંચવામાં આવેલા છે : (i) વાયવ્યનો ઊંચી ભૂમિનો પહાડી પ્રદેશ, (ii) અગ્નિ દિશાનો મેદાન-પ્રદેશ. વાયવ્યના પહાડી પ્રદેશોમાં સ્કૉટલૅન્ડનો ઊંચાણવાળો ભૂમિભાગ, પિનાઇન પર્વતો, વેલ્સના પર્વતો અને કૉર્નવૉલના પર્વતો મુખ્ય છે. બેન નેવિસ (Ben Nevis) એ સમુદ્રસપાટીથી 1,343 મીટરની ઊંચાઈ ધરાવતું સ્કૉટલૅન્ડનું સર્વોચ્ચ શિખર છે. અહીં ઊંડી નદીખીણો પણ છે, જેમાં ક્લાઇડ નદીની ખીણ ફાટખીણનું સ્વરૂપ ધરાવે છે. ઉત્તર ઇંગ્લૅન્ડના મધ્ય ભાગમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી પિનાઇન પર્વતમાળા પણ અગત્યની છે. તે અગ્નિકૃત અને સ્લેટ આરસપહાણ ધરાવતા વિકૃત ખડકોથી બનેલી છે. વેલ્સના પર્વતોમાં 1170 મીટરની ઊંચાઈ ધરાવતું સ્નોડોન સૌથી ઊંચું શિખર છે. બ્રિટિશ ટાપુઓમાં આ પર્વતવિસ્તારો બહુ ઊંચા ન હોવા છતાં તેમનું મહત્વ વિશેષ છે. નૈર્ઋત્ય ઇંગ્લૅન્ડ અને દક્ષિણ વેલ્સ સિવાયના પ્રદેશો પ્લાયસ્ટોસીન કાળના હિમયુગો દરમિયાન હિમાચ્છાદિત હતા. હિમાવરણની અસરને લીધે નદીઓનાં વહેણ બદલાયેલાં અને તેથી અહીં ઘણાં સરોવરો પણ રચાયેલાં જોવા મળે છે.

દક્ષિણ-પૂર્વનાં મેદાનો સમુદ્રસપાટીથી માત્ર 200 મીટરની ઊંચાઈ ધરાવે છે, કોટ્સવૉલ્ડ પ્રદેશમાં તેની ઊંચાઈ આશરે 12 મીટરની જ જોવા મળે છે. આ મેદાની વિસ્તારના નિર્માણમાં ચૂનાખડકો, રેતીખડકો તેમજ મૃદ-ખડકોનો ફાળો વિશેષ છે. ઇંગ્લૅન્ડની નીચી ભૂમિનો અહીંનો મોટાભાગનો પ્રદેશ ફળદ્રૂપ બની રહેલો હોવાથી ખેતીની પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

ઇંગ્લૅન્ડ : બ્રિટિશ ટાપુઓમાં ઇંગ્લૅન્ડનો ભૂમિવિસ્તાર સૌથી મોટો છે, પિનાઇન પર્વતમાળા તેની કરોડરજ્જુ ગણાય છે. તે સ્કૉટલૅન્ડની દક્ષિણ સીમાથી શરૂ થઈને મધ્ય ઇંગ્લૅન્ડના ડર્બીશાયર સુધી વિસ્તરેલી છે. તેની ઉત્તર અને દક્ષિણના ભાગો ચૂનાખડકોથી તથા મધ્યભાગો શેલ અને રેતીખડકોથી બનેલા છે. 893 મીટર ઊંચાઈ ધરાવતું ક્રૉસ ફેલ (Cross Fell) પિનાઇન પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર છે. તેના દક્ષિણ ભાગમાં સુંદર ર્દશ્યો ધરાવતાં શિખરો તેમજ વિશાળ કોતરો ધરાવતા ખીણપ્રદેશો આવેલા છે. પિનાઇન પર્વતમાળામાંથી કોલસાના સ્તરો મળી આવે છે. અહીંનો યૉર્કશાયર વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાણીતો બનેલો છે.

ઇંગ્લૅન્ડનો વાયવ્ય વિભાગ કૅમ્બ્રિયન કાળના પર્વતોથી બનેલો છે, આ આખોય વિસ્તાર સરોવરપ્રદેશ (Lake District) તરીકે ઓળખાય છે. 978 મીટરની ઊંચાઈ ધરાવતું સ્કૅફેલ (Scafell) શિખર અહીંનું સર્વોચ્ચ શિખર છે. અહીં આવેલું વિન્ડરમિયર (windermere) સરોવર ઇંગ્લૅન્ડનું સૌથી વિશાળ સરોવર છે. ઇંગ્લૅન્ડના નીચી ભૂમિના વિસ્તારો ઈશાનથી અગ્નિદિશા તરફ પથરાયેલા છે, તે ટિન (Tyne) નદીથી શરૂ કરીને દક્ષિણે ઍક્સમથ (Exmouth) સુધી જોવા મળે છે. ટીઝ (Tees) નદીની દક્ષિણેથી વૉશ (wash) સુધીની ભૂમિ ખૂબ જ ફળદ્રૂપ છે. ઊઝ (Ouse), નેન (Nene) અને વેલૅન્ડ (Welland) નદીનાં પંખાકાર મેદાનો ખેતીની ર્દષ્ટિએ સમૃદ્ધ છે. ત્યાં બટાટા અને વિવિધ પ્રકારનાં ફૂલો થાય છે. ઊઝ નદીની દક્ષિણે તેમજ પૂર્વમાં ઉચ્ચપ્રદેશ રૂપે આવેલા પૂર્વ ઍંગ્લિયા(East Anglia)નો વિસ્તાર અનાજ અને શેરડી માટે પ્રસિદ્ધ છે. મધ્ય ઇંગ્લૅન્ડનો વિસ્તાર પિનાઇનની પશ્ચિમે આવેલાં લૅન્કેસ્ટ્રાઇનનાં મેદાનો સાથે ભળી જાય છે.

ઇંગ્લૅન્ડની દક્ષિણે આવેલું લંડન-થાળું ચિલ્ટર્ન હિલ્સ (Chiltern Hills) અને ટેમ્સ નદીની વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. ટેમ્સ નદી લંડનમાં થઈને પસાર થાય છે. લંડનની દક્ષિણે આવેલો પ્રદેશ વેલ્ડ (Weald) નામથી ઓળખાય છે. તેના બે ભાગ પડે છે : ઉત્તર ડાઉન્સ અને દક્ષિણ ડાઉન્સ. અહીં આવેલી સમતળ ભૂમિ સાલ્ઝબરી મેદાન (Salisbury plain) તરીકે ઓળખાય છે. દક્ષિણ ડાઉન્સને કિનારે નજીકમાં જ વાઇટ ટાપુ આવેલો છે. નૈર્ઋત્ય ભાગમાં આવેલો દ્વીપકલ્પ ગ્રૅનાઇટ અને રેતીખડકોથી બનેલો ઉચ્ચપ્રદેશ છે. અહીંના સમુદ્રકિનારે ભેખડો તેમજ ખડકાળ ગુફાઓ જોવા મળે છે. ડાર્ટમૂર (Dartmoor) ઉચ્ચપ્રદેશની સરેરાશ ઊંચાઈ 610 મીટર જેટલી છે, પરંતુ નજીકમાં જ આવેલા ઍક્સમૂર (Exmoor) અને બૉડમિનમૂર (Bodminmoor) પ્રદેશો પ્રમાણમાં નીચા છે.

ગૉથિક સ્થાપત્યશૈલીમાં પુનર્રચના પામેલાં સંસદ ભવનો (Houses of Parliament)

સ્કૉટલૅન્ડ : બ્રિટિશ ટાપુઓમાં આવેલી રમણીય ર્દશ્યો ધરાવતી ગિરિમાળાઓમાં સ્કૉટલૅન્ડના પર્વતો પ્રથમ સ્થાને મૂકી શકાય. સ્કૉટલૅન્ડની દક્ષિણે આવેલી શિવિયટ હિલ્સ (Cheviot Hills) ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડની ભૌગોલિક સીમા બનાવે છે. સ્કૉટલૅન્ડનો લગભગ સમગ્ર વિસ્તાર ઉચ્ચપ્રદેશોથી રચાયેલો છે. તેમની ઊંચાઈ મોટેભાગે 610 મીટરની છે. અહીંના સડકમાર્ગો અને રેલમાર્ગો નદીખીણોના ઢોળાવોને અનુલક્ષીને બનાવાયા છે. તે પૈકી લિડેલ (Liddel), એનન (Annan) અને નિથ(Nith)ના ખીણપ્રદેશો વધુ જાણીતા છે. સ્કૉટલૅન્ડમાં સૌથી લાંબો વહનમાર્ગ ધરાવતી નદી ટે (Tay) છે. પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી આ નદીની લંબાઈ 190 કિમી. જેટલી છે. અહીંની ક્લાઇડ (Clyde) નદી જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. ગ્લાસગો શહેર તેના મુખ પાસે આવેલું છે, જ્યારે ફૉર્થ(Forth) નદીના નદીનાળ-વિસ્તારમાં એડિનબર્ગ (Edinburgh) બંદર આવેલું છે. તે સ્કૉટલૅન્ડનું રાજધાનીનું સ્થળ છે. અહીં રેલ અને સડક માર્ગ માટે બે વિશાળ પુલોનું નિર્માણ કરવામાં આવેલું છે.

સ્કૉટલૅન્ડની ઉત્તરમાં આવેલા ઉચ્ચપ્રદેશની સરેરાશ ઊંચાઈ 717 મીટરની છે, ઇંગ્લૅન્ડનું સર્વોચ્ચ શિખર બેન નેવિસ (1343 મીટર) આ પ્રદેશમાં આવેલું છે. અહીં રાતા રંગના રેતીખડકોનું પ્રમાણ વધુ છે. ઈશાનથી નૈર્ઋત્ય વિસ્તરેલી અહીંની ફાટખીણને આધારે કૅલિડોનિયન નહેર તૈયાર કરવામાં આવી છે. સ્કૉટલૅન્ડને કિનારે અનેક સરોવરો આવેલાં છે. તે પૈકી નેસ (Ness), લોમન્ડ (Lomond) અને ફિન (Fyne) વિશેષ ઉલ્લેખનીય છે.

ઉત્તર-વાયવ્ય (NNE) દિશાએ આવેલા ઉચ્ચપ્રદેશોની ઊંચાઈ સરેરાશ 1067 મીટર જેટલી છે. બેસાલ્ટ અહીંનો મુખ્ય ખડક છે. અહીંના સમુદ્રકિનારે નાનાંમોટાં અનેક અખાત અને સરોવરો આવેલાં છે. વળી અહીં અસંખ્ય ટાપુઓ પણ છે. તે બધા મોટેભાગે ઉજ્જડ છે. મુખ્ય ટાપુઓમાં લ્યુઇસ (Lewis), હૅરિસ (Harris), સ્કાઇ (Skye), મુલ (Mull) અને બુટેશાયર(Buteshire)નો સમાવેશ થાય છે. સ્કૉટલૅન્ડનો ઈશાન કિનારો પેન્ટલૅન્ડ(Pentland)ના અખાતથી જુદો પડે છે. આ અખાતમાં આવેલા ઑકર્ની(Orkney)ના ટાપુઓ વધુ જાણીતા છે. આ ટાપુઓની સંખ્યા 76 જેટલી છે. આ ટાપુઓ પર વસતા લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. કર્કવૉલ (Kirkwall) અહીંનું મુખ્ય શહેર છે. આ ટાપુઓની ઉત્તરે શેટલૅન્ડનો દ્વીપસમૂહ આવેલો છે. તેમાં 100 જેટલા ટાપુઓ છે. અહીં સુંદર ભેખડો આવેલી છે. અહીં ઘેટાં ઉછેર-કેન્દ્રો વધુ જોવા મળે છે. લરવિક (Lerwick) અહીંનું મુખ્ય શહેર છે. અન્ય શહેરોમાં હેરબ્રિકેસ, ઑર્કનો, શેટલૅન્ડ વગેરેનો સમાવેશ થાય છે.

વેલ્સ : વેલ્સનો મોટાભાગનો વિસ્તાર પર્વતીય તથા ખડકાળ છે. કુલ વિસ્તારના 60 % જેટલો ભાગ કૅમ્બ્રિયન ખડકોથી બનેલી હારમાળાથી રોકાયેલો છે. આ હારમાળાના ઉત્તર ભાગમાં આવેલું સ્નોડોન શિખર અહીંનું સર્વોચ્ચ (1,170 મીટર) શિખર છે. સ્નોડોન કરતાં ઓછી ઊંચાઈ ધરાવતું બીજું એક શિખર કાર્નેધ લ્યુએલન (Carnedd Llyelyn) છે. વેલ્સના અન્ય પ્રદેશો 183થી 610 મીટરની ઊંચાઈ ધરાવે છે. વેલ્સના ઉત્તર અને દક્ષિણ કિનારે મેદાનો આવેલાં છે. દક્ષિણ કિનારે આવેલું મિલ્ફૉર્ડ હેવન (Milford Haven) કુદરતી બંદર તરીકે જાણીતું છે. ઊંધી રકાબી સ્વરૂપે રહેલા વેલ્સના ભૂપૃષ્ઠને કારણે અહીંની મોટાભાગની નદીઓ કેન્દ્રત્યાગી જળપરિવાહ રચના (radial drainage) બનાવે છે. તેમાં કૉનવે (Conway), ક્લૉઇડ (Clwyd), ડી (Dee), ટાફ (Taff), ટાઉઇ (Towy), ટાઇવી (Teifi) અને ર્હાઇડોલ (Rheidol) જાણીતી છે. સેવર્ન નદી બ્રિટનની સૌથી લાંબો વહનપથ ધરાવતી નદી છે. તેનો વહનમાર્ગ 354 કિમી. જેટલો લાંબો છે, પરંતુ આ વહનમાર્ગનો ભાગ ઇંગ્લૅન્ડની સીમામાં આવેલો છે. આ નદીનું મૂળ વેલ્સના પ્લીનલિમૉન (Plynlimmon) ક્ષેત્રમાં આવેલું છે; જ્યારે તેનું મુખ બ્રિસ્ટૉલની ખાડીમાં રહેલું છે. ઇંગ્લૅન્ડના ઘણા ગ્રામીણ અને શહેરી વિસ્તારોને તેના જળજથ્થાનો લાભ મળે છે. કાર્ડિફ વેલ્સનું મુખ્ય શહેર છે. અહીંના લોકોની ભાષા અંગ્રેજી અને વેલ્શ છે.

યુરોપનાં પ્રાચીનતમ શિક્ષણકેન્દ્રોમાંનું એક ઑક્સફર્ડ નગર

ઉત્તર આયર્લૅન્ડ : આયલૅન્ડના ભૂમિભાગની ઈશાન દિશામાં આ વિસ્તાર આવેલો છે. તેને મુખ્ય 6 જિલ્લાઓમાં વહેંચેલો છે : ઍન્ટ્રિમ (Antrim), આર્મેઘ (Armagh), ડાઉન (Down), ફર્માનાઘ (Fermanagh), લંડનડેરી (Londanderry) અને ટાયરોન (Tyrone). નેઉઘ સરોવર (Neugh Lough) આ વિસ્તારની મધ્યમાં આવેલું છે. સરોવરની આજુબાજુનો પ્રદેશ નીચી ભૂમિથી બનેલો છે. બાન અહીંની મુખ્ય નદી છે. પશ્ચિમ તરફ સ્પેરિન પર્વતમાળા આવેલી છે. તેનું સૌથી ઊંચું સરોવર 663 મીટરની ઊંચાઈ ધરાવે છે. તે બાન નદીખીણના વિસ્તારો અને ફોયલનાં મેદાનોને જુદાં પાડે છે. તેની પૂર્વ અને ઉત્તરે ઍન્ટ્રિમનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. ઈશાન તરફ મૉર્ન(Mourne)ની હારમાળા છે. અહીં મોટેભાગે ગ્રૅનાઇટ અને ચૂનાખડકો જોવા મળે છે. અહીંનું સૌથી ઊંચું શિખર 652 મીટરની ઊંચાઈ ધરાવે છે. પશ્ચિમે અર્ન (Erne) નદીએ તેના માર્ગમાં ઘણાં સરોવરો રચ્યાં છે. બેલફાસ્ટ અહીંનું મુખ્ય શહેર છે.

આબોહવા : બ્રિટિશ ટાપુઓ વાયવ્ય યુરોપના ગરમ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા છે. અહીં આખાય વર્ષ દરમિયાન પશ્ચિમિયા પવનો ફૂંકાતા રહે છે. ઉત્તર આટલાંટિકનો ગરમ અખાતી પ્રવાહ તેના કિનારેથી પસાર થાય છે. આ સમગ્ર પ્રદેશની આબોહવા એકંદરે સમધાત રહે છે. આટલાંટિક મહાસાગર તરફથી હલકું દબાણ ધરાવતા ચક્રવાતની અસર આ ટાપુઓ પર થવાથી અહીંનું હવામાન હરહંમેશ બદલાતું રહે છે. આથી અહીંના હવામાન વિશે સ્પષ્ટ આગાહી કરવી કઠિન છે

બ્રિટનમાં શિયાળા અને ઉનાળાનાં તાપમાન વચ્ચે મોટો તફાવત નથી. શિયાળાનું સરેરાશ તાપમાન 5° સે., જ્યારે ઉત્તરમાં આવેલા શેટલૅન્ડ ટાપુઓમાં 4° સે. જ્યારે દક્ષિણે વાઇટ ટાપુમાં 5° સે. જેટલું રહે છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 16° સે., શેટલૅન્ડ ટાપુઓમાં તે 12° સે., જ્યારે વાઇટ ટાપુ પર 18° સે. જેટલું રહે છે. દક્ષિણ ભાગમાં ઉનાળાની ઋતુમાં કોઈક વાર 27° સે. સુધી પણ પહોંચી જાય છે. ઉત્તરના વિસ્તારો કરતાં દક્ષિણના વિસ્તારોમાં સૂર્યપ્રકાશ વધુ પ્રાપ્ત થાય છે. અહીં સરેરાશ વરસાદ 1016 મિમી. જેટલો પડે છે. આટલાંટિક મહાસાગર પરથી વાતા પવનો પર્વતીય વિસ્તારોને કારણે પૂર્વ અને દક્ષિણના વિસ્તારો કરતાં પશ્ચિમ ભાગમાં વરસાદ વધુ પાડે છે. સરોવરોના વિસ્તાર, સ્નોડાઉન અને બેન નેવિસની આસપાસના પ્રદેશોમાં 5080 મિમી. જેટલો વરસાદ પડે છે. ઇંગ્લૅન્ડની નીચી ભૂમિના વિસ્તારમાં જ્યારે સાપેક્ષ આર્દ્રતાનું પ્રમાણ વધુ હોય છે ત્યારે ગાઢ ધુમ્મસ થાય છે. શિયાળાની રાત્રિઓમાં તો મોટાભાગનાં શહેરો અને ખીણપ્રદેશોમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતાં તેની અસર વાહનવ્યવહાર પર થાય છે. એવા સંજોગોમાં અકસ્માતનો ભય વધી જાય છે.

કુદરતી વનસ્પતિ-પ્રાણીસંપત્તિ : પ્રાચીન સમયમાં બ્રિટનમાં ગીચ જંગલો હતાં, પરંતુ વનોન્મૂલનને કારણે હવે તે નહિવત્ રહ્યાં છે. આજે બ્રિટનમાં કુલ વિસ્તારના માત્ર 6 % વિસ્તારમાં જ જંગલો જોવા મળે છે. યુરોપમાં સૌથી ઓછાં જંગલો બ્રિટનમાં છે. બ્રિટનમાં સેવર્ન નદીના મુખની પશ્ચિમે આવેલું ડીનનું જંગલ, દક્ષિણ કિનારાના વાઇટ ટાપુની પાસે આવેલું ન્યૂ ફૉરેસ્ટનું જંગલ તથા સ્કૉટલૅન્ડની ઊંચી ભૂમિના વિસ્તારોમાં જંગલો જોવા મળે છે. બ્રિટનનાં મોટાભાગનાં જંગલોમાં ઓકનાં વૃક્ષો વધુ છે. તદુપરાંત બીચ, બર્ચ, પાઇન, એલ્મ, વિલો, ઍલ્ડર, અસ્પેન, લાઇમ અને હૉર્નબીમ જેવાં વૃક્ષોનું પ્રમાણ પણ વધુ છે. અહીંનાં 60 % જંગલો ખાનગી માલિકી હેઠળ છે, પરંતુ તેના પર જંગલ વિભાગનું વર્ચસ્ રહે છે.

જંગલોનું પ્રમાણ ઘટવાથી પ્રાણી-સંપત્તિ પણ ઘટી છે, તેમ છતાં કેટલાક વિસ્તારોમાં લાલ હરણ, શિયાળ અને સરીસૃપ પ્રાણીઓ જોવા મળે છે. પ્રાણીસંપત્તિના રક્ષણ અર્થે અભયારણ્યોનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિટનમાં 200 જાતનાં પક્ષીઓ જોવા મળે છે, જેમાં ગ્રાઉઝ (Grouse) તેતર જેવાં પક્ષીઓ વધુ છે.

ટાપુમય સ્થાન, ખાંચાખૂંચીવાળો કિનારો અને સમુદ્રપ્રવાહને કારણે બ્રિટનમાં મત્સ્ય-ઉત્પાદન વધુ લેવાય છે. મહત્વનાં મત્સ્યક્ષેત્રોમાં અહીંનો પશ્ચિમ આટલાંટિક ભાગ, બેરેન્ટ્સનો સમુદ્રકિનારો તથા સ્કૉટલૅન્ડનો સમુદ્રકિનારો ગણાય છે. આ ક્ષેત્રોમાંથી સફેદ માછલીઓ, કોડ, હડૉક, પ્લાઇસ, હેરિંગ અને શેલ ફિશ મોટા પ્રમાણમાં પકડવામાં આવે છે. આ પૈકીનું 82 % ઉત્પાદન સફેદ માછલીનું રહે છે. ગ્રીમ્સલી, હલ, ઍબરડીન અને ફ્લીટ્વૂડનો સમાવેશ મુખ્ય મત્સ્યબંદરોમાં થાય છે.

જમીનો–ખેતી–પશુધન ; બ્રિટિશ ટાપુઓમાં વિવિધ પ્રકારની જમીનો આવેલી છે. અહીં જમીનોની રચના સ્થાનિક ખડકોના વિભંજન-વિઘટનને કારણે થયેલી છે. ઉત્તર આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડના પશ્ચિમના વધુ વરસાદવાળા નીચા પ્રદેશોમાં ઍસિડ-બ્રાઉન જમીનો, ઈશાન સ્કૉટલૅન્ડમાં પોડઝોલ જમીનો, તથા ઊંચી ભૂમિના પ્રદેશોમાં પોડઝોલ તેમજ સેન્દ્રિય (organic) પ્રકારની જમીનો આવેલી છે. નીચાણવાળા પ્રદેશોની જમીન કાદવ-કીચડથી બનેલી પંકભૂમિ (bogland) છે. ઉપર્યુક્ત પ્રકારોવાળી જમીનોમાં ખેતીનો વિકાસ કરાયો છે. આજે બ્રિટનમાં સૉઇલ સર્વે રિસર્ચ બોર્ડ દ્વારા જમીનોનો અભ્યાસ કરીને તે મુજબ ત્યાં ખેતીની પ્રવૃત્તિનો વિકાસ કરવાનું આયોજન થયું છે.

નૈસર્ગિક સૌંદર્યથી આકર્ષતો વેલ્સનો ભૂપ્રદેશ – એક દર્શન

બ્રિટનમાં કુલ જમીનવિસ્તારની 79 % જમીનને ખેતી હેઠળ લાવી શકાઈ છે, અર્થાત્ 19 મિલિયન હેક્ટર જમીન પર ખેતી થાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટનમાં મિશ્રખેતી પર વધુ ભાર મુકાયો છે. આથી અહીંની ખેતી ‘સઘન ખેતી’ તરીકે જાણીતી છે. મોટેભાગે અહીં ઘઉં, જવ, ઓટ, સુગરબીટ અને બટાટાની ખેતી થાય છે. ખાસ કરીને પૂર્વ એંગ્લિયા, કેન્ટ, લિંકોનશાયર, હમ્બરસીડ, પૂર્વના સૂકા પ્રદેશો અને સ્કૉટલૅન્ડના નીચી ભૂમિના વિસ્તારો ખેતીના મુખ્ય પ્રદેશો છે. ફળો અને શાકભાજીની ખેતી શહેરોની આસપાસના વિસ્તારોમાં થાય છે. ફળોની ખેતી વિશેષ પ્રમાણમાં કેન્ટ અને પૂર્વ એંગ્લિયામાં થાય છે. ફળોના કુલ ઉત્પાદનમાં 65 % જેટલું ઉત્પાદન સફરજનનું છે. ગૌચર વિસ્તારો ખાસ કરીને મુરલૅન્ડ અને હેથલૅન્ડના ઊંચાણવાળા ભાગોમાં આવેલા છે. સ્કૉટલૅન્ડની 23 ભાગની જમીનો ગૌચર હેઠળ રહેલી છે. આયર્લૅન્ડની નીચી ભૂમિમાં ગૌચર પ્રદેશો ઊભા કરવામાં આવેલા છે. દુનિયામાં ખેતીની પ્રવૃત્તિમાં યંત્રોનો સૌથી વધુ ઉપયોગ બ્રિટન કરે છે. દુનિયામાં ખેતીવિષયક પ્રયોગશાળાની સૌપ્રથમ સ્થાપના બ્રિટનમાં થઈ હતી. સરકારી સંશોધનકેન્દ્રો, કૃષિ યુનિવર્સિટી, ખેતીવિષયક સલાહ આપનારી સંસ્થાઓનો ફાળો ખેતીના ઉત્પાદનમાં અધિક છે. નૅશનલ ઍગ્રિકલ્ચરલ ઍડ્વાઇઝરી સર્વિસ ખેડૂતોના ખેતીના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સહાય કરે છે.

સ્કૉટલૅન્ડના મધ્ય અને ઈશાન ભાગમાં તથા ઇંગ્લૅન્ડના દક્ષિણ ભાગમાં ગાય અને ઘેટાં-ઉછેરની પ્રવૃત્તિ વધુ જોવા મળે છે. કૉર્નવૉલ, ડેવૉન અને સમરસેટનાં મેદાનોમાં ગાય, ઘેટાં અને ડુક્કરનો ઉછેર વધુ પ્રમાણમાં થાય છે. કૉર્નવૉલ અને ડેવૉનમાં દૂધનું તથા સમરસેટમાં પનીરનું ઉત્પાદન અધિક થાય છે. મિડલૅન્ડના મેદાનમાં મધ્ય ટ્રેન્ટ નદીના થાળાના વિસ્તારમાં માંસ મેળવવા માટે પશુઓનો ઉછેર કરાય છે. અહીંની કેટલીક જમીન ખેતી, ઉદ્યોગ કે પશુઉછેર માટે ઉપયોગી નથી, ત્યાં ઘેટાં-ઉછેર-કેન્દ્રો ઊભાં કરાયાં છે. ઉત્તર અને દક્ષિણ ડાઉન્સના પ્રદેશો તે માટે જાણીતાં છે. બ્રિટિશ ટાપુઓમાં મરઘાં-બતકાંનો ઉછેર વધુ થાય છે. અહીં ઈંડાંની માંગ વધુ હોવાથી ડેન્માર્કથી આયાત કરવામાં આવે છે.

ખનિજો-ઉદ્યોગો : બ્રિટનમાં અલ્પમાત્રામાં જસત કલાઈ, તાંબું અને લોખંડનાં ખનિજો મળે છે, આ ઉપરાંત ચૉક અને ચૂનાખડકો, માટી, રેતીખડકો અને ફ્લોરસ્પાર્સ પણ મળે છે. ઊર્જાનાં સાધનો તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને યુરેનિયમનાં ખનિજો પણ મળે છે. અહીં બિટુમિનસ કોલસાનાં વિશાળ ક્ષેત્રો ઉત્તર-મધ્ય ઇંગ્લૅન્ડના ટ્રેન્ટ નદીને કિનારે આવેલાં છે. બ્રિટનમાં કોલસા અને ખનિજ-તેલનું વાર્ષિક ઉત્પાદન અનુક્રમે 12.8 કરોડ ટન અને 90 કરોડ બેરલ જેટલું થાય છે. વીજળી મેળવવા માટે કોલસા અને ખનિજતેલનો ઉપયોગ કરવામાં આવે છે. દુનિયામાં અણુશક્તિનું ઉત્પાદન કરતા દેશોમાં બ્રિટન આગળ પડતું સ્થાન ધરાવે છે. તેનો ઉપયોગ તે ઔદ્યોગિક વિકાસ માટે જ કરે છે. અહીં અણુશક્તિ-ઉત્પાદનકેન્દ્રો કાલ્ડેરહૉલ અને કમ્બરલૅન્ડ ખાતે આવેલાં છે.

18મી સદીમાં બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેને કારણે દુનિયામાં આધુનિક યુગનાં પગરણ મંડાયાં. આજે પણ બ્રિટન દુનિયાભરના ઔદ્યોગિક દેશોમાં મોખરે છે. બ્રિટનમાં મોટરો, જહાજો, લોખંડ-પોલાદ, કાપડ, રંગ-રસાયણ, ઔષધિઓ, પ્લાસ્ટિક, ભારે યંત્રો, ખાદ્ય ચીજવસ્તુઓ, માઇક્રો-ફિલ્મ, ચિનાઈ માટીનાં સાધનો તેમજ વીજાણુ યંત્રો બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે. બ્રિટનમાં બનતી રોલ્સરૉય મોટર જગપ્રસિદ્ધ છે. અહીંનાં મહત્વનાં ઔદ્યોગિક એકમો મધ્ય ઇંગ્લૅન્ડ, લંડનની આજુબાજુનો પ્રદેશ, સ્કૉટલૅન્ડના મધ્યના નીચી ભૂમિના પ્રદેશો અને ટે (Tay) નદીને કિનારે આવેલાં છે. મોટાભાગનાં એકમો કોલસાનાં ક્ષેત્રોની આસપાસ વિકસેલાં છે.

પરિવહન-સંદેશાવ્યવહાર–વેપાર : બ્રિટનમાં સડકમાર્ગો અને રેલમાર્ગોની ઘનિષ્ઠ જાળ પથરાયેલી છે. નાનાંમોટાં નગરો અને બૃહદ શહેરોને સાંકળતા ઝડપી વાહનમાર્ગોનું આધુનિક ઢબે આયોજન કરવામાં આવ્યું છે. બ્રિટનમાં સરેરાશ દર ત્રણ વ્યક્તિદીઠ એક મોટરગાડીનું પ્રમાણ જોવા મળે છે. સૌથી વધુ દરિયાઈ જહાજો ધરાવતાં રાષ્ટ્રોમાં બ્રિટનનું સ્થાન મોખરે છે. તે આજે 2300 જેટલાં જહાજો ધરાવે છે. તેના દરિયાકિનારે 12 જેટલાં મુખ્ય અને 100 જેટલાં નાનાં બંદરો આવેલાં છે. અહીં આંતરિક જળમાર્ગ-વ્યવહાર દ્વારા (માલ સામાનની હેરફેર) થાય છે. દુનિયાભરમાં આંતરિક જળવ્યવહારમાં સૌથી વધુ ઉપયોગ ટેમ્સ નદીનો થાય છે. બ્રિટનમાં દ્વિતીય ક્રમે મર્સી નદી આવે છે. આ નદી લિવરપુલ અને આયરિશ (Mersey) સમુદ્રને સાંકળે છે. બ્રિટનની સૌથી મહત્વની નહેર માન્ચેસ્ટર નહેર ગણાય છે. તે માન્ચેસ્ટર અને મર્સી નદીને સાંકળે છે. ટાપુઓ અને બ્રિટનના કિનારાને સાંકળતી ફેરી સેવા વધુ ઉપયોગી બની રહેલી છે. 1960થી બ્રિટનમાં હવા અને પાણી ઉપર વહન કરી શકે એવા સાધન હૉવરક્રાફ્ટ(Hovercraft)નો ઉપયોગ થવા લાગ્યો છે, તેને લીધે બ્રિટન અને ફ્રાંસનો વ્યવહાર જાળવી શકાયો છે. 6 મે, 1994ના રોજ બ્રિટન સાથે યુરોપના મુખ્ય ભૂમિભાગનું ચેનલ ટનલ દ્વારા જોડાણ કરવામાં આવ્યું છે. ઇંગ્લિશ ચૅનલના તળિયાને ખોતરીને એક બોગદું તૈયાર કરવામાં આવ્યું છે. આંતરિક અને આંતરરાષ્ટ્રીય હવાઈમથકોને સાંકળતી વિમાની સેવા પૂરી પાડતી બ્રિટિશ ઍરવેઝ અહીં મોટા પાયા પર કાર્યરત છે. અહીં હીથ્રો અને ગેટવિક જેવાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલાં છે. વળી માન્ચેસ્ટર, બર્મિંગહામ, ગ્લાસગો અને લ્યુટોન જેવાં આંતરિક સેવા પૂરી પાડતાં હવાઈ મથકો પણ છે.

બ્રિટનમાંથી આશરે 100 જેટલાં વર્તમાનપત્રો પ્રગટ થાય છે. તે પૈકીનાં 10 તો સમગ્ર બ્રિટનમાં વેચાય છે, તેમનાં કાર્યાલયો લંડન ખાતે આવેલાં છે. ‘ધ સન’ અને ‘ડેઇલ મિરર’ વેચાણમાં સૌથી મોખરે છે. મહત્વનાં ગણાતાં અન્ય વર્તમાનપત્રોમાં ‘ધ ગાર્ડિયન’, ‘ટાઇમ્સ’ અને ‘ડેઇલી ટેલિગ્રાફ’નો સમાવેશ થાય છે. બ્રિટનમાં દર બે વ્યક્તિદીઠ એક ટેલિવિઝન-સેટ અને દરેક વ્યક્તિ પાસે રેડિયો હોવાનું મનાય છે. બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC) દુનિયાભરમાં જાણીતી જાહેરસંસ્થા છે, જે રેડિયો અને ટેલિવિઝનની સેવા આપે છે. બીજી પણ કેટલીક સંસ્થાઓ આ પ્રકારની સેવા પૂરી પાડે છે.

બ્રિટનનો વિદેશ-વેપાર મુખ્યત્વે યુ.એસ., જર્મની, જાપાન અને ફ્રાંસ સાથે વધુ ચાલે છે. પહેલાં બ્રિટન સસ્તા દરે કાચો માલ આયાત કરતું અને મોંઘા ભાવે તૈયાર માલની નિકાસ કરતું. વર્તમાન સંજોગોમાં તે હવાઈ જહાજનાં સાધનો, રસાયણો, ભારે યંત્રો, ઔષધિઓ, મોટરો, પેટ્રોલિયમ, વીજાણુ-યંત્રો, વીજળીનાં સાધનો, પરિવહનનાં સાધનો અને ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન અને તેની નિકાસ પણ કરે છે. આયાતી ચીજવસ્તુઓમાં ચા, કૉફી, ફળો, શાકભાજી, કાચી ધાતુ, કાગળ, યાર્ન અને પ્લાસ્ટિક મુખ્ય છે. તેનો મોટાભાગનો વેપાર બેલ્જિયમ, કૅનેડા, ડેન્માર્ક, ઇટાલી, નૉર્વે, સાઉદી અરેબિયા અને ભારત સાથે ચાલે છે. આ દેશો સાથે તે મોટેભાગે આયાત કરતાં નિકાસથી વધુ સંકળાયેલ છે.

વસ્તી : દુનિયામાં વધુ ગીચ વસ્તી ધરાવતા દેશોમાં બ્રિટનનો પણ સમાવેશ થાય છે. બ્રિટનની કુલ વસ્તીના 83 % ઇંગ્લૅન્ડમાં, 9 % સ્કૉટલૅન્ડમાં 5 % વેલ્સમાં અને 3 % ઉત્તર આયર્લૅન્ડમાં વસે છે. 98 % પ્રજા કૉકેશિયન જાતિની છે; બાકીની 2 % વસ્તી કૉમનવેલ્થના દેશોની છે. અહીં વસતી મોટાભાગની પ્રજા ખ્રિસ્તી છે; 60 % પ્રૉટેસ્ટંટ અને 9 % રોમન કૅથલિક છે. આ સિવાય પ્રેસ્બિટેરિયન, મેથૉડિસ્ટ અને યહૂદી લોકો તેમજ હિન્દુ, મુસ્લિમ અને શીખ ધર્મી લોકો પણ છે. શહેરી વિસ્તારોમાં વસ્તીનું પ્રમાણ 75 % છે. તે પૈકીની 30 % વસ્તી બૃહદ લંડન, બર્મિગહામ, બ્રેડફૉર્ડ, ન્યૂકેસલ, ગ્લાસગો, કાર્ડડિફ, માન્ચેસ્ટર, લીડ્ઝ, લિવરપુલ, યૉર્કશાયર અને એડિનબરો જેવાં શહેરોમાં વસે છે. બ્રિટનનું રાજધાનીનું સ્થળ લંડન ખાતે છે. બ્રિટનની કુલ વસ્તી 1993ના અંદાજ મુજબ 5,82,12,000 જેટલી છે. અહીં સર્વપ્રથમ વસ્તીગણતરી 1755માં ડૉ. ઍલેક્ઝાંડર વેબસ્ટરે કરાવી હતી. અહીં 1931થી દર દસ વર્ષે વસ્તીગણતરી થાય છે. બ્રિટનમાં શિક્ષિતોનું પ્રમાણ સો ટકા છે. અહીં કુલ 44 વિશ્વવિદ્યાલયો આવેલાં છે. ખૂબ પ્રસિદ્ધ પામેલી યુનિવર્સિટીઓમાં ઑક્સફર્ડ, કેમ્બ્રિજ, એડિનબરો અને લંડન યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. અહીંની મુખ્ય ભાષા અંગ્રેજી છે. વેલ્સના મૂળ વતનીઓ ગેલિક ભાષાનો ઉપયોગ કરે છે. પાઉન્ડ-પેન્સ અહીંનું ચલણી નાણું છે. સર્વોચ્ચ વહીવટી પદે રાણી કે રાજાનું પદ ગણાય છે. વહીવટી કાર્ય વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ચલાવે છે. બ્રિટનની એલચી-કચેરીઓ ભારતમાં દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ ખાતે આવેલી છે.

ઇતિહાસ : બ્રિટનનો (ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, વૅલ્સ અને ઉ. આયર્લૅન્ડ)નો ઇતિહાસ જાણવા તેના પ્રાગ્-ઐતિહાસિક કાળથી પ્રારંભ કરી શકાય; કારણ કે આ વિસ્તારમાંથી પુરાતન તથા નૂતન પાષાણયુગના માનવીના વસવાટના અવશેષો શોધી કઢાયા છે. તે સમયની આઇબેરિયન જાતિ અહીં વસવાટ કરતી હતી. આઇબેરિયનો મોટેભાગે સ્પેનમાંથી આવ્યા હતા તેમ માનવામાં આવે છે. ત્યારબાદ અહીં કેલ્ટ નામની આર્યજાતિના લોકો આવીને વસ્યા. તેમાંની એક જાતિ ‘બ્રિટન’ હતી. આ લોકોના નામ ઉપરથી આ ટાપુઓ ‘બ્રિટન’ તરીકે ઓળખાવા લાગ્યા. તે પછી ઈ. પૂ. 55–54માં મહાન રોમન સેનાપતિ જુલિયસ સીઝરે બ્રિટનની ધરતી ઉપર સૌપ્રથમ વાર પગ મૂક્યો. ત્યારથી લગભગ 100 વર્ષના ગાળામાં રોમન પ્રજાએ સમગ્ર બ્રિટન ઉપર પ્રભુત્વ સ્થાપ્યું. આ પ્રજાએ લગભગ 400 વર્ષ સુધી એકધારું શાસન ચલાવ્યું.

ઇતિહાસકારોના મંતવ્ય મુજબ, ઈ. સ.ની પાંચમી સદીમાં રોમ ઉપર વેન્ડાલ, ગૉથ અને હૂણ જેવી અર્ધસભ્ય જાતિઓનાં આક્રમણો થવા લાગતાં, રોમન શહેનશાહે બ્રિટનમાંના સૈનિકોને રોમના બચાવ માટે પાછા બોલાવ્યા; પરિણામે બ્રિટન ઉપર જુદી જુદી જાતિઓને આક્રમણ કરવાની તક મળી; જેમાં જ્યુટ, સૅક્સન અને ઍંગલ્સ જાતિઓ મુખ્ય હતી. ઍંગ્લો-સૅક્સન રાજાઓએ જ અહીં બંધારણના પાયાનાં તત્વો જેવાં કે સર્વસત્તાધીશ રાજાશાહી, પિટેનાગમેટ (ડાહ્યા માણસોની સભા) તથા સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓની સ્થાપના કરી. રાજાના પ્રયત્નથી ખ્રિસ્તી ધર્મના પ્રચાર અર્થે ‘ખ્રિસ્તી ધર્મ સંસ્થા’(church)ની સ્થાપના થઈ. ઈ. સ.ની નવમી સદીમાં ડૅન્માર્કના ડેન લોકોએ આક્રમણ કરીને ઍંગ્લો-સૅક્સન રાજાને હરાવીને પોતાનું શાસન સ્થાપ્યું. ડેન લોકોનો રાજા કૅન્યુટ ઘણો શાણો હતો. કૅન્યુટના અવસાન પછી ઍંગ્લો-સૅક્સનો ફરી સક્રિય બન્યા; પરંતુ આંતરિક વિખવાદ થતાં ફ્રાંસના નૉર્મન્ડીના ડ્યૂક વિલિયમે ઈ. સ. 1066માં આક્રમણ કરીને ઍંગ્લો-સૅક્સન રાજવી હેરૉલ્ડને શિકસ્ત આપીને બ્રિટન ઉપર પોતાની હકૂમત સ્થાપી. આ પ્રજા પોતાની સાથે ફ્રેંચ ભાષા, રીતરિવાજ અને કાનૂન લાવી; પરંતુ સમય જતાં તેઓ પણ બ્રિટિશ (અંગ્રેજ) બની ગયા.

સમગ્ર બ્રિટન ઉપર વર્ષો સુધી એક જ રાજાનું શાસન રહ્યું. લગભગ બસો વર્ષ પછી ત્યાં પાર્લમેન્ટની રચના થઈ. ફ્રેંચ કુળના શ્રીમંત જમીનદારો એમાં ભેગા થતા. સદીઓ સુધી શ્રીમંતોને ખાતર ગરીબોએ વિદેશમાં અને ઘરઆંગણે અનેક સંઘર્ષોનો સામનો કર્યો. વર્ષોના અનુભવ પછી વિશ્વમાં બ્રિટિશરો સમૃદ્ધ, શક્તિશાળી, સુધરેલી અને સંગઠિત પ્રજા તરીકે ઊભરી આવ્યા. ઈ. સ. 1250ના સમયગાળામાં અહીં મોટાં દેવળો બંધાયાં. ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ  એ બે વિદ્યાપીઠોની સ્થાપના થઈ. બ્રિટિશ બંધારણ લગભગ એક હજાર વર્ષથી ક્રમશ: વિકસતું રહ્યું છે. તે અલિખિત છે. તે એકસાથે સમગ્રપણે ઘડવામાં આવ્યું નથી; પરંતુ તે લિખિત કાયદા, ન્યાયતંત્રના ચુકાદા, રિવાજો, પરંપરાઓ વગેરેમાંથી તૈયાર થયું છે. તેના મુખ્ય સ્રોતોમાં મૅગ્નાકાર્ટા (1215), હકની અરજી (1628), હેબિયસ કૉર્પસ ઍક્ટ (1679) અને હકના ખરડા(1689)નો સમાવેશ થાય છે. ત્યાંની પાર્લમેન્ટ સર્વોપરી સત્તા ધરાવે છે. ઇંગ્લૅન્ડમાં લોકશાહીની શરૂઆત મૅગ્નાકાર્ટાથી થઈ એમ માનવામાં આવે છે. એટલે આશરે આઠસો વર્ષથી ત્યાં લોકશાહીના વિકાસની શરૂઆત થઈ હતી.

ઈ. સ. 1600 સુધીમાં બ્રિટિશરોનો એક સ્થિર વ્યવસ્થિત સમાજ રચાયો. તેમાં ગરીબોને થોડાક અધિકારો મળ્યા. એ જ અરસામાં કાયદાઓનો પદ્ધતિસરનો સંગ્રહ પ્રગટ થયો. ઈ. સ. 1642માં જમીનદારો અને વેપારીઓની પ્રતિનિધિ એવી પાર્લમેન્ટ અને રાજા વચ્ચે આંતરયુદ્ધ થયું. રાજાનો પરાજય થયો. પ્રજાસત્તાકનાં 11 વર્ષ પછી, ઈ. સ. 1660માં  રાહતના દમ સાથે તેના પુત્રને દેશવટેથી પરત બોલાવી તેને સિંહાસને બેસાડ્યો; પરંતુ ધાર્મિક વિખવાદો ઊભા થતાં રાજા જૅમ્સને રાજગાદી છોડીને ફ્રાંસ નાસી જવું પડ્યું. આથી ઈ. સ. 1688માં આ વંશનું સ્થાન લેવા ડચ શાસક વિલિયમ ઑવ્ ઑરેન્જને ગાદી સોંપી. તેને રક્તવિહીન ક્રાન્તિ કહે છે.

ઔદ્યોગિક ક્રાંતિને કારણે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટનમાં વિવિધ યંત્રોનો આવિષ્કાર થયો. આને લીધે બ્રિટનનું વર્ચસ્વ યુરોપ ખંડમાં વધ્યું. બ્રિટનની ઔદ્યોગિક રાષ્ટ્ર તરીકે ગણના થવા લાગી. જેની ઉપર સૂર્ય કદી અસ્ત પામતો નહોતો તે મોટાભાગનું સામ્રાજ્ય આ સમય દરમિયાન (ઈ. સ. 1800થી 1900) નિર્માણ પામ્યું. આ સમયગાળામાં બ્રિટનની પ્રજાએ એશિયા અને આફ્રિકા ઉપર પ્રભુત્વ સ્થાપ્યું.

બ્રિટનમાં છેલ્લાં સો વર્ષ દરમિયાન સામાજિક પરિવર્તન આવ્યું. સમૃદ્ધિ અને લોકશાહી અધિકારો જૂજ સંખ્યાના લોકોમાંથી બહુજન સમાજમાં પ્રસર્યા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ બ્રિટનમાં ગંભીર આર્થિક પ્રશ્નો પેદા થયા. બીજા વિશ્વયુદ્ધમાં પણ બ્રિટને ઘણું નુકસાન વેઠ્યું. સંસ્થાઓની પરિસ્થિતિ સ્ફોટક સ્વરૂપ ધારણ કરે તે પહેલાં નમતું આપી દેવું, તેવી ચાણક્ય-નીતિ સ્વીકારીને વીસમી સદીમાં પોતાના મોટાભાગના સંસ્થાનોને બ્રિટને સ્વતંત્રતા બક્ષી છે. બ્રિટનના વર્તમાન વડાપ્રધાન ટોની બ્લેર છે.

નીતિન કોઠારી